5થી વધુ શખ્સોએ ઘેરીને ટેમ્પો ચાલકને ડોલથી ફટકાર્યો

Spread the love

 

શહેરમાં અવારનવાર રોડ રેજના કિસ્સાઓ સામે આવતા રહે છે, ત્યારે ભેસ્તાનમાં ફરી એકવાર કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડતી ઘટના સામે આવી છે. એસએમસી કોમ્પ્લેક્સની સામે રોડ પરથી પસાર થઈ રહેલા એક અજાણ્યા ટેમ્પો ચાલકની પ્રેમનગરમાં રહેતા એક યુવક સાથે સામાન્ય ટક્કર થઈ હતી. આ સામાન્ય વાતમાં મામલો એટલો બિચક્યો કે યુવક અને તેના મિત્રોએ ભેગા મળીને ટેમ્પો ચાલકને જાહેરમાં બેરહેમીથી માર મારવાનું શરૂ કર્યું હતું. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા ચાર આરોપીઓની ધરપકડ કરાઈ છે. જોકે, આ અકસ્માતમાં કોઈ મોટી જાનહાનિ થઈ નહોતી, પરંતુ ટેમ્પો ચાલક અને યુવક વચ્ચે ઉગ્ર બોલાચાલી શરૂ થઈ ગઈ હતી. આ બોલાચાલી જોઈને નજીકમાં ઉભેલા યુવકના અન્ય મિત્રો પણ ત્યાં દોડી આવ્યા હતા અને વાતચીત કરવાને બદલે સીધો ટેમ્પો ચાલક પર હુમલો કરી દીધો હતો. વાઇરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, ટેમ્પો ચાલકને લગભગ પાંચથી વધુ લોકોએ ઘેરી લીધો હતો. આ ટોળકી ટેમ્પો ચાલકનો કોલર પકડીને તેને રસ્તા વચ્ચે ખેંચી રહી હતી. માનવતા નેવે મૂકીને આ શખ્સો હાથ, પગ અને જે હાથમાં આવ્યું તેનાથી ફટકારી રહ્યા હતા. હદ તો ત્યારે થઈ જ્યારે કેટલાક શખ્સોએ ડોલથી ટેમ્પો ચાલકના માથા અને શરીરના ભાગે પ્રહાર કર્યા હતા. જાહેરમાં રસ્તા પર ચાલતી આ ગુંડાગીરી જોઈને રાહદારીઓ પણ સ્તબ્ધ થઈ ગયા હતા.
આ મારામારીની ઘટનામાં હુમલાખોરો એટલા ઉશ્કેરાયેલા હતા કે તેમને કાયદાનો કોઈ ડર રહ્યો નહોતો. ટેમ્પો ચાલક જીવ બચાવવા આજીજી કરી રહ્યો હતો, તેમ છતાં એક પછી એક યુવકો આવીને તેને ફટકારી રહ્યા હતા. ટેમ્પો ચાલકને ઢોર માર મારતા દ્રશ્યો મોબાઈલ કેમેરામાં કેદ થયા હતા. હુમલાખોરોએ શિસ્તની તમામ મર્યાદા ઓળંગીને જાહેર માર્ગને કુસ્તીનું મેદાન બનાવી દીધું હતું, જેના કારણે આસપાસના વિસ્તારમાં પણ ગભરાટ ફેલાઈ ગયો હતો. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતા જ ભેસ્તાન પોલીસ એક્શન મોડમાં આવી ગઈ હતી. પોલીસે તાત્કાલિક ટેમ્પો ચાલકની ફરિયાદના આધારે અને વીડિયો ફૂટેજની મદદથી હુમલાખોરોની ઓળખ કરી હતી. પોલીસે આ મામલે કડક કાર્યવાહી કરીને ચાર મુખ્ય આરોપીઓની ધરપકડ કરી લીધી છે. પકડાયેલા શખ્સો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસના સકંજામાં આવતા જ રસ્તા પર દાદાગીરી કરનારા યુવાનોની સાન ઠેકાણે આવી ગઈ હતી. પોલીસ સ્ટેશનમાં આરોપીઓએ કાન પકડીને પોતાની ભૂલ સ્વીકારી હતી અને જણાવ્યું હતું કે, “હવે પછી અમે બીજી વાર આવી ભૂલ ક્યારેય નહીં કરીએ.” પોલીસે આ વિસ્તારમાં શાંતિ જળવાઈ રહે અને ફરી કોઈ આવી હિંમત ન કરે તે માટે આરોપીઓને કાયદાનું ભાન કરાવ્યું હતું. હાલ આ સમગ્ર મામલે પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *