
દહેગામ તાલુકાના સુજાના મુવાડા ગામ પાસેથી રખિયાલ પોલીસે 2.54 લાખ રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. પોલીસે એક કારમાંથી દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો, જોકે કારચાલક ફરાર થઈ ગયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, રખિયાલ પોલીસ સાપા ગામ પાસે પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન બાયડથી દહેગામ તરફ આવી રહેલી GJ 01 WY 2442 નંબરની સફેદ કિયા સેલટોસ કારને રોકવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે રોકવાનો પ્રયાસ કરતા કારચાલકે ગાડી રિવર્સ કરી બાયડ તરફ ભગાડી હતી.
પોલીસે કારનો પીછો કરતા કારચાલક સુજાના મુવાડા ગામની સીમમાં કાર પાર્ક કરી નાસી છૂટ્યો હતો. ત્યારબાદ પોલીસે કારની ડેકીમાં તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની બોટલો અને બિયરના કુલ 792 નંગ મળી આવ્યા હતા. આ દારૂના જથ્થાની કિંમત 2,54,000 રૂપિયા આંકવામાં આવી છે.રખિયાલ પોલીસ સ્ટેશનના પીઆઈ એ.એસ. અસારીએ કાર સહિત કુલ 10.54 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.