
સુરત શહેરના જાણીતા ઉદ્યોગપતિ ગજેરા બંધુઓની મુશ્કેલીમાં ધરખમ વધારો થયો છે. ગુજરાત હાઈકોર્ટના કડક વલણ અને આદેશ બાદ સુરત આર્થિક ગુના નિવારણ શાખાએ ગજેરા બંધુઓ અને તેમના મળતિયાઓ વિરુદ્ધ કરોડો રૂપિયાની છેતરપિંડી, દસ્તાવેજોમાં ફોર્જરી અને વિશ્વાસઘાતનો ગુનો દાખલ કર્યો છે. શાંતી રેસીડેન્સી પ્રા. લિમીટેડમાં ફરિયાદીની જાણ બહાર તેમની ખોટી સહીઓ કરી, કરોડોની ઉચાપત કરી હોવાની વિગતો બહાર આવતા રિયલ એસ્ટેટ જગતમાં ખળભળાટ મચી ગયો છે. લાંબા સમયથી ચાલી રહેલી કાનૂની લડાઈ બાદ અંતે હાઈકોર્ટે તપાસના આદેશ આપતા સુરત ઇકો સેલે આ મામલે સક્રિયતા દાખવી છે. ફરિયાદી પ્રવિણ દેવકીનંદન અગ્રવાલની ફરિયાદને આધારે ચુનીભાઇ હરીભાઇ ગજેરા, વસંત હરીભાઇ ગજેરા, અશોકભાઇ હરીભાઇ ગજેરા સહિત કુલ 8થી વધુ શખસો સામે IPCની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
ફરિયાદ મુજબ, ફરિયાદી પ્રવિણ અગ્રવાલ શાંતી રેસીડેન્સીમાં ડિરેક્ટર તરીકે કાર્યરત હતા. જોકે, ગજેરા બંધુઓએ સુઆયોજિત કાવતરું રચી 1 જાન્યુઆરી, 2015ના રોજ ફરિયાદીના નામનો એક બોગસ રાજીનામું આપતો લેટર તૈયાર કર્યો હતો. આ લેટરમાં ફરિયાદીની ખોટી સહીઓ કરવામાં આવી હતી અને તેને આધારે તેમને કંપનીના ડિરેક્ટર પદેથી દૂર કરી દેવામાં આવ્યા હતા. આરોપીઓએ માત્ર કાગળ પર જ નહીં પરંતુ, ટેકનોલોજીનો દુરુપયોગ કરી સરકારી રેકોર્ડમાં પણ ચેડાં કર્યા હતા. કોડ સોલ્યુશન્સના ડીલર ગૌતમ પ્રજાપતિની મદદથી બોગસ ડિજિટલ સહીઓ ઉભી કરવામાં આવી હતી. આ સહીઓના આધારે રજીસ્ટ્રાર ઓફ કંપનીઝ (ROC)માં ખોટા દસ્તાવેજો અપલોડ કરી સરકારી તંત્રને પણ ગેરમાર્ગે દોરવામાં આવ્યું હતું. કંપનીના શેર હોલ્ડિંગમાં ફેરફાર કરવા માટે પણ રાકેશ ગજેરાએ ફરિયાદી, તેમની પત્ની શીતલ અગ્રવાલ અને પિતા દેવકીનંદન અગ્રવાલની ખોટી સહીઓ ઇક્વિટી શેર ઓફર લેટરમાં કરી હતી. આ રીતે ફરિયાદીના પરિવારનો કંપનીમાં રહેલો હિસ્સો ગેરકાયદેસર રીતે ઘટાડી દઈ આરોપીઓએ પોતાનો આર્થિક ફાયદો મેળવ્યો હતો. તપાસમાં બહાર આવ્યું છે કે ‘મિલેનીયમ-02’ અને ‘મિલેનીયમ-04’ પ્રોજેક્ટની અંદાજે 185 દુકાનોના વેચાણમાં મોટું કૌભાંડ આચરવામાં આવ્યું હતું. કંપનીમાં માત્ર જંત્રી મુજબનો જ અવેજ દર્શાવવામાં આવતો હતો, જ્યારે જંત્રી સિવાયની આશરે 84% રકમ ડાયરેક્ટરોએ કંપનીમાં દર્શાવ્યા વગર જ પોતાના ખિસ્સામાં ભરી લીધી હતી. આ આખું કૌભાંડ કોઈ નાનું-સૂનું નથી. પોલીસ ફરિયાદ મુજબ, આરોપીઓએ પોતાની સત્તાનો દુરુપયોગ કરી કંપનીમાંથી કુલ 19,28,39,69,000ની રકમની ફોર્જરી આચરી છે. આ રકમની ઉચાપત કરી વિશ્વાસઘાત કરવામાં આવ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે.
ફરિયાદીને આ કૌભાંડની ગંધ આવી અને તેમણે વિરોધ કર્યો, ત્યારે ગજેરા બંધુઓએ તેમને ડરાવવા-ધમકાવવાનું શરૂ કર્યું હતું. ફરિયાદીને ખોટા ક્રિમિનલ કેસમાં ફસાવી આખી જિંદગી જેલમાં સબડાવવાની અને જો પોલીસ કાર્યવાહી કરશે તો પરિવાર સમેત જાનથી પતાવી દેવાની ધમકીઓ પણ આપવામાં આવી હતી. ગજેરા બંધુઓ માટે પોલીસ સ્ટેશનના પગથિયાં નવા નથી. તેમની વિરુદ્ધ અગાઉ કતારગામ પોલીસ સ્ટેશનમાં 4 ગુના, ઉમરા પોલીસ સ્ટેશનમાં 2 ગુના અને ડીસીબી પોલીસ સ્ટેશનમાં પણ ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. જેમાં ફોર્જરી, છેતરપિંડી અને કાવતરા જેવી કલમોનો સમાવેશ થાય છે. આર્થિક ગુનાઓ ઉપરાંત, ગજેરા પરિવાર સામે મની લોન્ડરિંગનો કેસ પણ ચાલી રહ્યો છે. મુંબઈ ઝોનલ ઓફિસ દ્વારા PMLA (Prevention of Money Laundering Act) હેઠળ તેમની સામે સ્પેશિયલ કેસ નોંધવામાં આવ્યો છે, જે દર્શાવે છે કે તેમના આર્થિક વ્યવહારો રાષ્ટ્રીય તપાસ એજન્સીઓના રડાર પર છે. હાલમાં DCB પોલીસ સ્ટેશનમાં IPC કલમ 409, 465, 467, 468, 471, 386, 120(બી) સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ સુરત ઇકો સેલને સોંપવામાં આવી છે. આગામી દિવસોમાં આ મસમોટા કૌભાંડમાં વધુ કેટલાક નામો અને નવી વિગતો બહાર આવવાની પૂરેપૂરી શક્યતા છે.