
રાજકોટમાં શહેરમાં નબીરાએ નશો કરેલી હાલતમાં બેફામ સ્પીડે થાર ચલાવી એક્ટિવા સવાર દંપતીને અડફેટે લીધું હતું.અકસ્માત સર્જયા બાદ ત્યાં ઉભા રહેવાના બદલે રિવર્સમાં પોતાની કાર લઈને નાસી છૂટ્યો હતો. આ સમયે અન્ય લોકોએ તેને રોકવાનો પ્રયાસ કરતા એકને ફંગોળ્યો હતો. અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. પોલીસે 27 વર્ષીય યુવક મિલન માલાને ઝડપી પાડ્યો છે. રાજકોટ શહેરના 150 ફૂટ રિંગ રોડ પર શનિવારે 7.35 વાગ્યા આસપાસ ઉમિયા ચોક નજીક એક કાળા કલરની મહિન્દ્રા થાર ગાડી પુરપાટ ઝડપે આવી રહી હતી. જેને અચાનક જ ડાબી તરફ વળાંક લેતા સામેથી એક્ટિવામાં સવાર દંપતીને અડફેટે લીધું હતું. જો કે સદનસીબે કોઈ જાનહાની થઇ ન હતી. પરંતુ તેઓને સામાન્ય ઇજા પહોંચી હતી. દરમિયાન કાર ચાલક અકસ્માત સર્જી તરત કાર 150 ફૂટ રિંગ રોડ તરફ જ આગળ ચલાવી નાસી છૂટ્યો હતો. જેને રોકવા જતા આગળ એક યુવાનને પણ આ કારના ચાલકે હડફેટે લેતા યુવક પણ રસ્તા પર ફંગોળાયો હતો. જેને પણ ઇજા પહોંચી હતી આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ જવા પામી હતી અને અકસ્માત સમયે ગાડીમાંથી નંબર પ્લેટ નીચે પડી ગઈ હતી.
અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ વાયરલ થતા અને અકસ્માત સ્થળ પરથી મળી આવેલ જીજે.03.એનબી.4275 નંબર પ્લેટ પરથી માલવિયાનગર પોલીસે તપાસ શરૂ કરી હતી. દરમિયાન અકસ્માત સર્જી નાસી છૂટનાર શખસ મિલન ઉર્ફે ગૂડિયો મોહનભાઇ માલા (ઉ.વ.27) હોવાનું સામે આવ્યું હતું જેને નશાની હાલતમાં ગાડી ચલાવ અકસ્માત સર્જ્યો હોવાથી પોલીસે એમવી એક્ટની કલમ 185 તેમજ પ્રોહીબીશનની કલમ 66(1) મુજબ ગુનો નોંધી આરોપી વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અમદાવાદમાં વધતા અકસ્માત વચ્ચે વધુ એક અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. વટવા જીઆઇડીસી રોડ પર પૂરઝડપે ગાડી લઈને આવી રહેલા યુવકે કાબૂ ગુમાવતાં ગાડી ઝાડ સાથે અથડાઈ હતી. ગાડીની ટક્કર એટલી જોરદાર હતી કે કારચાલક યુવકનું સ્થળ પર જ મોત થયું હતું. આકાશ ગોસ્વામી નામનો યુવક સાસરીમાં પત્નીને લેવા જઈ રહ્યો હતો, આ દરમિયાન અકસ્માત થયો હતો.