
અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં બે અકસ્માતમાં બે વ્યક્તિના મોત નિપજ્યા છે. જેમાં વસ્ત્રાલ રીંગ રોડ પર ટ્રકે મહિલાના વાહનને ટક્કર મારતા મહિલાનું મોત નિપજ્યુ હતુ. અસલાલી-નારોલ રોડ પર રોડ ક્રોસ કરી રહેલા એક યુવકને ટેન્કરચાલકે અડફેટે લેતા તેનું મોત થયુ હતુ. આ બંને બનાવોમાં ટ્રાફિક પોલીસે ગુનો નોધીને વધુ તપાસ શરૂ કરી છે. અસલાલીથી નારોલ તરફ જતાં દિપસિંહ ઢાબા સામે અકસ્માત થયો હોવાનો મેસેજ કે ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અનાર્મ હેડ કોન્સ્ટેબલ ધર્મવિજયરાજસિંહને પોલીસ કંટ્રોલથી વર્ધી મળી હતી. જેથી, પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ કરી ત્યારે જાણવા મળ્યું હતું કે, એક 30 વર્ષની ઉંમરનો અજાણ્યો પુરુષ રોડ ક્રોસ કરી રહ્યો હતો, તે સમયે ઓવરસ્પીડમાં અસલાલી તરફથી આવતા એક ટેન્કરના ચાલકે તેને ટક્કર મારી હતી. જેથી, હવામાં ફંગોળાઈને જમીને પટકાઈ પડેલા યુવકનું ગંભીર ઈજાઓના કારણે મોત નિપજ્યું હતુ. અકસ્માત બાદ આસપાસના લોકો ભેગા થઇ ગયા હતા અને ટેન્કર ચાલકને ઝડપી પાડ્યો હતો. આ અંગે કે ડિવિઝન ટ્રાફિક પોલીસે ટેન્કર ટ્રકના ચાલક ધૃવરાજ યાદવ સામે ગુનો નોધીને ધરપકડ કરી છે. શહેરના નિકોલ રીંગરોડ પાસે રહેતા પાયલબેન ગજ્જર સોમવારે બપોરના સમયે વસ્ત્રાલ રીંગ રોડ પર હેલ્થ વન હોસ્પિટલ સામેના કટ પાસેથી એક્સેસ લઈને ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે પૂરઝડપે આવેલા ટ્રક ચાલકે પાયલબેનના એકસેસને ટક્કર મારતા તેઓ રોડ પર પટકાયા હતા. પાયલબેનને ગંભીર ઈજાઓ પહોંચતા ઘટના સ્થળ પર મોત નીપજ્યુ હતું. આ ઘટનાના પગલે રોડ પર ટ્રાફિકજામ થયો હતો. આઇ ડિવિઝન ટ્રાફિક પોલીસે સ્થળ પર પહોંચી ટ્રાફિક ક્લીયર કરાવ્યો હતો. આ અંગે આઇ ડિવિઝન ટ્રાફિક પોલીસે ટ્રકચાલક સામે ગુનો નોધીને વધુ તપાસ શરૂ કરી છે.