LCBએ પ્રાંતિજથી 1.69 લાખનો વિદેશી દારૂ ઝડપ્યો

Spread the love

 

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી LCBએ વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. રસુલપુર પાસેથી એક કારમાંથી ગુપ્ત ખાનામાં સંતાડેલી રૂ. 1,69,428ની કિંમતની 260 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે કાર ચાલકની ધરપકડ કરી કુલ રૂ. 3,69,428નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. સાબરકાંઠા LCBના પીઆઈ ડી.સી. સાકરિયાએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, LCB ટીમ પ્રાંતિજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન અમરતભાઈ અને જીજ્ઞેશકુમારને મળેલી બાતમીના આધારે હિંમતનગરથી અમદાવાદ હાઈવે રોડ પર દર્શન હોટલ નજીક રસુલપુર પાટિયા રોડ પર વોચ ગોઠવી નાકાબંધી કરવામાં આવી હતી.
બાતમી મુજબની એક રેનોલ્ટ ડસ્ટર ગાડી હિંમતનગર તરફથી આવતા તેને રોકવામાં આવી હતી. ગાડીના ચાલકની પૂછપરછ કરી ગાડીની તલાશી લેતા પાછળના ભાગે ડીકીમાં બનાવેલા ચોરખાનામાંથી, ગાડીના તમામ દરવાજાની અંદરથી અને એન્જિનના આગળના ભાગે બોનેટ નીચેથી ભારતીય બનાવટના વિદેશી દારૂની જુદી જુદી બ્રાન્ડની છૂટી બોટલો મળી આવી હતી. પોલીસે રૂ. 1,69,428નો દારૂ અને કાર સહિત કુલ રૂ. 3,69,428નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પકડાયેલા આરોપીનું નામ રોડસિંહ દલપતસિંહ રાઠોડ (ઉંમર 37) છે. તે હાલ અમદાવાદના દસકોઈ તાલુકાના કઠવાડા ખાતે એ/303 સાકમરાજ રેસીડેન્સી, સિંગરવા કઠવાડા રોડ, સફલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રીઝ પાસે રહે છે. તેનો મૂળ વતન રાજસ્થાનના સલુમ્બર જિલ્લાના સરાડા તાલુકાનું મીદોડા ગામ છે. પ્રાંતિજ પોલીસે પ્રોહિબિશનનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *