
20 ફેબ્રુઆરીએ રાજ્યના અનેક જિલ્લાઓમાં ખાબકેલા કમોસમી વરસાદ બાદ આજે (23 ફેબ્રુઆરી) વહેલી સવારે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર, જંબુસર સહિતના તાલુકાઓમાં અને ગાંધીનગરમાં પણ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. ધીમી ધારે વરસાદની શરૂઆત થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. ઠંડા પવન સાથે શરૂ થયેલા ઝરમર વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે. કાપણી માટે તૈયાર ઊભા પાકને નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. ખાસ કરીને ઘઉં, કપાસ, તુવેર અને શાકભાજીના પાકને નુકસાન થવાની શક્યતા છે. તો બીજી તરફ હવામાન વિભાગ દ્વારા ડાંગ, તાપી, છોટા ઉદેપુર અને નર્મદામાં આજે યલો એલર્ટ સાથે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.
રાજ્યમાં બદલાતા હવામાન વચ્ચે હવામાન વિભાગ દ્વારા આગામી એક અઠવાડિયા માટેની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, સમગ્ર રાજ્યમાં આગામી સાત દિવસ દરમિયાન વાતાવરણ મુખ્યત્વે સૂકું રહેવાની સંભાવના છે, જોકે ઉત્તર-પશ્ચિમથી ઉત્તર દિશા તરફથી ફૂંકાતા ઠંડા પવનોને કારણે રાજ્યના વિવિધ ભાગોમાં તાપમાનમાં ઘટાડો નોંધાશે, જેનાથી ઠંડીનો અનુભવ થશે, જોકે આજે વહેલી સવારથી રાજ્યમાં ઠંડીનું પ્રમાણ જોવા મળ્યું છે. ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે અને વિઝિબિલિટી ઘટી જતાં વાહનચાલકોને પણ મુશ્કેલી પડી રહી છે. અનેક શહેરમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે.
રાજ્યનાં મુખ્ય શહેરોની વાત કરીએ તો… અમદાવાદમાં હાલમાં 34.3 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે, જ્યારે ગાંધીનગરમાં 33.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહ્યું છે. આગામી અઠવાડિયા દરમિયાન અમદાવાદમાં તાપમાનનો પારો 34થી 35 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે, જ્યારે ગાંધીનગરમાં 33થી 34 ડિગ્રી વચ્ચે જોવા મળી શકે છે. એકંદરે આ શહેરોમાં તાપમાનમાં કોઈ મોટો ઉછાળો જોવા નહીં મળે અને વાતાવરણ સ્થિર રહેશે. હાલમાં ગુજરાત પર ઉત્તર-પશ્ચિમથી ઉત્તર દિશાના પવનો પ્રભાવી છે. આ પવનોને કારણે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ઘટશે અને સૂકા પવનો ફૂંકાશે. દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ સમાન સ્થિતિ રહશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, પવનની આ દિશા અને ગતિ આગામી પાંચ દિવસ સુધી યથાવત્ રહેવાની સંભાવના છે. રાજ્યમાં હવે શિયાળાની જમાવટ ધીમે-ધીમે શરૂ થઈ રહી હોય એવું લાગી રહ્યું છે. તાપમાનમાં ક્રમશઃ ઘટાડો અને ઉત્તરીય પવનોની અસરને કારણે આગામી દિવસોમાં ઠંડીનું પ્રમાણ વધશે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં તાપમાનમાં બદલાવ જોવા મળશે.