
ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં પર્યાવરણને ગંભીર નુકસાન પહોંચાડતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. લિહોડા ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલા ગામના તળાવમાં નજીકના એક કોલ્ડ સ્ટોરેજ દ્વારા છોડવામાં આવેલા પ્રદૂષિત અને ઝેરી પાણીને કારણે હજારો માછલીઓ મોતને ભેટતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ ઘટનાને પગલે સ્થાનિક રહીશોમાં ભારે રોષ વ્યાપી ગયો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, લિહોડા ગામના તળાવમાં છેલ્લા કેટલાય સમયથી નજીકના કોલ્ડ સ્ટોરેજનું ગંદુ પાણી છોડવામાં આવતું હોવાની બુમરાણ ઉઠી હતી. ત્યારે આ ઝેરી પાણીના કારણે તળાવમાં રહેલી હજારો માછલીઓ શ્વાસ રુંધાવાને કારણે મરી ગઈ છે. મરેલી માછલીઓ તળાવની સપાટી પર તરતી જોવા મળતા ગ્રામજનો સ્તબ્ધ થઈ ગયા હતા. તળાવમાં માછલીઓના સામુહિક મોતને કારણે વિસ્તારમાં અસહ્ય દુર્ગંધ ફેલાઈ છે. જેને પગલે સ્થાનિકોમાં રોગચાળો ફાટી નીકળવાની દહેશત સેવાઈ રહી છે.
આ ઘટનાની જાણ થતા જ લિહોડા ગ્રામ પંચાયતના તલાટી પ્રતીક્ષાબેન રાઠોડ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતાં. તેમણે ગ્રામજનોની હાજરીમાં આખી ઘટનાનું નિરીક્ષણ કરી વિગતવાર પંચનામું કર્યું હતું. આ મામલાની ગંભીરતાને જોતા તેમણે તાલુકા વિકાસ અધિકારીને પણ લેખિત રિપોર્ટ સુપરત કર્યો છે અને જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી છે. આ કોલ્ડ સ્ટોરેજના આ ગંદા પાણીએ માત્ર જળચર જીવો જ નહીં પણ ખેડૂતોની મહેનત પર પણ પાણી ફેરવી દીધું છે. સ્થાનિક ખેડૂતોના જણાવ્યા અનુસાર, આ પ્રદૂષિત પાણી આશરે સાત જેટલા ખેડૂતોના ખેતરોમાં ફરી વળ્યું છે. ખેતરોમાં ઝેરી પાણી ભરાઈ જવાના કારણે તૈયાર થયેલો પાક બળી ગયો છે, જેનાથી ખેડૂતોને આર્થિક ફટકો પડ્યો છે. બીજી તરફ લિહોડાની નજીક આવેલા લાખાના મુવાડા ગ્રામ પંચાયતના સરપંચના જણાવ્યા મુજબ, તેમના વિસ્તારના અસરગ્રસ્ત ખેડૂતોને કોલ્ડ સ્ટોરેજ સંચાલકો દ્વારા નુકસાનીનું વળતર ચૂકવી દેવામાં આવ્યું છે. જોકે લિહોડાના ગ્રામજનોમાં હજુ પણ ભારે રોષ વ્યાપેલો છે.