10ની ફાટેલી નોટ બદલવા બાબતે જીવલેણ હુમલો

Spread the love

10ની ફાટેલી નોટ બદલવા બાબતે જીવલેણ હુમલો

ઝુંડાલમાં નિવૃત બેંક કર્મચારીને લાકડાના ધોકા મારી જાનથી મારી નાખવાની ધમકી આપી, બે શખ્સો વિરુદ્ધ ફરિયાદ

 

 

ગાંધીનગરના ઝુંડાલ ગામમાં પાર્લર પર માત્ર 10 રૂપિયાની ફાટેલી નોટ બદલવા જેવી નજીવી બાબતે થયેલી તકરારમાં બે શખ્સોએ 63 વર્ષીય નિવૃત બેંક કર્મચારી પર જીવલેણ હુમલો કરી લોહીલુહાણ કરી નાખ્યા હોવાની ફરિયાદ અડાલજ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.

નિવૃત બેંક કર્મચારી પાર્લર પર મસાલો લેવા ઉભા હતા ગાંધીનગરના ઝુંડાલ શ્યામવેદ સફાયર સોસાયટીમાં રહેતા 63 વર્ષીય દિપકકુમાર બળવંતરાય પંડ્યા કો-ઓપરેટીવ બેંકમાંથી નિવૃત થયા છે. તેઓ ગત સોમવારે બપોરે પોતાની પત્ની સાથે લગ્નપ્રસંગ પતાવી ઘરે પરત ફરી રહ્યા હતા. ત્યારે રસ્તામાં સ્વામીનારાયણ મંદિર પાસે આવેલા શ્રીજી પાર્લર પર મસાલો લેવા ઉભા રહ્યા હતા.

10 રૂપિયાની નોટ માટે શું કચકચ કરો છો? જ્યાં પાર્લર સંચાલકે તેમને 10 રૂપિયાની ફાટેલી નોટ આપતા દિપકકુમારે તે બદલી આપવા વિનંતી કરી હતી. ત્યારે ત્યાં હાજર રાજુ ઉર્ફે રાજ ઠાકોરે (ઝુંડાલ ) ઉશ્કેરાઈ જઈને કહ્યું કે, 10 રૂપિયાની નોટ માટે શું કચકચ કરો છો. ત્યારબાદ તેણે વૃદ્ધને ગાળો આપી રોડ પર પાડી દઈ ગડદાપાટુનો માર માર્યો હતો.

લાકડાના ધોકા વડે વૃદ્ધના કપાળ પર હુમલો કર્યો તે સમયે અન્ય એક શખ્સ વિશાલ ઠાકોરે પકડી રાખી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. આ ઝઘડો શાંત થયા બાદ જ્યારે વૃદ્ધ પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે રાજુ ઠાકોર એક્ટિવા લઈને પાછળ ગયો હતો. અને આજે તો હું તને જોઈ લઈશ તેમ કહી લાકડાના ધોકા વડે વૃદ્ધના કપાળ પર હુમલો કર્યો હતો.

ઝુંડાલના બે શખ્સ સામે ફરિયાદ આ હુમલામાં વૃદ્ધને ગંભીર ઈજાઓ થતા લોહીલુહાણ હાલતમાં સત્યમેવ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા છે. આ અંગે અડાલજ પોલીસે રાજુ ઉર્ફે રાજ ધનાજી મફાજી ઠાકોર અને વિશાલ ભરતજી ઠાકોર (બંને રહે. ઝુંડાલ) વિરુદ્ધ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *