
મહેસાણા જિલ્લાના બેચરાજીના રાજકારણ અને સહકારી ક્ષેત્રમાં તે સમયે ભારે ખળભળાટ મચી ગયો, જ્યારે બેચરાજી APMCના ડિરેક્ટર હિરેન પટેલની સાયબર ફ્રોડના ગુનામાં ધરપકડ કરવામાં આવી. સુરત પોલીસે તેની ધરપકડ કર્યા બાદ હવે વધુ તપાસ માટે તેને બેચરાજી પોલીસને સોંપવામાં આવ્યો છે. એક જવાબદાર હોદ્દા પર હોવા છતાં આર્થિક ગુનાખોરીમાં સંડોવાયેલા ડિરેક્ટરનો પર્દાફાશ થતા પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે. હિરેન લક્ષ્મણભાઈ પટેલ 2020માં બેચરાજી APMCની ચૂંટણીમાં વેપારી વિભાગમાંથી ચૂંટાઈને ડિરેક્ટર બન્યો હતો. માર્કેટ યાર્ડમાં તેની ‘પટેલ હિરેન લક્ષ્મણભાઈ એન્ડ કંપની’ નામે પેઢી પણ કાર્યરત હતી. જોકે સત્તા મળ્યા બાદ તે સાયબર ફ્રોડ જેવી ગેરકાયદે પ્રવૃત્તિઓ તરફ વળ્યો હતો. ઉલ્લેખનીય છે કે, હિરેન પટેલ અગાઉ પણ જેલવાસ ભોગવી ચૂક્યો છે. 2025માં સુરતમાં નોંધાયેલી સાયબર ફ્રોડની ફરિયાદના આધારે ઓગસ્ટ, 2025માં તેની ધરપકડ થઈ હતી. જામીન પર મુક્ત થયા બાદ તેણે સુધરવાને બદલે ગુનાખોરીનો વ્યાપ વધાર્યો હતો. નવા કૌભાંડમાં હિરેન પટેલે પોતાની પત્ની પ્રેમિલા પટેલને પણ સામેલ કરી હતી. અંદાજે રૂ.16.68 લાખ જેટલી માતબર રકમ તેની પત્નીના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી હોવાનું તપાસમાં ખુલ્યું હતું. આ મામલે ગત 9 ડિસેમ્બર, 2025ના રોજ બેચરાજી પોલીસ મથકમાં દંપતી વિરુદ્ધ ગુનો નોંધાયો હતો. પોલીસ તપાસ દરમિયાન તેની પત્ની પ્રેમિલા પટેલની અગાઉ ધરપકડ કરી લેવામાં આવી હતી, જે હાલ જેલમાં છે.
પોલીસ કાર્યવાહીથી બચવા માટે હિરેન પટેલે બેચરાજી APMCમાં આવેલી પોતાની પેઢીનું વેચાણ કરી દીધું હતું અને તે ભૂગર્ભમાં ઉતરી ગયો હતો. લાંબી તપાસ બાદ આખરે સુરત પોલીસે ફરાર હિરેનને ઝડપી પાડ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી માટે બેચરાજી પોલીસને હવાલે કર્યો છે.