ગુજરાત વિધાનસભામાં દુકાન અને સંસ્થા સુધારા બિલ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું છે, જે મુજબ હવે દૈનિક કામના કલાકોની મર્યાદા 9 કલાકથી વધારીને 10 કલાક કરવામાં આવી છે. મહિલાઓને નાઇટ શિફ્ટ કરવાની છૂટ આપી અને 20થી વધુ કર્મચારી કામ કરતા હોય એ સંસ્થા પર નિયમ લાગુ પડશે.
આ બિલની ચર્ચા દરમિયાન ગૃહમાં ભારે હંગામો જોવા મળ્યો હતો. આમ આદમી પાર્ટીના ધારાસભ્યો ગૃહની કાર્યવાહીનું લાઈવ પ્રસારણ કરવાની માગ સાથે પોસ્ટરો પ્રદર્શિત કરીને વિરોધ નોંધાવ્યો હતો.
વિધાનસભામાં શ્રમ અને રોજગાર મંત્રી કુંવરજીભાઈ બાવળીયા દ્વારા રાજ્યપત્રમાં અગાઉ પ્રસિદ્ધ થયેલા ગુજરાત દુકાન અને સંસ્થા (રોજગાર નિયમન અને સેવાની શરતો)અધિનિયમનું સુધારા બિલ આજે રજૂ કરવામાં આવ્યું હતું. જેને ગૃહના સભ્યો દ્વારા સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું હતું.

દુકાન અને સંસ્થા સુધારા બિલ સર્વાનુમતે પસાર મંત્રી કુંવરજી બાવળીયાએ જણાવ્યું હતું કે, રાજય સરકાર દ્વારા ગુજરાત દુકાન અને સંસ્થા (રોજગાર નિયમન અને સેવાની શરતો) અધિનિયમ, 2019માં કામદારોની કામની સ્થિતિમાં સુધારો કરવા, સ્ત્રીઓ માટે નોકરીની વધુ તકો ઊભી કરવા, ધંધો કરવા માટે સાનુકૂળ વાતાવરણ પૂરું પાડવા, વર્ષમાં 365 દિવસ સંસ્થા ચલાવવાની અને સંસ્થા ખોલવાના અને બંધ કરવાના સમયની સ્વતંત્રતાનો, સ્ત્રીઓને પૂરતી સુરક્ષા અને સલામતીની જોગવાઇઓ સાથે રાતપાળી દરમિયાન કામ કરવાની પરવાનગી, ઓનલાઇન રજિસ્ટ્રેશન જેવી વિવિધ જોગવાઇ કરવામાં આવી છે.
મંત્રી બાવળીયાએ કહ્યું હતું કે, આજના આધુનિક સમયની માંગ મુજબ અને ઇઝ ઑફ ડુઇંગ બિઝનેસ અંતર્ગત તેમજ રાજ્યની બદલાતી જતી સામાજિક અને આર્થિક પરિસ્થિતિઓને અનુરૂપ શ્રમયોગીઓ, વેપારીઓ, માલિકો તથા પ્રજાજનો એમ તમામના હિતોનો તટસ્થ રીતે વિચાર કરીને ગુજરાત દુકાન અને સંસ્થા અધિનિયમ, 2019માં સુધારો કરવા અંગેનું વિધેયક લાવવામાં આવ્યું છે.