સુરત મોડલ આત્મહત્યા કેસમાં ઘટસ્ફોટ

Spread the love

 

સુરતમાં સારોલીના કુંભારીયાની સારથી રેસિડન્સીમાં મોડલ સુખપ્રીત કૌરના આત્મહત્યા કેસમાં પ્રેમી અનુરાગ ઉર્ફે અંજનીકુમાર શ્રવણ કુમાર જયસ્વાલની ધરપકડ કરવામાં આવી છે. આરોપી મધ્યપ્રદેશની કોલેજમાં બિફાર્મનો અભ્યાસ કરે છે. સુખપ્રીત કૌર સાથે સુરતમાં લિવ ઇનમાં રહેતા યુવક સાથે મળી સુખપ્રિત કૌર પર અત્યાચાર ગુજારતો હતો. મરતા પહેલા પણ કોન્ફરન્સ કોલમાં સુખપ્રિતની સાથે વાત થઈ હતી જેમાં પણ અનુરાગે અપશબ્દો કહેતા માઠું લાગી આવતા આપઘાત કરી લીધો હતો.
ઉલ્લેખનીય છે કે, લિવ ઇન પાર્ટનર મહેન્દ્ર રાજપૂતના અમાનુષી અત્યાચાર અને બ્લેકમેઈલિંગથી કંટાળી મોડલને આપઘાત કરવા મજબૂર બની હોવાનું 18 સપ્ટેમ્બર, 2025ના સામે આવ્યું હતું. સંબંધ તોડી નાખવા બદલ આરોપી મહેન્દ્રએ મોડલને ઘરમાં ગોંધી રાખી મારઝૂડ કરી હાથ પર બ્લેડના ઘા માર્યા અને પગના ભાગે ડામ પણ આપ્યા હતાં. સારોલી પોલીસે મહેન્દ્ર રાજપૂત સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો હતો. ત્યારે સારોલી પોલીસે ચાર મહિને આરોપીને ઝડપ્યો હતો.
મધ્યપ્રદેશના શિવપુરી ખાતે રહેતી 19 વર્ષીય મોડલ સુખપ્રીત કૌર એપ્રિલના એન્ડમાં સુરત આવી હતી. સુરતમાં સારોલી વિસ્તારમાં આવેલા કુંભારિયા ગામના સારથિ કોમ્પ્લેક્સના એક રૂમમાં પોતાની ત્રણ બહેનપણીઓ સાથે રહેતી હતી. સુરતમાં મોડલિંગ કામ અર્થે આવેલી સુખપ્રીત કૌરે ગત 2 મે, 2025ના રોજ ઘરમાં એકલી હતી, એ દરમિયાન પંખાના હૂક સાથે દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો. પોતાની બહેનપણીઓ જ્યારે રૂમ પર આવી ત્યારે સુખપ્રીતે દરવાજો નહીં ખોલતાં તેમણે પાડોશીઓને બોલાવી દરવાજો તોડ્યો હતો. દરમિયાન સુખપ્રીત લટકતી હાલતમાં જોવા મળી હતી.
મૃતકના પિતા લખવિંદરસિંહ બલવંતસિંહ (ઉ.વ. 58, રહે. શિવપુરી, મધ્યપ્રદેશ) અંતિમક્રિયા માટે સુખપ્રીત કૌરની ડેડબોડી અને ફ્લેટમાં રહેલો તેનો સામાન વતન મધ્યપ્રદેશ લઇ ગયા હતા. જ્યાં અંતિમક્રિયા સહિતની વિધિ આટોપ્યા બાદ તેણીનો સામાન ચેક કર્યો હતો. બેગમાંથી સુખપ્રીત કૌરે હિન્દીમાં લખેલી અરજી મળી આવી હતી. પોલીસ અધિક્ષક, ગુજરાતને સંબોધીને લખેલી અરજીમાં મહેન્દ્ર રાજપૂત (રહે. રેજન્ટ પ્લાઝા, ડિંડોલી) સામે ગંભીર આરોપ મૂક્યા હતા. જેમાં મહેન્દ્રએ મોડલને ઘરમાં ગોંધી રાખી મારઝૂડ કરવા ઉપરાંત હાથ પર બ્લેડના ઘા માર્યા અને પગના ભાગે ડામ પણ આપ્યા હતા. આ સાથે બ્લેકમેલિંગ કરવામાં આવતું હતું.
