
શહેર નજીક આવેલા અણખોલ સીમમાં ગટર લાઈન ચોકઅપ થઈ જતા પ્રોજેક્ટ મેનેજર અને તેનો લાઈનમેન ગટર લાઈનની તપાસ કરી રહ્યા હતા. કામકાજ દરમિયાન ચેમ્બરમાં લાઈનમેન બેભાન થઈ જતાં પ્રોજેક્ટ મેનેજર તેને બચાવવા માટે ચેમ્બરમાં ઉતર્યો હતો. જોકે બંને બેભાન થઈ જતાં કર્મચારીને ખાનગી અને કોન્ટ્રાક્ટરને સયાજી હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં બંનેને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.શહેરની નજીક આવેલા અણખોલ ગામની સીમમાં વુડાની ગટર લાઈનનું કામ કરતા લાઈનમેન અને પ્રોજેક્ટ મેનેજરનું મોત થયું હતું. અમદાવાદના નિકોલમાં રહેતા 45 વર્ષીય વિપુલભાઈ માંગરોલીયા પ્રોજેક્ટ મેનેજર તરીકે કામ કરે છે. શુક્રવારે વિપુલભાઈ તેમના અન્ય કર્મચારીઓ સાથે અણખોલ ગામની સીમમાં ખાતે ગટર લાઈનનું કામ કરવા માટે આવ્યા હતા. ગટર લાઈન ચોકઅપ થઈ ગઈ હોવાથી વિપુલભાઈ માંગરોલીયા અને અક્ષય ભાભોર લાઈન તપાસતા-તપાસતા હાઈવે નજીક આવેલા આણખોલ પાસેના હિમાલયા પાર્ટી પ્લોટ નજીકમાં આવેલી ગટરના ચેમ્બર પાસે પહોંચ્યા હતા.સફાઈ માટે પહેલા અક્ષય ભાભોર ગટરની ચેમ્બરમાં ઉતર્યો હતો. જે થોડા સમયમાં ગટરની ચેમ્બરમાંજ બેભાન થઈ જતાં તેને બચાવવા માટે વિપુલભાઈ પણ ચેમ્બરમાં ઉતર્યા હતા. જે બાદ બંને બેભાન થઈ જતા તેઓને હૉસ્પિટલમાં લઈ જવામાં આવતા તેઓને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.ચાર વર્ષ પહેલા વુડાએ રૂ. 15.40 કરોડના ખર્ચે અણખોલ ગામથી ખટંબા થઈ કપુરાઇ સુએજ ટ્રિટમેન્ટ પ્લાન્ટ સુધીના 18 કિમીના ડ્રેનેજ નેટવર્ક નાખવાનું કામ કોન્ટ્રાક્ટર જેન્તી સુપર કન્સ્ટ્રક્શન સોંપાયું હતું. વુડાના આધારભૂત સૂત્રો મુજબ ગુરુવારે પુશિંગની કામગીરી પૂર્ણ થઈ છે. કોન્ટ્રાક્ટરના બે કર્મચારીઓએ હિમાલયા પાર્ટી પ્લોટની બહાર વાહન પાર્કિગની જગ્યામાં આવેલી ડ્રેનેજની ચેમ્બરમાં ચેકિંગ દરમિયાન પડી ગયા હતા. આશ્ચર્યજનક બાબત એ છે કે, વુડાએ આ કામ 4 વર્ષ પહેલાં કોન્ટ્રાક્ટરને સોપ્યું હતું, કોન્ટ્રાક્ટરે ગોકળગતિએ કામ કરતા માત્ર 90 ટકા જ પૂર્ણ થઈ છે. સયાજી હૉસ્પિટલમાંથી મળતી માહિતી અનુંસાર વિપુલભાઈનું વજન 90 કિલોથી વધારે હોવાથી તેઓને ચેમ્બરમાંથી બહાર કાઢતા ઘણો 1 થી 2 કલાક લાગ્યા હતા. જે બાદ તેઓને હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે તેમને મૃત જાહેર કરાયા હતા.વિપુલભાઈ સાથે કામ કરતા અન્ય લાઈનમેન બીજી જગ્યાએ કામ કરતા હતા. બપોરે 1 વાગ્યાની આસપાસ જમવાનો સમય થતાં કર્મીઓ વિપુલભાઈ, અક્ષયને શોધવા નિકળ્યા હતા. પાર્ટી પ્લોટના પાર્કિંગમાં ગટર લાઈનની ચેમ્બરમાં બંને બેભાન હાલતમાં મળ્યા હતા.