
ગુજરાત સરકારનું વર્ષ 2026-27નું વાર્ષિક બજેટ આવતી 18 ફેબ્રુઆરીએ વિધાનસભામાં રજૂ થવાનું છે. આ વખતે રાજ્યનું બજેટ કદાચ ઐતિહાસિક કદ ધારણ કરી શકે છે. આર્થિક સૂત્રોના અનુમાન મુજબ બજેટનો આકાર ₹3.90 લાખ કરોડથી વધીને ₹4 લાખ કરોડ સુધી પહોંચી શકે છે. ગત વર્ષ 2025-26માં રાજ્ય સરકારે ₹3.70 લાખ કરોડનું બજેટ રજૂ કર્યું હતું. ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન જી.એસ.ટી. વસુલાત, સ્ટેમ્પ ડ્યૂટી અને ઉદ્યોગ ક્ષેત્રની આવકમાં થયેલા વૃદ્ધિને ધ્યાનમાં લેતા આ વખતે 7થી 10 ટકા જેટલો વધારો થવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે. અંદાજે ₹20 હજાર કરોડથી ₹30 હજાર કરોડ સુધીનો વધારો થવાની ચર્ચા છે.આવતા બજેટમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર, માર્ગ-મકાન, પાણી પુરવઠા, આરોગ્ય અને શિક્ષણ જેવા પ્રાથમિક ક્ષેત્રોમાં વધુ ફાળવણી થવાની સંભાવના છે. સાથે જ કૃષિ, ઉદ્યોગ અને યુવા રોજગારને પ્રોત્સાહન આપવા નવી યોજનાઓની જાહેરાત પણ થઈ શકે છે. રાજ્ય સરકાર મૂડી ખર્ચમાં વધારો કરીને વિકાસની ગતિને વધુ વેગ આપે તેવી અપેક્ષા છે. જો બજેટનો આકાર ₹4 લાખ કરોડને અડી જાય અથવા પાર કરે, તો તે રાજ્યના ઇતિહાસમાં અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ ગણાશે. હવે 18 ફેબ્રુઆરીએ વિધાનસભામાં રજૂ થનારા સત્તાવાર આંકડાઓ પર સૌની નજર ટકેલી છે.