
અમદાવાદ શહેરમાં છેતરપિંડીના અનેક કિસ્સા સામે આવ્યા છે. શહેરના નારોલ વિસ્તારમાં જૂની બસ લે- વેચનું કામ કરનારા વેપારીએ 5 લાખ રૂપિયામાં 14 સીટર મીની બસ ખરીદી હતી. જે બસ અન્ય ગ્રાહક પાસે ન વેચાતા તેણે બીજા ગ્રાહકને વેચવા માટે પૈસા આપવા ગાડી ઉપર લોન લીધી હતી અને એક પણ રૂપિયો પરત આપ્યો નહોતો. જ્યારે વાસણા વિસ્તારમાં રહેતી મહિલાને ઉછીના આપેલા પૈસા કઢાવવા માટે સરકારી કર્મચારીની ખોટી ઓળખ આપી 18.65 લાખ પડાવી લીધા હતા. આ મામલે નારોલ અને વાસણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પ્રથમ કિસ્સો
વાસણા વિસ્તારમાં ગોદાવરીનગરમાં રહેતા અને રસોઈ કામ કરી ગુજરાન ચલાવતા અલકાબેન પરીખ વર્ષ 2024માં ઇસનપુર ખાતે રસોઈ કામ કરવા માટે ગયા હતા. ત્યારે સંગીતાબેન નામની મહિલા તેમના ઘરે કચરા પોતું કરવા માટે આવી હતી. જેમની સાથે તેમને વાતચીત થઈ હતી. અલકાબેનએ કહ્યું હતું, જૂનાગઢમાં રહેતા પુરીબેન નામના એક મહિલાને 1.50 લાખ આપ્યા છે જે હજી સુધી તેમણે પરત આપ્યા નથી જેથી તે પૈસા કઢાવવા છે. સંગીતાબેને કહ્યું હતું કે, મારો ભાઈ લલિત માલી શાહીબાગ સરકારી કચેરીમાં નોકરી કરે છે. જે પૈસા કઢાવી આપશે.
માર્ચ 2025માં લલિત માલી સાથે વાત થઈ અને તેમણે કહ્યું હતું કે, તમારે એમનો નંબર આપવો પડશે જેથી તેને સર્વેન્સમાં મૂકી ટ્રેક કરી શકાશે. જેથી અલકાબેને તેમનો નંબર આપ્યો હતો જે બાદ જુનાગઢ ખાતે રૂબરૂ પૂરી બેનને મળવા જવું પડશે તેમ જણાવતા રૂપિયા 30,000 બેંકમાંથી કાઢી અને તેને જુનાગઢ જવા આપ્યા હતા. બાદમાં જુનાગઢ ખાતે બોલાચાલી અને મારામારી થઈ જેમાં હાથમાં ફ્રેક્ચર થયું અને લલિત માલી સામે પોલીસ કેસ થયો. જેથી તેમને સરકારી નોકરીમાંથી સસ્પેન્ડ કરી દીધા હતા. નોકરીમાં પાછા લેવા 19 લાખમાં સેટિંગ કરવાના હોવાથી મદદ કરવા કહ્યું અને અલકાબેને તેમના વિશ્વાસમાં આવી ટુકડે ટુકડે 18.65 લાખ આપી દીધા હતા. બાદમાં લલીતભાઈ પાસે પૈસાની માંગણી કરતા તેમણે પૈસા આપ્યા નહોતા આમ અમને છેતરપિંડી થતા વાસણા પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાઈ હતી.
બીજો કિસ્સો
મળતી માહિતી મુજબ, શહેરના નારોલ વિસ્તારમાં આકૃતિ સ્ટેટ્સ ફ્લેટમાં રહેતા અને માતેશ્વરી બોડી રિપેર્સ પાસે બોડી રીપેરીંગ અને જૂની બસના લે-વેચ કરનાર નરેશ લુહારને તેમની સાથે વ્યવસાય કરનારા ઓળખીતા મારફતે જગદીશગીરી ગોસ્વામી નામના વ્યક્તિ સાથે મુલાકાત થઈ હતી. જગદીશ ગીરી પોતે જૂની બસ લે-વેચનું કામ કરતા હોવાથી 14 સીટર મીની બસ 5.50 લાખમાં વેચવાની હોવાની વાત કરી હતી. જેથી નરેશે બસ ખરીદવા માટે સંમતિ દર્શાવી હતી. રોકડા ઓનલાઇન અને ચેક મારફતે કુલ 4.15 લાખ રૂપિયા ચૂકવી દીધા હતા.
પૈસા ચૂકવ્યા બાદ ગાડીને પોતાના નામે કરવાની વાત કરી હતી. 10 દિવસ બાદ જગદીશ ગીરી નરેશ પાસે આવ્યા હતા અને તેમની પાસે 14 સીટર ગાડીના અન્ય ગ્રાહકોની વાત કરી હતી. જેથી નરેશને ગાડી વેચવી ન હોવાથી તેમને આપવા માટેની વાત થઈ હતી. જોકે જગદીશ ગીરી પાસે અત્યારે પૈસા ન હોવાથી પોતે ગાડી પર 3 લાખ રૂપિયાની લોન કરાવી દેશે બાકીના રોકડા કે ચેક મારફતે ચૂકવી આપશે તેમ જણાવ્યું હતું. જેથી વિશ્વાસ રાખીને ખાનગી ફાઈનાન્સ કંપનીમાંથી ત્રણ લાખ રૂપિયાની લોન માટેના કાગળિયા પણ આપવામાં આવ્યા હતા. લોનના ત્રણ લાખ રૂપિયા જગદીશ ગીરીના ખાતામાં જમા થઈ ગયા હતા.જગદીશ ગીરી પોતે ગાડી પરત લેવા માટે આવ્યા હતા ત્યારે નરેશે બાકીના 2.50 લાખ રૂપિયા માંગ્યા હતા, પરંતુ તેણે આપ્યા નહિ બાદમાં અવારનવાર પૈસા માંગવા છતાં પણ તેણે પૈસા આપ્યા નહીં અને જે ચેક આપવામાં આવ્યો હતો તે પણ અન્ય તેના ખાતામાં નાખ્યો હતો. જોકે પૈસા ભર્યા નહોતા જેથી તે ચેક બાઉન્સ થયો હતો. ગાડીના નામે છેતરપિંડી કરવામાં આવી હોવાના પગલે આ મામલે નારોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.