
સુરત શહેર પોલીસ હવે ડિજિટલ યુગના ગુનેગારોને તેમની જ ભાષામાં જવાબ આપી રહી છે. સાયબર ક્રાઇમની માયાજાળમાં ફસાતા નિર્દોષ નાગરિકોને બચાવવા માટે દેશની પ્રથમ સાયબર અવેરનેસ માઇક્રો વેબ સિરીઝ ‘Myanmar File’નું ટ્રીઝર લોન્ચ કરવામાં આવ્યું છે. આ માત્ર મનોરંજન નથી, પણ સાયબર માફિયાઓ વિરુદ્ધનું એક સબળ શસ્ત્ર છે. આ આખા પ્રોજેક્ટમાં SITA (South Gujarat Information Technologists Association)એ મહત્વની ભૂમિકા ભજવી છે. 15 ફેબ્રુઆરીએ સંજીવ કુમાર ઓડિટોરિયમ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં ટ્રીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. જ્યાં આઈટી પ્રોફેશનલ્સ અને પોલીસ અધિકારીઓ એક મંચ પર આવ્યા હતા. સુરત પોલીસનું લક્ષ્ય છે કે, દરેક નાગરિક ‘સાયબર સ્માર્ટ’ બને. આ વેબ સિરીઝ અને ડ્રામા સોશિયલ મીડિયા પર પણ વાઇરલ કરવામાં આવશે, જેથી છેવાડાના માનવી સુધી આ મેસેજ પહોંચી શકે. વેબ સિરીઝ ‘મ્યાનમાર ફાઈલ’ મુખ્યત્વે ‘સાયબર સ્લેવરી’ના ગંભીર વિષય પર આધારિત છે. આ સિરીઝમાં દર્શાવવામાં આવ્યું છે કે કેવી રીતે એજન્ટો દ્વારા ઊંચા પગાર અને લક્ઝરી લાઈફની લાલચ આપી ભારતીય યુવાનોને મ્યાનમાર જેવા દેશોમાં લઈ જવામાં આવે છે. ત્યાં પહોંચ્યા પછી તેમના પાસપોર્ટ જપ્ત કરી લેવાય છે અને તેમને ગન પોઈન્ટ પર રાખીને ભારતીય નાગરિકો સાથે જ સાયબર ફ્રોડ કરવા મજબૂર કરવામાં આવે છે. આ વેબ સિરીઝ યુવાનો માટે લાલબત્તી સમાન છે.
લોન્ચિંગ દરમિયાન રજૂ કરાયેલા સાયબર અવેરનેસ ડ્રામામાં ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ અને APK ફાઈલ ફ્રોડની આધુનિક પદ્ધતિઓ સમજાવવામાં આવી હતી. વ્હોટ્સએપ કે ટેલિગ્રામ પર ‘ઘરે બેઠા કમાણી’ની લિંક મોકલીને કેવી રીતે લોકોના લાખો રૂપિયા લૂંટાય છે. અજાણી લિંક પરથી ફાઈલ ડાઉનલોડ કરતા જ તમારો ફોન હેક થઈ જાય છે અને બેંક એકાઉન્ટ ખાલી થઈ જાય છે. આ ડ્રામા દ્વારા નાગરિકોને સમજાવવામાં આવ્યું કે, લાલચ એ સાયબર ક્રાઇમનું પહેલું પગથિયું છે. આ કાર્યક્રમ માત્ર જાગૃતિ પૂરતો સીમિત નહોતો. સુરત પોલીસે પોતાની સફળતાનો પુરાવો આપતા ‘તેરા તુજકો અર્પણ’ અભિયાન હેઠળ સાયબર ફ્રોડનો ભોગ બનેલા ફરિયાદીઓને તેમના ગુમાવેલા નાણાં પરત કર્યા હતા. પોલીસ કમિશનરના હસ્તે કુલ 23,14,542 રૂપિયાના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું. પોલીસની આ કામગીરીએ સાબિત કર્યું છે કે જો સમયસર સાયબર હેલ્પલાઈન 1930 પર જાણ કરવામાં આવે, તો નાણાં પરત મેળવવાની શક્યતા વધી જાય છે. પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત જણાવ્યું કે, સાયબર ગુનેગારો સતત નવી રીતો શોધી રહ્યા છે, તેથી આપણે અપડેટેડ રહેવું જરૂરી છે. કોઈપણ અજાણી વ્યક્તિને OTP આપવો નહીં, શંકાસ્પદ લિંક પર ક્લિક કરવું નહીં અને ખાસ કરીને વિદેશમાં નોકરી માટે જતા પહેલા એજન્ટની પૂરેપૂરી તપાસ કરવી. સુરત સાયબર ક્રાઇમ સેલ 24/7 નાગરિકોની મદદ માટે તૈયાર છે.