ગુજરાત સરકારે ગુજરાતીઓની માથાદીઠ આવક કરતાં અઢી ગણું દેવું કર્યું, 2026-27માં દેવું રૂ. 4.87 લાખ કરોડ થશે

Spread the love

 

ગુજરાત સરકારનું દેવું 1999-2000માં માત્ર રૂ. 18,510 કરોડ હતું. તે ચાલુ વર્ષે રૂ. 4.56 લાખ કરોડ થવાનો બજેટ અંદાજ હતો અને હવે સુધારેલો અંદાજ રૂ. 4.30 લાખ કરોડનો સરકારે મૂક્યો છે. સાતેક ટકાના વ્યાજના દરે દસ વર્ષે દેવું બમણું થાય એમ ગણીએ તો 1999-2000નું દેવું અત્યારે આશરે વધુમાં વધુ રૂ. 1.25 લાખ કરોડ થાય. પણ એ હકીકતમાં ચાર લાખ કરોડ રૂપિયા ઉપર પહોંચી ગયું છે.

આવતે વર્ષે એટલે કે 2026-27માં તે રૂ. 4.87 લાખ કરોડ થશે, તેના પછીના વર્ષે તે રૂ. 5.12 લાખ કરોડ થશે; અને તેના પછીના વર્ષે એટલે કે 2028-29માં તે રૂ. 5.67 લાખ કરોડ થશે એવો અંદાજ મૂકવામાં આવ્યો છે. ગુજરાત રાજકોષીય જવાબદારી ધારો-2005 મુજબ જે નિવેદન બજેટની સાથે જ અંદાજપત્ર પ્રકાશન નં. 30 તરીકે બહાર પાડવામાં આવ્યું છે તેમાં આ વિગત આપવામાં આવી છે. આમ, આગામી ત્રણ જ વર્ષમાં સરકારનું દેવું રૂ. 80,000 કરોડ જેટલું વધવાનું છે.

2021-22માં રાજ્ય સરકારનું દેવું રૂ. 3.08 લાખ કરોડ હતું. હવે તે ચાલુ વર્ષે રૂ 4.56 લાખ કરોડ થાય તો એનો અર્થ એ થાય કે તેમાં ત્રણ જ વર્ષમાં આશરે 30 ટકાનો વધારો થયો. એટલે કે વાર્ષિક સરેરાશ દસ ટકાનો વધારો થયો. આ વધારો ઘણો વધારે કહેવાય એમાં કોઈ શંકા નથી. હજુ પણ સરકારના દેવામાં વધારો થવાનો જ છે એવો જે અંદાજ મૂકવામાં આવ્યો છે તે પણ ચિંતાપ્રેરક છે.

હિંદુ સંસ્કૃતિમાં એક ચાર્વાક દર્શન છે. એ નાસ્તિક દર્શન છે. એ ઈશ્વરના અસ્તિત્વમાં માનતું નથી અને તે એમ કહે છે કે જે છે તે અહીં જ છે, મનુષ્યનો જન્મ અને મનુષ્ય જ મહત્ત્વનો છે. મનુષ્યના જન્મ પહેલાં કશું હતું અને મનુષ્યના જન્મ પછી કશુંક સ્વર્ગ કે નર્ક જેવું છે એવી માન્યતામાં ચાર્વાક દર્શનને કોઈ રસ નથી. એટલે તે એમ કહે છે કે ‘દેવું કરીને પણ ઘી પીઓ’. ટૂંકમાં, જલસાથી જીવો. ચાર્વાક દર્શનની આ ઉક્તિ બહુ જાણીતી છે અને ગુજરાત સરકારના બધા પ્રધાનો ભલે ઈશ્વરમાં માનનારા હોય; પણ તેઓ આ ઉક્તિને વરેલા છે, તેના પ્રત્યે પ્રતિબદ્ધ પણ લાગે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *