
અમદાવાદ શહેરમાં દિન પ્રતિદિન દારૂ પીને ગાડી ચલાવીને અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. ગઇકાલે(12 ફેબ્રુઆરી) શહેરના નરોડા વિસ્તારમાં કાપડી વાસ પાસે દારૂ પીધેલા કાર ચાલકે બેફામપણે કાર ચલાવી સામેથી એક્ટિવા પર બાળકી સાથે આવતા દંપતીને ટક્કર મારી હતી. જેથી ત્રણેય લોકો નીચે પડી ગયા હતા. ચાર વર્ષની બાળકીને મોઢાના અને અન્ય ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી જ્યારે પતિ-પત્નીને પણ ઇજાઓ થતા ત્રણેયને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.અકસ્માત બાદ લોકોના ટોળેટોળા ભેગા થઈ ગયા હતા અને ચાલકને ઝડપી પાડ્યો હતો. પોલીસને જાણ કરવામાં આવતા ટ્રાફિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. ટ્રાફિક પોલીસે કારચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
શહેરના નવા નરોડા વિસ્તારમાં આવેલી અંજની રેસીડન્સીમાં રિતેશ ખટનાની તેમના પરિવાર સાથે રહે છે. રિતેશભાઈ તેમના પત્ની અને ચાર વર્ષની બાળકીને લઈને એક્ટિવા પર તેમના સાળીના ઘરે ગઇકાલે રાત્રે મળવા માટે ગયા હતા. સવા નવ વાગ્યાની આજુબાજુ તેઓ ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે નરોડા કાપડીવાસ પાસે પહોંચતા સામેના ભાગેથી બેફામ સ્પીડે એક કારચાલક આવ્યો હતો. કાર ચાલકે સામેથી આવતા એક્ટિવાને ટક્કર મારી હતી જેના કારણે રિતેશભાઈ તેમના પત્ની અને નાની બાળકી ત્રણેય નીચે પડી ગયા હતા અને તેઓને ગંભીર ઇજા થઈ હતી.અકસ્માત થતાની સાથે જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને રીતેશભાઈએ તેમના મિત્રોને જાણ કરતા તેઓ પણ ઘટનાસ્થળ ઉપર પહોંચ્યા હતા. ગાડી ચાલક પોતાની ગાડી મૂકી ત્યાંથી ભાગી ગયો હતો. જોકે સ્થાનિક લોકોએ તેનો પીછો કરી તેને ઝડપી પાડ્યો હતો. 108 એમ્બ્યુલન્સ મારફતે ત્રણેયને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ગાડીમાં તપાસ કરતા દારૂની બોટલ પણ મળી આવી હતી. પોલીસને જાણ કરવામાં આવતા જી ટ્રાફિક પોલીસ ઘટનાસ્થળ ઉપર પહોંચી હતી. પોલીસે કારચાલક રાઘવેંદ્ર તેજભાન સીંગ (ઉ.વ 31, રહે. દેવમાણીક ફ્લેટ, શ્રીનાથ પાર્ટી પ્લોટ પાસે, નવા નરોડા, મુળ વતન ગામ-કુસમી તા-ઉચાઆહાર થાના-જગતપુર જી-અયોધ્યા ઉત્તરપ્રદેશ) ની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.