
મહેસાણા શહેરના પટાવાળાની ચાલી વિસ્તારમાં રહેતા 19 વર્ષીય યુવક પર લગ્નમાં રાખેલી દાજની અદાવત રાખી બે શખ્સોએ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. ઇજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે મહેસાણા સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો છે. મળતી વિગત અનુસાર, મહેસાણામાં પટાવાળાની ચાલી વિસ્તારમાં રહેતા અને ખાનગી નોકરી કરતા મેહુલ જગદીશભાઈ પરમાર ગત રાત્રિના સાડા નવેક વાગ્યાના સુમારે પોતાની નોકરી પૂરી કરી ઘરે જઈ રહ્યા હતા.આ દરમિયાન કર્વે સ્કૂલ પાસે તે જ વિસ્તારમાં રહેતા રાહુલ ગણેશભાઈ પરમાર અને કમલેશ બાબુભાઈ વણકર નામના બે શખ્સોએ તેમને રોક્યા હતા.
આ બંને શખ્સોએ અગાઉના એક લગ્ન પ્રસંગમાં રાખેલી કોઈ દાજ બાબતે બોલાચાલી શરૂ કરી હતી અને ગાળાગાળી કરવા લાગ્યા હતા. મેહુલકુમારે ગાળો બોલવાની ના પાડતા બંને શખ્સો ઉશ્કેરાઈ ગયા હતા અને ગડદાપાટુનો માર મારવા લાગ્યા હતા. હુમલા દરમિયાન રાહુલ પરમારે બાજુમાં પડેલ લાકડાનો ધોકો ઉપાડી મેહુલકુમારને શરીરે ફટકાર્યો હતો. યુવકે બૂમાબૂમ કરતા આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા જેને જોતા હુમલાખોરો ત્યાંથી ભાગી છૂટ્યા હતાં. ઇજાગ્રસ્ત યુવકને તેના પરિવારજનો તાત્કાલિક રીક્ષામાં મહેસાણા સિવિલ હોસ્પિટલ ખાતે લઈ આવ્યા હતાં. જયાં તેને એમ.એસ.ડબલ્યુ વોર્ડમાં દાખલ કરી સારવાર આપવામાં આવી રહી છે. ભોગ બનનાર યુવકની ફરિયાદના આધારે પોલીસે રાહુલ પરમાર અને કમલેશ વણકર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.