વિધાનસભામાં આરોગ્યથી વીજળી સુધીના ચોંકાવનારા આંકડાઓ જાહેર:
અમદાવાદ સિવિલમાં 1,849 કિડની દર્દીઓ વેઇટિંગમાં, પાણીજન્ય રોગોના હજારો કેસો

ગાંધીનગર ખાતે વિધાનસભા સત્ર દરમિયાન વિવિધ ધારાસભ્યો દ્વારા પૂછાયેલા પ્રશ્નોના જવાબોમાં આરોગ્ય, વીજળી, ગૌચર જમીન દબાણ, PM-JAY યોજના અને મેડિકલ કોલેજ ફી સંબંધિત મહત્વપૂર્ણ વિગતો સામે આવી છે.
અમદાવાદ સિવિલમાં હેલ્થ સેલર પરમીટ અને કિડની વેઇટિંગ લિસ્ટ જમાલપુર-ખાડિયાના ધારાસભ્ય ઇમરાન યુસુફભાઈ ખેડાવાલાના પ્રશ્નના જવાબમાં સરકારે જણાવ્યું કે, છેલ્લા બે વર્ષમાં અમદાવાદ સિવિલમાં હેલ્થ સેલર પરમીટ માટે કુલ 7,170 અરજીઓ મળી છે, જેમાંથી 7,045 મંજૂર અને 29 નામાંજૂર કરાઈ છે. આ ઉપરાંત 25 જાન્યુઆરી, 2026ની સ્થિતિએ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે 1,849 દર્દીઓ વેઇટિંગ લિસ્ટમાં છે. જ્યારે છેલ્લા બે વર્ષમાં 293 દર્દીઓને કિડની ફાળવાઈ છે.
અદાણી-એસ્સાર સાથે 25 વર્ષના કરાર, હજારો કરોડનો વીજ ખરીદી ખર્ચ રાજ્ય સરકારે અદાણી પાવર લિમિટેડ અને એસ્સાર પાવર ગુજરાત લિમિટેડ (EPGL) સાથે 25 વર્ષના પાવર પરચેઝ એગ્રિમેન્ટ કર્યા છે. છેલ્લા બે વર્ષમાં અદાણી પાવર પાસેથી 28,715 મિલિયન યુનિટ વીજળી ખરીદાઈ, જેના માટે રૂ. 15,395 કરોડ જેટલો ખર્ચ થયો. તે ઉપરાંત કોસ્ટલ ગુજરાત પાવર લિમિટેડ (CGPL), પાસેથી 2024-25માં 11,777 મિલિયન યુનિટ અને 2025-26 (પ્રોવિઝનલ)માં 2,948 મિલિયન યુનિટ વીજળી ખરીદાઈ.
ગાંધીનગર-અમદાવાદમાં પાણીજન્ય રોગોના હજારો કેસ વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના પ્રશ્નના જવાબમાં સરકારે જણાવ્યું કે, 2024 અને 2025 દરમિયાન ગાંધીનગર અને અમદાવાદ જિલ્લામાં પાણીજન્ય રોગોના કુલ 36,263થી વધુ કેસ નોંધાયા. મલેરિયા, ટાઈફોઈડ અને કમળાના કેસો પણ નોંધપાત્ર છે. સરકાર દ્વારા ક્લોરીનેશન, હાઉસ-ટુ-હાઉસ સર્વેલન્સ અને એપીડેમિક એલર્ટ જેવી કામગીરી હાથ ધરાઈ છે.
મહીસાગરમાં ડેન્ગ્યુના 26 કેસ, મૃત્યુ શૂન્ય બાલાસિનોરના ધારાસભ્ય માનસિંહ ચૌહાણના પ્રશ્નના જવાબમાં મહીસાગર જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં ડેન્ગ્યુના 26 કેસ નોંધાયા હોવાનું જાહેર થયું છે. સારા સમાચાર એ છે કે એક પણ દર્દીનું મૃત્યુ થયું નથી.
નર્મદા-તાપીમાં એકપણ શબવાહિની નથી દેડીયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ દામજીભાઈ વસાવાના પ્રશ્નના જવાબમાં સરકારે સ્વીકાર્યું કે, 15 જાન્યુઆરી, 2026ની સ્થિતિએ નર્મદા અને તાપી જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, સામુહિક આરોગ્ય કેન્દ્રો અને સિવિલ હોસ્પિટલોમાં એકપણ શબવાહિની કાર્યરત નથી.
PM-JAY હેઠળ સુરત-રાજકોટમાં હજારો કરોડની ચુકવણી વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ગોરધનભાઈ ઇટાલિયાના પ્રશ્ન મુજબ PM-JAY યોજના હેઠળ છેલ્લા બે વર્ષમાં સુરત જિલ્લામાં 2.42 લાખથી વધુ લાભાર્થીઓ માટે રૂ. 864 કરોડ અને રાજકોટ જિલ્લામાં 2.64 લાખ લાભાર્થીઓ માટે રૂ. 754.75 કરોડ ચુકવાયા છે.
MBBS ફીમાં ખાનગી કોલેજોમાં વધારો રાજ્યમાં સરકારી મેડિકલ કોલેજોની વાર્ષિક ફી રૂ. 25 હજાર યથાવત્ છે, જ્યારે GMERS સંચાલિત કોલેજોમાં ગવર્મેન્ટ ક્વોટા માટે રૂ. 3.75 લાખ ફી છે. ખાનગી કોલેજોમાં 2025-26 માટે ગવર્મેન્ટ ક્વોટામાં સરેરાશ 0.25થી 1.20 લાખ અને મેનેજમેન્ટ ક્વોટામાં 1.40થી 2.75 લાખ સુધીનો વધારો નોંધાયો છે.
ગૌચર જમીન પર દબાણ: જામનગરથી પાટણ સુધી કેસ કોર્ટમાં જામનગર, દેવભૂમિ દ્વારકા અને પાટણ સહિતના જિલ્લાઓમાં ગૌચર જમીન પર દબાણોના કેસ કોર્ટમાં પેન્ડિંગ છે. કેટલાક ગામોમાં 30-35 વર્ષથી દબાણ હોવાનો ખુલાસો થયો છે.
મુખ્ય મુદ્દાઓ એક નજરે
- અમદાવાદ સિવિલમાં 1,849 કિડની દર્દીઓ વેઇટિંગમાં
- પાણીજન્ય રોગોના હજારો કેસો
- અદાણી-એસ્સાર સાથે 25 વર્ષના કરાર
- નર્મદા-તાપીમાં એકપણ શબવાહિની નહીં
- PM-JAY હેઠળ સુરત-રાજકોટમાં હજારો કરોડની ચુકવણી
- ખાનગી MBBS ફીમાં વધારો
વિધાનસભામાં પૂછાયેલા પ્રશ્નોના જવાબોથી આરોગ્ય સુવિધાઓ, વીજ પુરવઠા અને ગ્રામ વિકાસની હકીકત આંકડાઓ સાથે સ્પષ્ટ થઈ છે.