
“રામ રાખે તેને કોણ છે ચાખે” આ કહેવત સાર્થક કરતો કિસ્સો સુરતમાં પ્રકાશમાં આવ્યો છે. સુરતના દાંડી-નરથાણ રોડ પર મોડીરાત્રે અમરોલી ખાતે પરિવારના સભ્યોને મળીને કારમાં ઓલપાડના નરથાણ ગામ આવતી વખતે દાંડી રોડ પર કુકણી ગામ પાસે બેલેન્સ ગુમાવતાં કાર પલટી ખાઈ કાચી નેહરમાં ખાબકી હતી. દંપતી અને તેમના બે માસૂમ પુત્રને ગામના લોકોએ બહાર કાઢ્યા હતા. જોકે, રાઠોડ પરિવારના ચારેય સભ્યોમાં ચમત્કારિક બચાવ થતા હાસકારો અનુભવ્યો હતો. મળતી માહિતી પ્રમાણે, ઓલપાડના નરથાણગામમાં માલબારી હોમ્સમાં રહેતા 36 વર્ષીય મનીષ રાઠોડ તેમની પત્ની ખુશ્બુ (ઉં.વ.34) તેમનો 8 વર્ષીય પુત્ર વ્યોમ અને દોઢ વર્ષનો પુત્ર વ્યાન સાથે મોડી રાત્રે અમરોલી ખાતે રહેતા પરિવારના સભ્યોને મળીને કારમાં પરત ઘરે આવવા નીકળ્યા હતા. દરમિયાન દાંડી નરથાણ રોડ પર કુકણી ગામ પાસે અંભેટા રોડ પર અચાનક સ્ટીયરિંગ પરનું બેલેન્સ ગુમાવતા કાર પલટી ખાઈને કાચી નેહરમાં ખાબકતા અકસ્માત સર્જાયો હતો. જોકે નેહરના ઓછા પાણીમાં કાર હોવાથી મનીષે હિંમત દાખવીને ફાયર બ્રિગેડ અને પોલીસને જાણ કરી હતી. આ અંગે કુકણીગામ પાસે મંદિરમાં શિવલિંગ બનાવી રહેલા કેટલાક વ્યક્તિઓને જાણ થતા તરત ત્યાં દોડી ગયા હતા. 20 મિનિટ બાદ કારનો દરવાજો ખોલી, ત્યાંના લોકોએ સહી સલામત પરિવારના ચારેય સભ્યને વારા ફરતી બહાર કાઢ્યા હતા. સદનસીબે દંપતી અને તેમના બંને માસૂમ પુત્ર જરા પણ ઈજા ન થતા ચમત્કારિક બચાવ થયો હતો. જોકે, ફાયરબ્રિગેડના જવાનો ત્યાં પહોંચે તે પહેલાં તેઓને સ્થાનિકો દ્રારા નહેરમાં ખાબકેલી કારમાથી બહાર કાઢી લેવામાં આવ્યા હતા.