
રાજકોટની યુવતીએ મેટ્રોમોનિયલ સાઇટ પરથી બેંકમાં નોકરી કરતા યુવક સાથે લગ્ન કર્યા હતા.પરંતુ લગ્નજીવન શરૂ થયા બાદ જ પતિ અને સાસરીયાઓ દ્વારા અંધશ્રદ્ધા અને કમાણીના દબાણ સાથે માનસિક ત્રાસ આપવામાં આવતો હતો.યુવતીને મંત્રેલું પણ પીવડાવવામાં આવતું હતું જેથી યુવતીએ પશ્ચિમ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. મૂળ રાજકોટની અને અમદાવાદના ઘાટલોડિયામાં રહેતી 29 વર્ષીય યુવતી આઈટી કંપનીમાં કામ કરે છે.યુવતીએ મેટ્રોમોનિયલ સાઇટ પરથી વર્ષ 2024માં જૂનાગઢના અને હાલ વડોદરા ખાતે બેંકમાં નોકરી કરતા યુવક સાથે લગ્ન કર્યા હતા.લગ્ન બાદ સાસરીયાઓએ યુવતી સામે શરતો મૂકતા જણાવ્યું હતું કે તે અમદાવાદમાં નોકરી કરીને ઘરનું ભાડું અને અન્ય ખર્ચ ઉઠાવે તો જ તેને પતિ સાથે રહેવા દેવામાં આવશે.ઉપરાંત પિયરમાંથી મળેલું સોનું પરત આપવા દબાણ કરાયું હતું.
સાસરિયા અંધશ્રદ્ધામાં યુવતી પર વિવિધ આક્ષેપો કરતા હતા.પિયરમાંથી લાવેલી મીઠાઈમાં વશીકરણ કરેલું હોવાનું કહી તે ગાયને ખવડાવી દેવામાં આવી હતી. યુવતીને મંત્રેલું પાણી પીવા દબાણ કરવામાં આવતું અને પતિને તેના પર તાંત્રિક વિધિ કરવામાં આવી હોવાનો ભય બતાવવામાં આવતો હતો.આ દરમ્યાન યુવતી બિમાર પડી ત્યારે પતિએ સારવાર કરાવવાની જગ્યાએ તેને એકલી મૂકી દીધી હતી.ત્યારબાદ પતિએ ઈમેઈલ અને મેસેજ દ્વારા ડિવોર્સ માટે અરજી કરી દીધી હોવાનું જણાવી હવે છૂટાછેડા લેવા પડશે તેમ કહી ફોન મૂકી દીધો હતો. ત્યારબાદ તે કોઈ પ્રકારની વાતચીત કરવા તૈયાર ન હતો.આખરે માનસિક રીતે ત્રસ્ત થયેલી યુવતીએ પશ્ચિમ મહિલા પોલીસ સ્ટેશનમાં પતિ સહિત સાસરીયા સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.