
રાજ્યમાં IT, સેમિકન્ડક્ટર અને હાઈ-ટેક મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રોને 24 કલાક કાર્યક્ષમ બનાવવા સરકાર કાનૂની સુધારા તરફ આગળ વધી રહી છે. મહિલાઓને રાત્રિ શિફ્ટમાં કામ કરવાની મંજૂરી આપવા માટે મજૂરી કાયદામાં ફેરફારનો પ્રસ્તાવ તૈયાર થયો હોવાનું સૂત્રો જણાવે છે. હાલ કાયદો અમલમાં આવ્યો નથી, પરંતુ આવનારા વિધાનસભા સત્રમાં બિલ રજૂ થવાની શક્યતા છે. ઉદ્યોગ ક્ષેત્રે વધતા વૈશ્વિક પ્રોજેક્ટ્સ અને રોકાણોને ધ્યાનમાં રાખીને કુશળ મહિલા માનવશક્તિનો ઉપયોગ વધારવો જરૂરી બન્યો છે. સરકારનો લક્ષ્ય આગામી ચાર વર્ષમાં આ ક્ષેત્રોમાં મહિલાઓની ભાગીદારી 40 ટકા સુધી પહોંચાડવાનો છે.
પ્રસ્તાવ મુજબ, રાત્રિ શિફ્ટમાં કામ કરતી મહિલાઓ માટે સુરક્ષા પ્રથમ પ્રાથમિકતા રહેશે. ફરજિયાત પિક-અપ અને ડ્રોપ, કાર્યસ્થળે સીસીટીવી, મહિલા સુરક્ષા અધિકારી, ઇમરજન્સી હેલ્પલાઈન અને આરામ સમય જેવી જોગવાઈઓ કડક રીતે અમલમાં મૂકવામાં આવશે. ઓવરટાઈમ અને અન્ય કામકાજની શરતો પણ સ્પષ્ટ કરવામાં આવશે.ઉદ્યોગ જગત આ સુધારાની રાહ જોઈ રહ્યું છે, જ્યારે મહિલા સંગઠનો સુરક્ષા જોગવાઈઓને વધુ મજબૂત બનાવવા માગ કરી રહ્યા છે. હવે નજર વિધાનસભા સત્ર પર છે, જો બિલ પાસ થશે તો રાજ્યના ઉદ્યોગ અને મહિલા રોજગાર ક્ષેત્રે મહત્વપૂર્ણ પરિવર્તન જોવા મળશે.