‘વેશ્યાવૃત્તિ એ સામાજીક સેવા..,’ ગુજરાતી અભિનેત્રીનું ચોંકાવનારૂ નિવેદન; વિરોધનો વંટોળ ઉઠ્યો

Spread the love

 

રાજકોટ: ‘વેશ્યાવૃત્તિ એક પ્રકારની સામાજિક સેવા છે, વેશ્યાવૃત્તિ સાથે સંકળાયેલી મહિલાઓ એક પ્રકારે સમાજની મદદ જ કરે છે.’ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી મોના થીબાએ રાજકોટમાં પોતાની આગામી ફિલ્મ ‘શક્તિ’ના પ્રમોશન દરમિયાન આપેલા વેશ્યાવૃત્તિ અંગે આ વિવાદાસ્પદ નિવેદનને પગલે રાજ્યભરમાં ચર્ચાઓ અને વિરોધનો વંટોળ શરૂ થયો છે.

અભિનેત્રીએ વેશ્યાવૃત્તિને ‘સામાજિક સેવા’ ગણાવતા સમાજના વિવિધ વર્ગોમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે.

વિગતે વાત કરીએ તો, આગામી સમયમાં ગુજરાતી ફિલ્મ ‘શક્તિ’ રિલીઝ થવા જઈ રહી છે. જેની સ્ટારકાસ્ટ સહિતની આખી ટીમ હાલ પ્રમોશનમાં વિવિધ શહેરોમાં પહોંચી છે, આવી જ રીતે ફિલ્મની અભિનેત્રી મોના થીબા હાલ રાજકોટમાં ફિલ્મ પ્રમોશન માટે પહોંચી હતી. જ્યાં મીડિયા સાથેની વાતચીતમાં મોના થીબાએ જણાવ્યું હતું કે, “વેશ્યાવૃત્તિ એક પ્રકારની સામાજિક સેવા છે, આ વ્યવસાય સાથે સંકળાયેલી મહિલાઓ અડકતરી રીતે સમાજની મદદ જ કરી રહી છે.” અભિનેત્રીના મતે જો વેશ્યાવૃત્તિ ન હોય, તો સમાજમાં બળાત્કાર જેવી ગંભીર ઘટનાઓમાં મોટો વધારો થઈ શકે છે.

અભિનેત્રીના આ નિવેદને સોશિયલ મીડિયા પર પણ ભારે ચર્ચા જગાવી છે. આ વચ્ચે વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાએ વિરોધ નોંધાવી નિવેદન આપ્યું છે. જયંત પંડ્યાએ અભિનેત્રીના આ નિવેદનને ‘મૂર્ખામીભર્યું’ ગણાવતા કહ્યું હતું કે, વેશ્યાવૃત્તિને સમાજસેવા સાથે સરખાવવી એ તદ્દન ખોટું છે. સભ્ય સમાજમાં આવા અનૈતિક વ્યવસાયોને વેગ મળે તે જરાય ઈચ્છનીય નથી. આવી બાબતોને પ્રોત્સાહન આપવું એ સામાજિક મૂલ્યોના પતન સમાન છે.

નોંધનીય છે કે, માત્ર વિજ્ઞાન જાથા જ નહીં, પરંતુ સામાજિક અગ્રણીઓએ પણ મોના થીબાના તર્કને વખોડી કાઢ્યો છે. લેઉવા પાટીદાર અગ્રણી પરસોતમ પીપળીયાએ આ નિવેદનને અત્યંત નિંદનીય ગણાવ્યું છે. તેમણે જણાવ્યું કે, અભિનેત્રીએ સમગ્ર સમાજને ઉદ્દેશીને આવું ગંભીર નિવેદન આપતા પહેલા વિચારવું જોઈએ. સામાજિક અગ્રણીઓએ એવી આશા વ્યક્ત કરી છે કે અભિનેત્રી આ બાબતે પોતાની સ્પષ્ટતા કરે અથવા માફી માંગે.

ઉલ્લેખનીય છે કે, આગામી 27 ફેબ્રુઆરીએ રિલીઝ થનારી ગુજરાતી ફિલ્મ ‘શક્તિ’ના પ્રમોશન માટે મોના થીબા હાલ વ્યસ્ત છે. જોકે, ફિલ્મના કન્ટેન્ટ અને નિવેદન વચ્ચે કોઈ કડી છે કે કેમ તે તો ફિલ્મ જોયા બાદ જ ખબર પડશે. પરંતુ હાલ તો અભિનેત્રી મોના થીબાના નિવેદનથી વિરોધનો વંટોળ ઉઠ્યો છે. ત્યારે આ નિવેદન અભિનેત્રી માટે મુશ્કેલીઓ ઊભી કરી રહ્યું હોય તેવું જણાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *