15,000 કરોડની પૂરક માંગણીઓ સહિતના મુદ્દાઓ પર વિધાનસભામાં તોફાની દિવસ

Spread the love

 

ગુજરાત વિધાનસભામાં બજેટ અને પૂરક બજેટ પર ચર્ચા દરમિયાન સત્તા-વિપક્ષ વચ્ચે તીખી બોલાચાલ, આંકડાકીય પ્રહારો, પોઇન્ટ ઓફ ઓર્ડર, ટકોર અને રાજકીય ટિપ્પણીઓ વચ્ચે દિવસભર ગૃહ ગરમાયું. માર્ગ-મકાન, પીવાનું પાણી, કુદરતી આફત સહાય, કેન્દ્ર સરકારની ફાળવણીમાં ઘટાડો, કુપોષિત બાળકો, MSME, રમતગમત, ગેરકાયદે ખનન સહિતના તમામ મુદ્દાઓ ગૃહમાં ગુંજ્યા. ચૈતર વસાવાએ પૂરક માંગણી ચર્ચામાં જણાવ્યું કે, તેમના વિસ્તારમાં માર્ગ-મકાન વિભાગમાં FCIની પરવાનગીના નામે કામ અટકાવવામાં આવે છે અને વન સંરક્ષણ અધિનિયમ હેઠળ રસ્તા બનાવવાની મંજૂરી આપવામાં આવતી નથી. નાદોદ તાલુકામાં 700 વર્ષથી વસેલું ગામ આજે પણ તૂટેલા રસ્તાથી પરેશાન છે. વરસાદમાં રસ્તો તૂટી ગયો, 4 વર્ષ પહેલા મંજૂરી મળવા છતાં વન વિભાગ કામ કરવાની મંજૂરી આપતું નથી. અંકલેશ્વરથી ડેડીયાપાડા નેશનલ હાઈવે પર કરજણ નદી આગળનો બ્રિજ 8 વર્ષથી બંધ છે, માર્ગ-મકાન વિભાગે બંધ કર્યો છે. નવા બ્રિજને મંજૂરી કે ડાયવર્ઝન આપવા માંગ કરી. તેમજ અન્ય 54 ગામોને પીવાનું પાણી આપવાની જોગવાઈ છે છતાં પાણી મળતું નથી. નર્મદા માટે પૂરક માંગણી આવી છે છતાં તેમના વિસ્તારમાં પાણી મળ્યું નથી.
શૈલેષ પરમારએ કુદરતી આફત સહાય અને કેન્દ્ર સરકારની ફાળવણી મુદ્દે આંકડાકીય વિગતો રજૂ કરી. છેલ્લા ત્રણ વર્ષમાં કુદરતી આફત સમયે ભારત સરકારને કેટલા પત્ર લખાયા તેનો સવાલ. તાઉતે વાવાઝોડા સમયે 3277 કરોડની માંગ સામે 1113 કરોડ મળ્યા. પૂર અને વાવાઝોડા વખતે 11 હજાર કરોડની જાહેરાત. 2023-24માં 25557 કરોડ કેન્દ્રથી મળ્યા. 2024-25માં 14127 કરોડ મળ્યા – 11460 કરોડ ઓછા. NDRF હેઠળ 1553 કરોડની માંગણી કરી પરંતુ હજુ મળ્યા નથી. વિકાસદર 2024-25માં 9.2% થી ઘટીને 2025-26માં 8.3% થયો. સરકાર વધારાનો ખર્ચ અને દેવામાં વધારો કરે છે. તેમણે આક્ષેપ કર્યો કે કેન્દ્ર સરકાર ગુજરાતને સૌથી ઓછી સહાય આપે છે. વિવિધ યોજનાઓ હેઠળની ગ્રાન્ટ પણ ઓછી મળી છે. ગોપાલ ઇટાલિયાએ વિસાવદર તાલુકાના હસનાપુર ગામના ખેડૂતો કમોસમી વરસાદના વળતરથી વંચિત હોવાનું કહ્યું. તમામ ખેડૂતોએ ફોર્મ ભર્યા છતાં સહાય ન મળ્યાનો આક્ષેપ. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા લાવવામાં આવેલી મુખ્યમંત્રી ખેડૂત સહાય યોજના અમલમાં મૂકવાની માંગ કરી. ભાગે ખેતી રાખતા ખેડૂતોને પણ વળતર આપવાની માંગ કરી. વિધાનસભામાં ચર્ચા દરમિયાન માતરના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ “આફતના સમયે અમુક લોકો અવસર જોઈને કૂવાના દેડકાની જેમ બહાર આવે છે” એવો શબ્દપ્રયોગ કર્યો હતો, જેના વિરોધમાં ગોપાલ ઇટાલિયાએ પોઇન્ટ ઓફ ઓર્ડર રજૂ કર્યો, પરંતુ અધ્યક્ષે તે સ્વીકાર્યો નહોતો.
કનુ દેસાઈએ જણાવ્યું કે, વર્ષ દરમિયાન નવી યોજના કે જુની યોજનાને વેગ આપવા પૂરક માંગણી આવે છે. 3.70 લાખ કરોડના બજેટ સામે કુદરતી આફત માટે 19354 કરોડની માંગ (5.22%). આજે 11358.14 કરોડની માંગ કુદરતી આફત માટે.22,53,570 પશુઓને મફત ઘાસ વિતરણ. 5 જિલ્લામાં પાક નુકસાન માટે 565.92 કરોડ વધારાની જરૂર. માવઠા દરમિયાન 10 હજાર કરોડનું કૃષિ રાહત પેકેજ 5700 કરોડ જરૂર. માર્ગ-મકાન વિભાગે 4360.65 કરોડના 2445.45 કિમીના 160 કામ મંજૂર. 2006થી સરકાર ઓવરડ્રાફ્ટમાં ગઈ નથી. ગુજરાતનો GSDP 14.10%. 2025-26માં વિકાસ ખર્ચ 67%, 2026-27માં 64%. તેમણે સભ્યોને કાપ દરખાસ્ત પરત ખેંચવાની વિનંતી કરી. રમણલાલ વોરાએ કહ્યું કે બજેટમાં રકમ ન હોવા છતાં સરકાર ઉદાર મનથી સહાય આપે છે. “દેવું એ જ કરી શકે જેની ભરવાની તાકાત હોય”. કિરીટ પટેલએ રાજ્યમાં કુપોષણની ગંભીર સ્થિતિ તરફ ધ્યાન દોરતાં જણાવ્યું કે, જાન્યુઆરી 2025 સુધી ગુજરાતમાં અંદાજે 5 લાખ કુપોષિત બાળકો છે અને ડાંગ, પંચમહાલ, નર્મદા તથા તાપી જિલ્લાઓમાં પરિસ્થિતિ ચિંતાજનક છે. વર્ષ 2025-26માં કુપોષિત બાળકો માટે 1550.32 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી હોવા છતાં માત્ર 554.42 કરોડનો જ ખર્ચ થયો અને 995.90 કરોડ, એટલે કે 64.23 ટકા રકમ વપરાઈ નહીં હોવાનો તેમણે આક્ષેપ કર્યો. સાથે જ તેમણે MSME અને રમતગમત ક્ષેત્રે પણ સરકારને ઘેરતાં કહ્યું કે, રાજ્યમાં 90 ટકા રોજગારી નાના ઉદ્યોગોમાંથી મળે છે છતાં ઉદગમ પોર્ટલ મુજબ 8789 MSME એકમો બંધ થયા છે, વાઈબ્રન્ટ સમિટમાં થયેલા MOU અંગે પારદર્શિતાનો અભાવ છે અને CAG રિપોર્ટ મુજબ માત્ર 40 ટકા પ્રોજેક્ટ જ અમલમાં આવ્યા છે જ્યારે 60 ટકા બાકી છે. રમતગમત માટે 1500 કરોડની જોગવાઈ હોવા છતાં માત્ર 15 ટકા ખર્ચ થયો, રાજ્યની 40 ટકા શાળાઓમાં મેદાન નથી, અમદાવાદમાં ઓલિમ્પિક માટે 500 કરોડ ખર્ચાયા છતાં ગ્રામ્ય ખેલાડીઓને સુવિધા મળતી નથી અને અન્ય રાજ્યોની સરખામણીએ સ્ટાઈપેન્ડ પણ ઓછું આપવામાં આવે છે.
વિધાનસભામાં વિરામ પડતા જ ગૃહનું દૃશ્ય થોડી ક્ષણ માટે જાણે સોશિયલ મીડિયા સ્ટુડિયો બની ગયું હોય એમ લાગ્યું. કેટલાક મહિલા ધારાસભ્યો ફોટોગ્રાફી અને વીડિયો બનાવતા નજરે પડ્યા, જેમાં ભાનુબેન બાબરીયા, મનીષાબેન વકીલ અને સંગીતાબેન પાટીલ રીલ બનાવતા હોવાની ચર્ચાએ ગૃહના કોરિડોરમાં ગોસીપ થઈ. આ દૃશ્યો લાઈવ ટીવી પર પણ દેખાતા હોવાનું કહેવામાં આવ્યું. જોકે બેઠક ફરી શરૂ થાય તે પહેલાં અધ્યક્ષે સભ્યોને કડક શબ્દોમાં યાદ અપાવ્યું કે ગૃહની કાર્યવાહી મોબાઈલમાં રેકોર્ડ કરવી નહીં અને તેને સોશિયલ મીડિયા પર અપલોડ પણ ન કરવી. ત્યારબાદ ગૃહમાં ફરી સંયમનું વાતાવરણ જોવા મળ્યું.
પૂરક માંગણીઓની ચર્ચા વચ્ચે નેતાઓ સુઈ ગયાઃનાણા મંત્રી કનુ દેસાઈ પૂરક માંગણીઓ પર વિસ્તૃત જવાબ આપી રહ્યા હતા, ત્યારે ગૃહમાં બીજી જ ચર્ચા ચાલી. કહેવાય છે કે ધારાસભ્યો અમિત ઠાકર, અમિત શાહ અને જીતુ પટેલ બેઠક દરમિયાન ઊંઘતા દેખાયા હોવાની વાતો કોરિડોરમાં ફેલાઈ ગઈ. કનુભાઈના લાંબા સંબોધન દરમિયાન આ દ્રશ્યો નજરે પડ્યા હોવાની ચર્ચાએ રાજકીય ગપસપને વધુ રંગ આપ્યો.
લવિંગજી ઠાકોરનો ટેબલેટ કિસ્સોઃલવિંગજી ઠાકોર ભાષણ શરૂ કરતાં પહેલા ટેબલેટમાં સ્પીચ ખુલતી ન હોવાથી થોડી વાર મથામણ કરી. “નોધારાના આધાર અને ગરીબોના બેલી ભાજપ સરકાર” બોલતાં ગૃહમાં વાહ-વાહનું વાતાવરણ સર્જાયું. અધ્યક્ષે કહ્યું – “હવે તમારી પાસે 2 મિનિટ.” પ્રવીણ માળીએ કહ્યું “ચાલુ રાખો”.
શૈલેષ પરમારે અધ્યક્ષને રજુઆત કરતાં કહ્યું કે, ગૃહના પ્રથમ દિવસે રાજ્યપાલને આમંત્રિત કરવામાં આવ્યા હતા ત્યારે તેમના સ્વાગત માટે ભાજપના પ્રદેશ અધ્યક્ષ પણ આવ્યા હતા અને તેમને ચેર સુધી લઈ ગયા હતા તો ગૃહની પ્રણાલી મુજબ વિપક્ષમાંથી પણ અમિત ચાવડા કે તુષાર ચૌધરીને પણ અધ્યક્ષ દ્વારા આમંત્રિત કરવા જોઈએ અને અધ્યક્ષનો બચાવ કરતાં રમણલાલા વોરાએ જણાવ્યું કે, હું શૈલેષભાઈની વાત સાથે સહમત છું વિપક્ષને આમંત્રિત કરવાની પ્રણાલી છે પરંતુ ભાજપના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અને રાજ્યપાલના અંગત સબંધોને લઈને તેઓ ગયા હતા, જ્યારે અધ્યક્ષએ કહ્યું કે, મેં માત્ર મુખ્યમંત્રીને આમંત્રિત કર્યા હતા ભાજપના અધ્યક્ષને આમંત્રણ આપ્યું ન હતું પરંતુ તેઓ સ્વૈચ્છાએ આવ્યા તો હું ના કહી શકુ નહીં વિપક્ષમાંથી પણ કોઈ આવ્યું હોત તો ગૃહને વાંધો ન હતો. આ ચર્ચા ગૃહમાં 14 મીનિટ સુધી ચાલી.

આર્સેલર મિત્તલને દંડ
ArcelorMittal Steel Indiaને હજીરા ખાતે જમીન દબાણ મામલે 106.82 કરોડ દંડ. 391 વિઘા અને 487 વિઘાના ટુકડામાં દબાણ. જમીન ખાલી કરાવવા કાર્યવાહી ચાલુ.

અંતે કાપ દરખાસ્ત પરત
શૈલેષ પરમાર, ઉમેશ મકવાણા અને ચૈતર વસાવાએ ખાતરી બાદ કાપ દરખાસ્ત પરત ખેંચી. અધ્યક્ષે મતપ્રસ્તાવ મૂકતા સર્વાનુમતે મંજૂર.

ગેરકાયદે ખનન આંકડાઃ
8 જિલ્લામાં 392 ફરિયાદ, 256 વાહન કબ્જે, 3158.65 લાખ દંડ. પંચમહાલમાં 5.12 લાખ મેટ્રિક ટન જપ્તી. અરવલ્લીમાં 1 લીઝ રદ.

આ રીતે પૂરક માંગણીઓની ચર્ચા અને પ્રશ્નોત્તરી માત્ર આંકડા સુધી મર્યાદિત ન રહી, પરંતુ ગ્રામ વિકાસ, ખેડૂત, પાણી, ઉદ્યોગ, કુપોષણ, ગેરકાયદે ખનન અને રાજ્ય-કેન્દ્ર સંબંધોની રાજકીય લડત સુધી પહોચી. ગૃહમાં રાજકીય તાપમાન ઊંચું રહ્યું, તો બીજી તરફ મોબાઈલ રેકોર્ડિંગ અને સભ્યો ઊંઘતા હોવાના દ્રશ્યો ચર્ચાનો વિષય બન્યા.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *