ગાંધીનગરમાં વ્યાજખોરોનો આતંક: 1.61 કરોડ સામે 1.80 કરોડ ચૂકવ્યા છતાં મારી નાખવાની ધમકી

Spread the love

 

ગાંધીનગરના રાંધેજાના એટોમોબાઇલના વેપારીએ ધંધાકીય જરૂરિયાત માટે અલગ અલગ વ્યક્તિઓ પાસેથી 2 ટકાથી લઈ અઠવાડિયે 10 ટકા જેવા ઉંચા વ્યાજે લીધેલા નાણાંની અવેજીમાં મુદલ કરતાં પણ અનેકગણું વ્યાજ ચૂકવ્યા પછી પણ સિક્યુરિટી પેટે આપેલા ચેક પરત ન આપી જાનથી મારી નાખવાની ધમકીઓ આપનાર સાત વ્યાજખોરો વિરુદ્ધ પેથાપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદ મુજબ ધ્રુવ દેસાઈ નામના યુવાને કોલવડા ગામના કરણસિંહ વાઘેલાને રૂ. 1.61 કરોડ સામે કુલ રૂ. 1.80 કરોડ ચૂકવી દીધા છતાં તે પઠાણી ઉઘરાણી કરી રહ્યો છે. ગાંધીનગરના રાંધેજામાં રહેતા અને મેટ્રો ઓટોમોબાઈલ નામનું ગેરેજ ધરાવતા ધ્રુવકુમાર રમેશભાઈ દેસાઈએ આર્થિક સંકડામણને કારણે છેલ્લા ચાર વર્ષ દરમિયાન અલગ-અલગ વ્યક્તિઓ પાસેથી 2 ટકાથી લઈ અઠવાડિયે 10 ટકા જેવા ઉંચા વ્યાજે નાણાં લીધા હતા. ફરિયાદીના જણાવ્યા અનુસાર, તેણે ઇન્દ્રોડા ગામના અશોકજી ઠાકોરને 1 લાખની સામે મુદલ અને વ્યાજ ચૂકવી દીધા હોવા છતાં ચેક પરત ન આપી ધમકી આપવામાં આવી રહી છે. જ્યારે સેકટર 26માં રહેતા તેજાભાઇ દેસાઈ પાસેથી 17.20 લાખ ટુકડે-ટુકડે લીધા હતા, જેને જમીન વેચીને પણ નાણાં પરત કર્યા છતાં તે હજુ પણ વ્યાજની ઉઘરાણી કરે છે. તો રાંધેજાના ​મીનત પટેલ પાસેથી રૂ.24 લાખ લીધા હતા, જેનું દૈનિક 4 ટકા લેખે રૂ. 96 હજાર વ્યાજ ચૂકવતા હતા. આ રુપિયા પણ ચૂકવ્યા છતાં તે ચેક પરત આપતો નથી. જ્યારે રાંધેજાના હાર્દીક પટેલના પાસેથી રૂ. 10 લાખ લીધા હતા. જેને 10 ટકા લેખે વ્યાજ ચૂકવ્યું હોવા છતાં હાર્દિક ઘર ખાલી કરાવી દેવાની ધમકી આપે છે.એજ રીતે સેકટર 26નો તેજપાલસિંહ વાઘેલા પણ મુદલ પરત આપી દીધી હોવા છતાં જૂના ચેક પરત ન આપી વ્યાજની માંગણી કરી રહ્યો છે. અને સેકટર 26ના ​સુરેન્દ્રસિંહ ગજેરાને રૂ. 2 લાખનું ત્રણ વર્ષ સુધી વ્યાજ ચૂકવ્યા બાદ પણ તે માનસિક ત્રાસ આપી રહ્યો છે. આમ વ્યાજખોરો દ્વારા સિક્યુરિટી પેટે રાખેલા બેંકના કોરા ચેક પરત આપવામાં આવતા નથી અને ચેક પરત માંગવા જતાં વેપારીને તેમજ તેના પરિવારને ઘર ખાલી કરાવી જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવી રહી હોવાની ફરિયાદના આધારે પેથાપુર પોલીસે ઉક્ત સાતેય વ્યાજખોરો વિરુદ્ધ ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *