મુઘલ કાળ દરમિયાન ભારતમાં સત્તા પર અધિકાર અને વર્ચસ્વ જાળવી રાખવા માટે અનેક યુદ્ધ થયા છે. કેટલાક યુદ્ધ તો એવા છે કે જેમણે મુઘલ સામ્રાજ્ય અને ભારતીય ઈતિહાસમાં મોટા ફેરફાર કરી દીધા હતા. તેમાંથી જ એક યુદ્ધ છે આજથી 287 વર્ષ પહેલા લડાયેલું કરનાલનું યુદ્ધ. જે માત્ર ત્રણ કલાકમાં જ ખતમ થઈ ગયું હતું અને મુઘલ સામ્રાજ્યને પતન તરફ દોરી ગયું હતું.
આ યુદ્ધ પછી જ ભારતમાંથી ‘કોહિનૂર’ હીરો લૂંટી લેવાયો હતો. આજે, આ વાર્તા એટલા માટે મહત્વની છે, કારણ કે કરનાલનું યુદ્ધ વર્ષ 1739માં 24 ફેબ્રુઆરીના દિવસે જ થયું હતું.
કોની વચ્ચે થયું હતું કરનાલનું યુદ્ધ?
કરનાલ હરિયાણાનો એક જિલ્લો છે, જે દિલ્હીથી લગભગ 110 કિ.મી. દૂર પાણીપત અને કુરૂક્ષેત્રની વચ્ચે સ્થિત છે. કરનાલનું યુદ્ધ 24 ફેબ્રુઆરી, 1739ના રોજ તે સમયના મુઘલ શાસક મોહમ્મદ શાહ અને પર્શિયા (ઈરાન)ના રાજા નાદિર શાહ વચ્ચે લડાયું હતું.
કેમ થયું હતું યુદ્ધ?
આ યુદ્ધ કેમ લડાયું હતું તે જાણવા માટે આપણે સમગ્ર ઘટનાક્રમ જાણવો પડશે. હકીકતમાં, વર્ષ 1729માં નાદિર શાહે ઈરાનમાં દામઘાનનું યુદ્ધ જીત્યું અને પર્શિયા પર નિયંત્રણ મેળવી લીધું. ત્યાર પછી તે વર્ષ 1736માં ઈરાનનો રાજા બની ગયો. બે વર્ષ બાદ 1738માં નાદિર શાહ (Nader Shah)એ અફઘાનિસ્તાન પર હુમલો કર્યો અને પહેલા કાબુલ, પછી લાહોર પર કબજો કરી લીધો. બીજી બાજુ, ભારતમાં ઔરંગઝેબના મૃત્યું બાદ મુઘલોની શક્તિ ઘટી રહી હતી. જેને જોઈને નાદિર શાહ ભારત તરફ આગળ વધ્યો અને કરનાલ પાસે મુઘલ સેના સાથે લડ્યો.
3 કલાકમાં સમાપ્ત થઈ ગયું હતું યુદ્ધ
આ યુદ્ધમાં સંખ્યાની વાત કરીએ તો, મુઘલોની સેના વિશાળ હતી. ઈતિહાસકારો આ વિશે લખ્યું છે કે, લગભગ 3 લાખ સૈનિકો અને યુદ્ધમાં લડતા હાથી જે ત્રણ કિ.મી.થી પણ વધારે ક્ષેત્રમાં ફેલાયેલા હતા. જોકે, તેમની પાસે વ્યૂહનીતિ અને સંકલનનો અભાવ હતો. બીજી બાજુ, નાદિર શાહ પાસે માત્ર 50 હજારની સેના હતી, પરંતુ તેમની પાસે તે સમયના આધુનિક હથિયારો અને યુદ્ધનીતિ હતી.
બ્રિટેનિકા મુજબ, નાદિરની સેનાએ મોહમ્મદ શાહની સેનાની નજીક આવવા સુધી રાહ જોઈ. પછી તેમણે આગના ગોળા ફેંકવાના શરૂ કરી દીધા. સામે હાથીઓ સરળ નિશાન હતા. મુઘલોના બે મોટા કમાન્ડર નાદિરની સેના સામે ધ્વસ્ત થઇ ગયા હતા. બે કલાકમાં જ મુઘલ સેના વિખેરાવા લાગી અને ઘણાં સૈનિકો તો યુદ્ધ મેદાન છોડીને ભાગી ગયા હતા. જેના પરિણામે, આ યુદ્ધ માત્ર ત્રણ કલાકમાં જ પતી ગયું હતું. નાદિર શાહની આ જીત પાછળ તેના ‘ઝંબૂરક’ (Zamburak – ઊંટ પર રાખવામાં આવેલી નાની તોપો) નો મોટો ફાળો હતો, જેણે મુઘલ હાથીઓને ભારે નુકસાન પહોંચાડ્યું હતું.
દિલ્હી પહોંચીને કોહિનૂર લૂંટ્યો
કરનાલ જીત્યા બાદ પણ નાદિર શાહ અટક્યો નહીં. તે દિલ્હીની તરફ આગળ વધ્યો અને ખૂબ વિનાશ વેર્યો. તેણે હજારો લોકોની હત્યા, લૂંટફાટ ઉપરાંત જેટલી તબાહી કરી શકતા હતા તેટલી કરી અને છેલ્લે મુઘલ બાદશાહ મોહમ્મદ શાહની ધરપકડ કરી લીધી. ત્યાર પછી નાદિર શાહે કોહિનૂર અને શાહજહાંનું પ્રખ્યાત મોરવાળો સિંહાસન પણ લૂંટી લીધો, જે સોનાથી બનેલો હતો અને તેના પર હીરા લાગેલા હતા.
ઈતિહાસકાર એનબી સેન તેમજ અન્યોએ લખ્યું છે કે, બાબરે આ હીરો શાહજહાંને આપ્યો હતો. પછી તે ઔરંગઝેબ પાસે પહોંચ્યા અને પછી સુલતાન મોહમ્મદ શાહ પાસે. મોહમ્મદ શાહને હરાવીને નાદિર શાહે દિલ્હી લૂંટી હતી અને કોહિનૂર પણ પોતાની સાથે ભારતથી પર્શિયા લઈ ગયો હતો. જોકે, આ યુદ્ધના 8 વર્ષ બાદ નાદિર શાહની હત્યા કરી દેવાઈ હતી.
યુદ્ધની મુઘલ સામ્રાજ્ય પર શું અસર થઈ?
આ વાત સત્ય છે કે, ભારતમાં મુઘલ સામ્રાજ્ય વર્ષ 1707માં ઔરંગઝેબના મોત બાદથી જ કમજોર થવા લાગ્યો હતો, કારણ કે, તેની પછીના મુઘલ શાસકો યુદ્ધથી વધારે વૈભવી જીવન જીવવામાં વ્યસ્ત થઈ ગયા હતા. જોકે, કરનાલના યુદ્ધ પછી મુઘલ સામ્રાજ્ય આર્થિક રીતે પણ નબળું થવા લાગ્યું હતું. આ જ કારણસર કરનાલના યુદ્ધને ભારતમાં મુઘલ શાસનના પતન માટે એક મહત્વની ઘટના ગણવામાં આવે છે.