દંતાલી ગામમાં કરોડોની સરકારી જમીનની ઠગાઈ

Spread the love

 

ગાંધીનગર જિલ્લાના દંતાલી ગામની સીમમાં આવેલી શરત ભંગ થયેલી કરોડો રૂપિયાની કિંમતી સરકારી જમીનને પચાવી પાડવા માટે કાયદાકીય ગૂંચ ઊભી કરી અમદાવાદના જમીન દલાલ સાથે મેળાપીપણું કરી ઠગાઈ આચરવાની ફરિયાદ અડાલજ પોલીસ મથકમાં નોંધાઈ છે. અમદાવાદના સોલા વિસ્તારમાં રહેતા અને જમીન લે-વેચનો વ્યવસાય કરતા જીગરકુમાર રામભાઈ પટેલે આ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ દંતાલી ગામના સર્વે નંબર 231માં આવેલી આશરે 8600 ચોરસ મીટર જમીન અગાઉ શરત ભંગ થવાને કારણે સરકારી જમીન બની હતી. આ જમીન નિયમિત કરાવવા માટે મૂળ ખેડૂતોએ વર્ષ 2016માં જયંતિભાઈ અંબાલાલ પટેલ (રહે. કલોલ) અને મયુરભાઈ બળદેવભાઈ પટેલ (રહે. ભાદોલ, તા. કલોલ)ને પાવર ઓફ એટર્ની આપી હતી, પરંતુ તેઓએ કોઈ કામગીરી કરી ન હતી. ત્યારબાદ વર્ષ 2019માં ખેડૂતોએ જીગરકુમાર પટેલનો સંપર્ક કરતા તેમણે કલેક્ટર કચેરીમાં જરૂરી કાર્યવાહી કરી જમીન નિયમિત કરાવી હતી અને ખેડૂતોને નક્કી કરેલ 1.55 કરોડ રૂપિયાનો અવેજ ચૂકવી જાન્યુઆરી, 2022માં કાયદેસરનો વેચાણ દસ્તાવેજ કરી જમીનનો કબજો મેળવ્યો હતો. જોકે, આ જમીન કિંમતી બની ગઈ હોવાનું જાણી આરોપીઓએ મેળાપીપણું કરી વર્ષ 2020માં જૂના પાવરના આધારે ખેડૂતોની જાણ બહાર 88.15 લાખની કિંમતનું એક કબ્જા વગરનું બાનાખત ઊભું કર્યું હતું. ત્યારબાદ જીગરે જમીન ખરીદી લીધી હોવાનું જાણતા હોવા છતાં આરોપીઓએ ફેબ્રુઆરી 2022માં તે જ પાવરના આધારે એકબીજાના નામે રજિસ્ટર્ડ વેચાણ દસ્તાવેજ કરાવી લીધો હતો. આ બાબતે પોલીસે જયંતિભાઈ અંબાલાલ પટેલ અને મયુરભાઈ બળદેવભાઈ પટેલ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટના રાજ્યમાં શરત ભંગની જમીનોના દુરુપયોગ અને જમીન દલાલીના વધતા કેસો તરફ ધ્યાન દોરી રહી છે. પોલીસે આરોપીઓના બેંક ટ્રાન્ઝેક્શન, દસ્તાવેજો અને જમીનના રેકોર્ડની તપાસ શરૂ કરી છે. આ કેસમાં વધુ ખુલાસા થવાની શક્યતા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *