શિક્ષણ વિભાગની કોર્ટના આદેશ અંગે સ્પષ્ટતા

Spread the love

 

રાજ્યના જુદા-જુદા વર્તમાનપત્રો/ડિજિટલ મીડિયા પ્લેટફોર્મમાં પ્રસિદ્ધ થયેલ “સરકાર હવે શિક્ષક પાસે રખડતા કૂતરા પણ ગણાવશે” શીર્ષકવાળા સમાચાર અંગે શિક્ષણ વિભાગે સત્તાવાર સ્પષ્ટતા કરી છે. વિભાગના જણાવ્યા અનુસાર સુપ્રીમ કોર્ટના આદેશના પરિપ્રેક્ષ્યમાં માત્ર વિદ્યાર્થીઓ અને નાગરિકોની સલામતી સુનિશ્ચિત કરવા માટે જરૂરી વ્યવસ્થાઓ કરવાની સૂચના આપવામાં આવી છે, કૂતરાઓને ‘ગણવા’ અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. સુપ્રીમ કોર્ટ દ્વારા સંસ્થાકીય વિસ્તારો, શૈક્ષણિક સંસ્થાઓ, હોસ્પિટલો, રમતગમત સંકુલો, બસ સ્ટેન્ડ/ડેપો અને રેલવે સ્ટેશનોમાં કૂતરાના હુમલાના વધતા બનાવોને ધ્યાનમાં લઈ સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવા આદેશ આપવામાં આવ્યા છે. જેમાં પરિસરમાં ફેન્સિંગ, બાઉન્ડરી વોલ, ગેટ્સ જેવી સુવિધાઓ ઊભી કરી રખડતા કૂતરાઓના પ્રવેશને અટકાવવા અને એક નોડલ અધિકારી નિયુક્ત કરવાની બાબતનો સમાવેશ થાય છે. Animal Welfare Board of India ને પણ બે અઠવાડિયામાં સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) જાહેર કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે, જેથી સમગ્ર દેશમાં એકસરખી માર્ગદર્શિકા અમલમાં આવે. શિક્ષણ વિભાગે સ્પષ્ટ કર્યું છે કે કોર્ટના આદેશ મુજબ વિદ્યાર્થીઓની સુરક્ષા પ્રથમ પ્રાથમિકતા છે અને તે માટે માળખાકીય તેમજ વહીવટી પગલાં લેવામાં આવશે. ભ્રામક અર્થઘટનથી ગેરસમજ ફેલાય નહીં તે માટે વિભાગે અપીલ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *