મહેસાણા જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં ગરમાવો

Spread the love

 

આગામી 27 ફેબ્રુઆરીના રોજ યોજાનારી મહેસાણા જિલ્લા પંચાયતની સામાન્ય સભા પૂર્વે જ વહીવટી ગતિવિધિઓ તેજ બની છે. સવાલા સીટના જિલ્લા પંચાયત સદસ્ય રાજીબેન હસમુખભાઈ ચૌધરીએ વિવિધ પડતર પ્રશ્નો અને જમીન તબદિલીના મુદ્દે જિલ્લા પંચાયત પ્રમુખ અને જિલ્લા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરી વિગતવાર જવાબ માંગ્યા છે. સદસ્યની મુખ્ય રજૂઆત ખેરાલુમાં લાયબ્રેરી બનાવવા, આરોગ્ય વિભાગ હસ્તકની જગ્યાનો હેતુફેર કરી ટાઉનહોલ બનાવવા અને આશરે 18,724 ચોરસ મીટર જમીનમાં ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમનું ગોડાઉન બનાવવાના પ્રસ્તાવ અંગે છે. તેમણે સ્પષ્ટ અભિપ્રાય આપ્યો છે કે, જિલ્લા પંચાયત હસ્તકની કોઈપણ મિલકતની તબદિલી, હેતુફેર કે વેચાણ કરતા પૂર્વે ડિસ્ટ્રિક્ટ લેન્ડ કમિટી દ્વારા નક્કી કરાયેલ જંત્રી મુજબની પૂરેપૂરી રકમ જિલ્લા પંચાયતને મળવી જોઈએ. આ આર્થિક પાસાઓની ચર્ચા કર્યા બાદ જ યોગ્ય નિર્ણય લેવા તેમણે જણાવ્યું છે. જમીનના પ્રશ્નો ઉપરાંત મહેસાણા જિલ્લા પંચાયતના નવીન બિલ્ડિંગના નિર્માણમાં થઈ રહેલા વિલંબ અંગે પણ સવાલો ઉઠાવવામાં આવ્યા છે. સદસ્યના જણાવ્યા મુજબ, બિલ્ડિંગના પ્લાન અને નકશા મહાનગરપાલિકામાં મંજૂરી અર્થે મોકલાયા છે. પરંતુ જગ્યામાં સરકારી નેળિયું દર્શાવેલ હોવાથી ટેકનિકલ કારણોસર મંજૂરી અટકી પડી છે. ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઈ હોવા છતાં અને એજન્સીની નિમણૂક થઈ ગઈ હોવા છતાં કામ કેમ શરૂ નથી, થયું તે બાબતે માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓની જવાબદારી નક્કી કરવા માંગ કરી છે. આ તમામ મુદ્દે આગામી સામાન્ય સભામાં જિલ્લા પંચાયત પ્રમુખ તૃષાબેન પટેલ અને ડીડીઓ ડૉ. હસરત જસ્મીન પાસે વિગતવાર અને લેખિત માહિતી આપવા રજૂઆત કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *