
મહેસાણા જિલ્લામાં માર્ગ અકસ્માતો નિવારવા અને ટ્રાફિક નિયમોના ચુસ્ત પાલન માટે પ્રાદેશિક પરિવહન કચેરી RTO દ્વારા કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ખાસ કરીને વાહનોમાં નિયમ વિરુદ્ધ લગાડવામાં આવતી તીવ્ર પ્રકાશવાળી વ્હાઈટ LED લાઈટો સામે RTO ઇન્સ્પેક્ટરોએ તડાપીટ બોલાવી છે. છેલ્લા બે મહિના દરમિયાન કરવામાં આવેલી કાર્યવાહીમાં કુલ 3,08,000 રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે.
RTO ના આંકડા મુજબ જાન્યુઆરી માસમાં તપાસ દરમિયાન કુલ 132 કેસો નોંધાયા હતા.જેમાં વાહનચાલકો પાસેથી 2,12,000 રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.જ્યારે ફેબ્રુઆરી માસમાં અત્યાર સુધીમાં 96 કેસો નોંધી 96,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. વાહનચાલકો દ્વારા કંપની ફિટેડ લાઈટોના બદલે બહારથી વધુ તીવ્રતાવાળી LED લાઈટો લગાડવામાં આવે છે. જે રાત્રિના સમયે સામેથી આવતા અન્ય વાહનચાલકોની આંખોમાં આંજી દેતી હોય છે. આ પ્રકારની લાઈટો અકસ્માત માટે મુખ્ય કારણ બનતી હોવાથી RTO દ્વારા રૂટિન ચેકિંગ દરમિયાન આવી લાઈટો દૂર કરાવી દંડનીય કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ અંગે મહેસાણા RTOના આસિસ્ટન્ટ ઓફિસર જી.જે. સોલંકીએ જણાવ્યું હતું કે, વાહનકંપનીઓ દ્વારા જે લાઈટો ફિટ કરવામાં આવે છે તેના કરતા વધુ તીવ્રતા ધરાવતી લાઈટો લગાવવી એ નિયમ વિરુદ્ધ છે. આવી લાઈટો અન્ય ચાલકો માટે જોખમી સાબિત થતી હોવાથી જિલ્લામાં સતત ચેકિંગ હાથ ધરી કડક પગલાં લેવામાં આવી રહ્યા છે અને આગામી સમયમાં પણ આ ઝુંબેશ ચાલુ રહેશે.