જો તમે પણ થાઇરોઇડની દવા લો છો, તો આ સમાચાર તમારા માટે કામના છે. થાઇરોઇડની દવામાં ઉપયોગમાં લેવામાં આવતું કેમિકલ કાર્બિમાઝોલ (Carbimazole)માં અમુક નવા સાઇડ ઇફેક્ટ્સ મળ્યા છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ખતરનાક સાબિત થઇ શકે છે. આ દવા ખાવાથી શરીરમાં વ્હાઇટ બ્લડ સેલ્સની સંખ્યા ખૂબ જ ઘટી શકે છે, જેનાથી ગંભીર ઇન્ફેક્શન થવાનો ખતરો વધી જાય છે.
વ્હાઇટ સેલ્સ ઘટવાથી શરીર વાયરસ, ફંગસ કે બેક્ટેરિયા સામે લડવાની શક્તિ ગુમાવી દે છે અને ઘણી વખત તે જાનલેવા પણ સાબિત થઇ શકે છે.
એટલું જ નહીં, મોટાભાગે ઉપયોગમાં લેવાતી એન્ટિબાયોટિક ડોક્સીસાયક્લાઇન અંગે ચેતવણી પણ જારી કરવામાં આવી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે આ દવા લેવાથી માનસિક બીમારીનું જોખમ વધી શકે છે. પરિણામે, સેન્ટ્રલ ડ્રગ્સ એન્ડ ડ્રગ્સ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (CDSCO) અને ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા (DCGI) એ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને નિર્દેશ આપ્યો છે કે, ફાર્માસ્યુટિકલ કંપનીઓને આ દવાઓની પ્રિસ્ક્રિપ્શન માહિતી અને પેકેજિંગ પર આ પ્રતિકૂળ અસરોનો કડક સલામતી ચેતવણી તરીકે સમાવેશ કરવા માટે કહેવામાં આવે.
આ નિર્ણય દવા સંબંધિત સાઇડ ઇફેક્ટ્સની રાષ્ટ્રીય સમીક્ષા બાદ લેવામાં આવ્યો હતો. ચાલો વિગતવાર આ અંગે જાણીએ.
-કઇ કઇ દવાઓમાં મળ્યા ખતરનાક સાઇડ ઇફેક્ટ્સ?
થાઇરોઇડ અને ખાસ કરીને હાઇપરથાઇરોઇડિઝ્મનો ઇલાજ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવતી દવા કાર્બિમાઝોલ (સાલ્ટ) અને ઇન્ફેક્શનની દવા ડોક્સીસાઇક્લિનમાં ખતરનાક સાઇડ ઇફેક્ટ્સ જોવા મળ્યા છે.
-કાર્બિમાઝોલમાં ક્યા ક્યા સાઇડ ઇફેક્ટ્સ મળ્યા?
તેના લીધે એક ગંભીર અને દુર્લભ બીમારી એગ્રેનુલોસાઇટોસિસ (Agranulocytosis) થવાની સંભાવના જોવા મળી છે. આ બીમારીમાં શરીરમાં વ્હાઇટ બ્લડ સેલ્સ ઘટી જાય છે, જેનાથી ગંભીર ઇન્ફેક્શન થવાનો ખતરો વધી જાય છે.
-કેવા હોય છે શરૂઆતી લક્ષણો?
કાર્બિમાઝોલના સાઇડ ઇફેક્ટ્સમાં તીવ્ર તાવ, ગળામાં દુખાવો, વારંવાર કે કોઇ પણ કારણ વગર ઇન્ફેક્શનના લક્ષણો દેખાય છે.
-માર્કેટમાં ક્યા નામોથી મળે છે કાર્બિમાઝોલ?
થાઇરોઇડની આ દવા માર્કેટમાં સામાન્ય રીતે નિયો-મેર્કાઝોલ, થાઇરોકેબ, એન્ટી થાઇરોક્સ, કાર્બિઝોલ ટેબલેટ, કાર્બિન, કાર્બિડોઝના નામથી મળે છે.
-ડોક્સીસાઇક્લિન શા માટે આપવામાં આવે છે?
આ દવા ઘણીવાર શ્વસન ચેપ, ખીલ, જાતીય રોગો, પેશાબનું ઇન્ફેક્શન અને અન્ય ઘણી સ્થિતિઓ માટે સૂચવવામાં આવે છે. માનસિક સ્વાસ્થ્ય સંબંધિત કેટલાક સાઇડ ઇફેક્ટ્સ હવે પેકેજિંગ પર સ્પષ્ટ રીતે લખવામાં આવશે.
-તેના નવા સાઇડઇફેક્ટ્સ શું છે?
પહેલાં, આ દવામાં પેટમાં દુખાવો અને તડકાથી એલર્જી જેવી આડઅસરો હતી, પરંતુ હવે માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓના લક્ષણો પણ નોંધાઈ રહ્યા છે. આ દવા લેવાથી બેચેની, ચિંતા, ચીડિયાપણું, તણાવ અને ચક્કર આવી શકે છે.
-તે કઇ બ્રાન્ડના નામથી ઉપલબ્ધ છે?
ઇન્ફેક્શનની આ દવા બજારમાં વિવિધ નામોથી ઉપલબ્ધ છે: ડોક્સીસાયક્લિન, વેલડોક્સી, ડોક્સ100, ડોક્સીમાઇસીન, ડાયક્લિન, પેડોક્સી, ડોક્સીસીના, ડોક્સીલેબ વગેરે નામથી મળે છે.
હવે આપવામાં આવશે ચેતાવણી
આપને જણાવી દઇએ કે, આ બંને દવાઓ દેશભરમાં થાઇરોઇડ અને ઇન્ફેક્શન માટે ઉપયોગમાં લેવામાં આવે છે. મોટાભાગે ડોક્ટર દર્દીઓને આ દવા પ્રિસ્ક્રાઇબ કરે છે. આ બંને દવાઓની પહેલાથી જ કેટલીક આડઅસરો છે, અને તે લેબલ પર જણાવેલી છે, પરંતુ હવે વધુ કડક ચેતવણીઓ પણ જારી કરવામાં આવશે.
સરકારનું કહેવું છે કે, આ પગલું દર્દીની સલામતી માટે છે. યોગ્ય રીતે લેવામાં આવે તો પણ દવાઓ સલામત અને અસરકારક રહે છે, પરંતુ જો કોઈ અસામાન્ય લક્ષણો દેખાય તો તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરવો મહત્વપૂર્ણ છે.
દર્દીઓને હવે દવાના સંભવિત જોખમો વિશે સ્પષ્ટ માહિતી પ્રાપ્ત થશે અને ડૉક્ટરો દર્દીઓને આ ચેતવણી સ્વરૂપ લક્ષણો વિશે સલાહ અને દેખરેખ પણ રાખી શકશે.