
રાજ્યમાં હાલ ઠંડી ઘટી છે અને દિવસે ગરમીનો અહેસાસ શરૂ થયો છે. આગામી 4 દિવસ તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર નહીં થાય, પરંતુ ત્યારબાદ 2-3 ડિગ્રી તાપમાન વધશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોમાં તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે, જ્યારે બાકીના વિસ્તારમાં કોઈ ખાસ મોટો ફેરફાર જોવા મળ્યો નથી. રાજ્યમાં સૌથી ઓછું તાપમાન નલિયામાં 11 ડિગ્રી સેલ્સિયસ અને અમદાવાદમાં 16 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. હાલમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતા 3થી 4 ડિગ્રી ઊંચું નોંધાઈ રહ્યું છે. રાજ્યમાં હાલમાં ઉત્તર-પશ્ચિમથી ઉત્તરીય પવનો ફૂંકાઈ રહ્યા છે. તાપમાનમાં વધારાનું મુખ્ય કારણ પૂર્વીય પવનો છે, જે પ્રમાણમાં ગરમ હોય છે. હાલમાં આપણે ઉનાળા તરફ આગળ વધી રહ્યા હોવાથી આ એક ટ્રાન્ઝિશન પિરિયડ છે. આગામી 4 દિવસ માટે વાતાવરણમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. 4 દિવસ પછી ન્યૂનતમ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો વધારો થઈ શકે છે, જેનાથી ગરમીનો અહેસાસ વધશે. સમગ્ર રાજ્યમાં આગામી 7 દિવસ સુધી વાતાવરણ મુખ્યત્વે સૂકું રહેશે. દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ 10થી 15 નોટ્સની આસપાસ રહેશે. હાલમાં માછીમારો માટે દરિયો ન ખેડવા અંગેની કોઈ ચેતવણી જાહેર કરવામાં આવી નથી.