
ગાંધીનગરમાં ખનીજ ચોરી અટકાવવા નીકળેલી ખાણખનીજ વિભાગની ટીમ પર નાટ્યાત્મક રીતે છાશવારે હુમલાની ઘટના પ્રકાશમાં આવતી રહેતી હોય છે. આ વખતે ખુદ જિલ્લા ભૂસ્તર અધિકારી પ્રણવસિંહ અને અન્ય મહિલા અધિકારીની કારને ખનીજ-માફિયાઓએ ફિલ્મી સ્ટાઈલમાં કાળા કાચ અને નંબરપ્લેટ વગરની લક્ઝુરિયસ ચાર કારથી ઘેરી ફિલ્મી સ્ટાઈલમાં હુમલો કરવાનો અને ડરાવવાનો પ્રાયસ કર્યો હતો. સમગ્ર જિલ્લામાં સિસ્ટમથી ખનીજનું નેટવર્કનો ચલાવતા માફિયાઓએ બેખૌફ રીતે માણસાથી એસપી કચેરી થઈ ઇન્ફોસિટી સુધી અધિકારીઓની કારનો પીછો કર્યો હતો. આખરે ગભરાઈને મહિલા માઇન્સ સુપરવાઝરે 112માં મદદ માગી માણસા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
ગાંધીનગર જિલ્લા સેવા સદન ખાતે ભૂસ્તરશાસ્ત્રી પ્રણવસિંહ સહિત માઇન્સ સુપરવાઇઝર સગુણા ઓઝા, રોયલ્ટી ઇન્સ્પેકટર મેહુલા સભાયા ગત 2 ફેબ્રુઆરીએ માણસાના પુંધરા ખનિજની બિનઅધિકૃત સંગ્રહ/વહનની તપાસ પૂર્ણ કરી વહેલી પરોઢિયે ખાનગી ગાડીમાં પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન નંબરપ્લેટ વિનાની કાળા કાચવાળી નંબર પ્લેટ વિનાની બે સ્કોર્પિયો અને એક વેન્યૂ કારે પુંધરાથી પેથાપુર તરફ જવાના રસ્તે ઈશ્વરપુરા ગામથી ફિલ્મી સ્ટાઇલમાં આગળ-પાછળ રહી પીછો કરવા લાગી હતી, જેમાં એક સ્ક્રોપિયોના કાળા કાચ પર ‘Raahi’ લખેલી ગાડીમાં ભૂમાફિયા દિગ્વિજસિંહ ચાવડા (રહે, વરસોડા તા-માણસા) બેઠો હોવાનું માઇન્સ સુપરવાઇઝર જાણી ગયા હતા. એ વખતે ભૂસ્તરશાસ્ત્રી પ્રણવસિંહે લગાતાર હોર્ન માર્યા પણ ભૂમાફિયા સ્કોર્પિયોચાલકે સાઇડ નહીં આપી ભયનો માહોલ ઊભો કર્યો હતો.
આ ભૂમફિયાઓની ગેંગ દ્વારા અર્જુનપુરા ખાતે ભૂસ્તર ટીમની ગાડીની આગળ-પાછળ રહી રેકી કરી અવરોધો ઊભા પણ કરવામાં આવી રહ્યા હતા, જેનો મહિલા અધિકારીએ વીડિયો પણ ઉતાર્યો હતો. ત્યાર બાદ ભૂસ્તરશાસ્ત્રી પ્રણવસિંહ સહિતની ટીમ સેક્ટર-28 ડીએસપી ઓફિસ સુધી પહોંચ્યા હતા, જ્યાં વધુ સંખ્યામાં પોલીસ જોઇને ભૂસ્તર ટીમે પોતાની ગાડી ધીમી કરતાં ભૂમાફિયાઓ ત્યાંથી રવાના થઈ ગયા હતા. જોકે એસપી કચેરી ખાતેથી પસાર થયા તોય પોલીસની મદદ માગવાની જગ્યાએ ભૂસ્તર ટીમ બહાદુરીપૂર્વક સેક્ટર 30 સર્કલ તરફ આગળ વધી હતી, જ્યાં આગળ જતાં જ એક સફેદ રંગની નંબરપ્લેટ વગરની કાળા કાચવાળી I-10 ગાડીએ ચ 0 સર્કલ સુધી પીછો શરૂ કર્યો હતો, જ્યાં અગાઉથી ઉપરોક્ત ત્રણ ગાડી ભૂસ્તર ટીમની રાહમાં ઊભી રહી ગઈ હતી.
આટલેથી ન અટકેલી ભૂમાફિયા ગેંગ ભૂસ્તરશાસ્ત્રી પ્રણવસિંહ સહિતની ટીમમાં ખૌફ ઊભો કરવા એક જૂથ થઈ રફ ડ્રાઈવિંગ કરી સરકારી કામગીરીમાં અડચણો ઊભી કરી હતી. બાદમાં માઇન્સ સુપરવાઇઝર સગુણા ઓઝા પોતાનું એક્ટિવા લેવા ઇન્ફોસિટી ખાતે ગયાં હતાં, જ્યાં પણ ઉક્ત ચારેય ગાડી જોવા મળી હતી, જેથી તેમણે અંતે ગભરાઈને 112 હેલ્પલાઇનની મદદ માગતાં પોલીસ એક્ટિવ થઈ હતી. બાદમાં બે ઇસમ i-10 ગાડી મૂકીને નાસી ગયા હતા. આ ફિલ્મી હાઈવોલ્ટેજ ડ્રામા મામલે આખરે માણસા પોલીસ મથકે ફરિયાદ નોંધાવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે આ માત્ર રેકી નહોંતી, પરંતુ રાત્રિના સમયે ફરજ બજાવતી મહિલા કર્મચારીઓને ડરાવવાનો અને તેમની સુરક્ષાને હાનિ પહોંચાડવાનો એક હીન પ્રયાસ હતો. અગાઉ પણ જે ભૂમાફિયાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે તેવાં તત્ત્વો ફરી સક્રિય થતાં પોલીસ પણ પાસા સુધીની કડક પગલાં લે તો નવાઈ નહીં. નોંધનીય છે કે ગાંધીનગર જિલ્લામાં ભૂતકાળમાં કાઠિયાવાડી કોયલના નામે ચાલતું નેટવર્ક બહાર આવી જતાં ભૂસ્તર તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા હતા, જોકે તોય ભૂમાફિયાઓએ ગોઠવેલું નેટવર્ક હજી પણ સિસ્ટમથી એક્ટિવ હોવાનો ગણગણાટ યથાવત્ છે. ત્યારે છેલ્લા કેટલાય સમયથી ભૂસ્તર તંત્રની ટીમ ઉપર હુમલો પ્રયાસ થયાની ઘટનાઓ પણ પોલીસ ચોપડે નોંધાઈ ચૂકી છે. એવામાં ખુદ જિલ્લા ભૂસ્તરશાસ્ત્રી પ્રણવસિંહને પણ ભાફિયાઓએ પરચો આપ્યો હોવાની ફરિયાદ માણસા પોલીસ મથકના ચોપડે નોંધાઈ છે.