અરજી પિતાએ સારોલી પોલીસને સોંપી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે મહેન્દ્રના ત્રાસથી મૃતકે તેના વિરુદ્ધ અરજી લખી હતી. જોકે તે પોલીસ સુધી પહોંચી ન હતી. આમ, લિવ ઇનમાં રહેતા મહેન્દ્ર રાજપૂતના માનસિક-શારીરિક અત્યાચાર, બ્લેકમેઇલિંગથી કંટાળી મોડલે આપઘાત કર્યો હોવાનો ખુલાસો થયો હતો. સારોલી પોલીસે સુખપ્રીત કૌરના પિતાની ફરિયાદના આધારે મહેન્દ્ર રાજપૂત (રહે. રેજન્ટ પ્લાઝા, ડિંડોલી) સામે દુષ્પ્રેરણા ગુનો નોંધ્યો હતો. જેની 17 સપ્ટેમ્બર 2025ના રોજ ધરપકડ કરવામાં આવી હતી. આ સાથે જ અનુરાગ નામના એક વ્યક્તિ કે જે સુખપ્રીત કૌરનો પ્રેમી છે તેની પણ સંડોવણી હોવાનું પરિવારજનો દ્વારા શંકા વ્યક્ત કરવામાં આવી હતી.
સારોલી પોલીસ દ્વારા આરોપી મહેન્દ્ર અને પરિવારની પૂછપરછ કરવામાં આવી હતી. દરમિયાન સુખપ્રીત કૌરે મરતા પહેલા એક કોન્ફરન્સ કોલ માં વાત કરી હતી તેની માહિતી સામે આવી હતી. જેમાં મહેન્દ્ર રાજપુત અને અનુરાગ જયસ્વાલ બંને કોન્ફરન્સ કોલ માં સુખપ્રીત સાથે વાત કરી રહ્યા હતા. અનુરાગે ખૂબ જ ખરાબ અને અપશબ્દો કહી શકાય તેવી ભાષામાં સુખપ્રીત સાથે વાત કરી હતી. સુખ પ્રીત અને અનુરાગ વચ્ચે પ્રેમ સંબંધ ઘણા સમયથી હતો. જે હાલ મધ્યપ્રદેશની કોલેજમાં બી ફાર્મ નો અભ્યાસ કરી રહ્યો છે.
મોડેલિંગ કરતી સુખપ્રીત અલગ અલગ જગ્યાઓ પર મોડેલિંગ કરવા જતી હોવાથી મહેન્દ્ર રાજપુતના સંપર્કમાં આવી હતી. ત્યારબાદ સુરત આવતા તેની સાથે થોડો સમય લિવ ઇનમાં રહી હતી. જે અંગે અનુરાગ ને પણ જાણ થઈ ગઈ હતી જેથી તે તેની સાથે ઝઘડાઓ કરતો હતો. સુખપ્રીતે મહેન્દ્ર સાથે સંબંધ તોડી નાખવાની વાત કરતા તેણે તેના પર અમાનુષી અત્યાચાર ગુજારીયો હતો. એક તરફ પ્રેમી અનુરાગ અપ શબ્દો સહિત નાથી માનસિક ત્રાસ આપતો હતો અને બીજી તરફ લિવ ઈનમાં રહેતો મહેન્દ્ર પણ અત્યાચાર ગુજારતો હોવાથી કંટાળીને આપઘાત કરી લીધો હતો.
આ સમગ્ર વિગતો બહાર આવતા સારોલી પોલીસ મધ્યપ્રદેશ પહોંચી હતી અને અનુરાગ જયસ્વાલની ધરપકડ કરીને સુરત લઈ આવી છે. સુખપ્રીતના પરિવારજનો દ્વારા મહેન્દ્ર અને અનુરાગ બંને વિરુદ્ધ પહેલાથી જ આક્ષેપો કર્યા હતા. હાલ સારોલી પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *