ITIના યુવાનો માટે સરકાર લાવશે નવી યોજના

Spread the love

 

 

રાજ્યના યુવાનોને કૌશલ્ય સાથે સ્પોર્ટ્સ ક્ષેત્રે પણ આગળ ધપાવવા રાજ્ય સરકાર દ્વારા અનોખી પહેલ હાથ ધરાઈ છે. આગામી બજેટમાં ITIમાં તાલીમ લેતા અંદાજે 1.58 લાખ યુવાઓને સ્પોર્ટ્સ પ્રવૃત્તિઓ સાથે સંકળાવવા ‘યુવા કૌશલ્ય સ્પોર્ટ્સ સંકુલ’ યોજના જાહેર થવાની શક્યતા છે. સરકારનો હેતુ માત્ર રોજગારી પૂરતી તાલીમ આપવાનો નથી, પરંતુ યુવાનોમાં શારીરિક તંદુરસ્તી, ટીમ સ્પિરિટ અને સ્પર્ધાત્મકતા વિકસાવવાનો પણ છે. પ્રથમ તબક્કામાં રાજ્યની 20 પસંદગીની ITIમાં આધુનિક સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરાશે. લગભગ રૂ.12 કરોડના પ્રાથમિક ખર્ચથી મેદાનો, ઇન્ડોર હોલ, કોચિંગ સુવિધા અને જરૂરી સાધનો ઉપલબ્ધ કરાવાશે. ત્યારબાદ તબક્કાવાર અન્ય ITIમાં પણ સુવિધાઓ વિસ્તરશે.
યોજનાનો વિશેષ ફોકસ એ રહેશે કે, ITIના વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાઓ માટે તૈયાર કરી શકાય. ઉદ્યોગગૃહો સાથે સંકલન કરીને ખેલાડીઓને પ્રોત્સાહન અને પ્રાયોજકતા પણ ઉપલબ્ધ કરાવાશે. તાલીમ સાથે રમતગમતનો સમન્વય થવાથી વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધશે અને તેમના સર્વાંગી વિકાસને વેગ મળશે.સૂત્રોના જણાવ્યા મુજબ, રાજ્યમાં આગામી વર્ષોમાં યોજાનારી રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓને ધ્યાનમાં રાખીને જ આ પહેલ કરવામાં આવી રહી છે. ITIમાં ફિટર, ઇલેક્ટ્રીશિયન, મશીનિસ્ટ જેવા ટ્રેડમાં તાલીમ લેતા યુવાઓ માટે હવે રમતગમત પણ કારકિર્દીનો વિકલ્પ બની શકે છે. આ યોજના અમલમાં આવ્યા બાદ કૌશલ્ય વિકાસ અને સ્પોર્ટ્સ વિકાસ વચ્ચેનું અંતર ઘટશે. સરકારનો દાવો છે કે “સ્કિલ અને સ્પોર્ટ્સ”ના સમન્વયથી યુવાનોને નવી દિશા મળશે અને રાજ્યનું પ્રતિનિધિત્વ રાષ્ટ્રીય મંચ પર વધુ મજબૂત બનશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *