જામનગર હાઈવે પર અકસ્માત, એક પદયાત્રીનું મૃત્યુ

Spread the love

 

જામનગર-કાલાવડ ધોરીમાર્ગ પર મોટા થાવરીયા ગામ નજીક એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. દ્વારકા જઈ રહેલા પદયાત્રી સંઘની બે મહિલાઓને ક્રેનના ચાલકે હડફેટમાં લેતા એકનું કરુણ મૃત્યુ થયું છે, જ્યારે અન્ય એક મહિલાને ઈજા પહોંચી છે. પોલીસે ક્રેન ચાલકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના ગઢડીયા ગામના રબારી પરિવારની ચાર મહિલા સભ્યો દ્વારકાધીશજીના ફૂલડોલ ઉત્સવમાં ભાગ લેવા પદયાત્રા કરીને જઈ રહી હતી. જેમાં જેઠીબેન રામાભાઇ ખટાણા (ઉં. 54), આરતીબેન દિલીપભાઈ રબારી, કમુબેન દેવશીભાઈ મોરી અને રાધાબેન ગભરૂભાઈ ખાંભલાનો સમાવેશ થાય છે. ગઈકાલે બપોરના સમયે તેઓ જામનગર-કાલાવડ ધોરીમાર્ગ પર મોટા થાવરીયા ગામ પાસેથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે સી.જી. -10 એ.એસ.3665 નંબરની ક્રેનના ચાલકે બેફામ ગતિએ આવી પાછળથી જેઠીબેન રામાભાઇ ખટાણા અને રાધાબેન ગભરૂભાઈ ખાંભલાને હડફેટમાં લીધા હતા. આ અકસ્માતમાં જેઠીબેન રામાભાઇ ખટાણા (ઉંમર 54 વર્ષ)નું ઘટનાસ્થળે જ કરુણ મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે રાધાબેન ગભરૂભાઈ ખાંભલાને ગંભીર ઈજાઓ થતાં તેમને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મૃતક જેઠીબેનના પુત્ર વલ્લભભાઈ રામાભાઇ ખટાણાએ આ અંગે જામનગરના પંચકોષી એ. ડિવિઝન પોલીસ મથકમાં ક્રેનના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. એ.એસ.આઇ. એસ.સી. જાડેજાએ ઘટનાસ્થળ અને હોસ્પિટલની મુલાકાત લીધી હતી. પોલીસે ક્રેનના ચાલકની અટકાયત કરી ક્રેન કબજે કરી લીધી છે. આ બનાવથી પદયાત્રી સંઘમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *