
આમ આદમી પાર્ટી(AAP)ના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીના નેતૃત્વમાં પાર્ટીનું પ્રતિનિધિમંડળ આજે રાજ્યપાલને મળવા રવાના થયું હતું, પરંતુ રાજ્યપાલ તરફથી સમય ફાળવવામાં આવ્યો ન હોવાનું AAPએ જણાવ્યું છે. આ મુદ્દે AAPએ ભાજપ સરકાર અને રાજ્યપાલની કાર્યશૈલી પર સવાલો ઉઠાવ્યા છે.પ્રેસ કોન્ફરન્સમાં ઇસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, AAP રાષ્ટ્રીય પાર્ટી છે અને ગુજરાતમાં પાંચ ધારાસભ્યો સાથે સક્રિય રીતે લોકોના પ્રશ્નો ઉઠાવી રહી છે છતાં રાજ્યપાલ તરફથી મુલાકાત માટે સમય આપવામાં આવતો નથી. અગાઉ રાજકોટ ગેમ ઝોન સહિત વિવિધ જાહેર મુદ્દાઓ પર પત્ર આપવામાં આવ્યા હોવા છતાં મુલાકાત ન મળતાં આજે પાર્ટી દ્વારા સત્તાવાર આવેદનપત્ર રાજ્યપાલના કાર્યાલયે સુપરત કરવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી. “રાજ્યપાલ પોતે ન મળી શકે તો એમના પ્રતિનિધિને આવેદનપત્ર સ્વીકારવા મોકલે,” એવી માંગ પણ તેમણે કરી.ઇસુદાન ગઢવીએ અમેરિકા-ભારત વચ્ચે થનારી સંભવિત ટ્રેડ ડીલ મુદ્દે ગંભીર ચિંતા વ્યક્ત કરી. તેમણે દાવો કર્યો કે જો અમેરિકન કૃષિ અને ડેરી ઉત્પાદનોને શૂન્ય ડ્યુટી સાથે ભારતમાં પ્રવેશ આપવામાં આવશે તો સ્થાનિક ખેડૂતો અને પશુપાલકોને ભારે નુકસાન થશે. “અમેરિકામાં ખેડૂતોને અંદાજે 54 લાખ રૂપિયા સુધીની સબસિડી મળે છે, જેના કારણે તેમનો ઉત્પાદન ખર્ચ ઓછો રહે છે. આવી સબસિડીયુક્ત પ્રોડક્ટ્સ ભારતીય બજારમાં આવશે તો ગુજરાતના ખેડૂતો કેવી રીતે ટકી શકશે?” એમ તેમણે પ્રશ્ન કર્યો.
પશુપાલન ક્ષેત્ર અંગે તેમણે જણાવ્યું કે, હાલ દુધના ભાવમાં અસ્થિરતા છે અને નકલી દુધના કેસો પણ સામે આવી રહ્યા છે. આવી સ્થિતિમાં વિદેશી ડેરી પ્રોડક્ટ્સને છૂટછાટ આપવામાં આવશે તો સ્થાનિક પશુપાલકો વધુ મુશ્કેલીમાં મુકાઈ શકે છે. “જો ગુજરાતમાં AAPની સરકાર હોત તો હાલના ભાવ કરતાં ₹15 પ્રતિ લીટર વધારે ભાવ પશુપાલકોને મળતા,” એવો દાવો પણ તેમણે કર્યો.ઇસુદાન ગઢવીએ કેન્દ્ર સરકાર અને ખાસ કરીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર ખેડૂત વિરોધી નિર્ણય લેવાનો આક્ષેપ કર્યો. “ખેડૂતો, પશુપાલકો અને નાના ઉદ્યોગકારો બરબાદ થઈ જાય એવા સોદા કરવા માટે પ્રધાનમંત્રી બનાવ્યા નથી,” એમ કહી તેમણે સરકારને સ્પષ્ટતા કરવા માંગ કરી કે અમેરિકાના કૃષિ ઉત્પાદનોને ભારતમાં કેમ મંજૂરી આપવામાં આવી રહી છે.તેમણે વધુમાં આરોપ લગાવ્યો કે, ભાજપ સરકાર જેટલો સમય સત્તામાં રહેશે, તેટલો ખેડૂતો અને નાના ઉદ્યોગો પતન તરફ ધકેલાશે. આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ખેડૂતો, પશુપાલકો અને નાના ઉદ્યોગકારોને મુદ્દા આધારિત રાજનીતિને મત આપવા અપીલ પણ તેમણે કરી. AAPના પ્રતિનિધિમંડળમાં ગોપાલ ઇટાલિયા, મનોજ સોરઠીયા, પ્રવીણ રામ, બ્રિજરાજ સોલંકી, સામત ગઢવી, ડો. જ્વેલ વસરા, ગૌરી દેસાઈ અને ડો. કરન બારોટ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.