
ગાંધીનગરના ધણપ પિયરમાં રહેતી અમદાવાદની પરિણીતાને દહેજ ભૂખ્યા સાસરિયાંએ પરાણે ગર્ભપાત કરાવી અસહ્ય શારીરિક માનસિક ત્રાસ આપવામાં આવતા મહિલા પોલીસ મથકે પતિ, સાસુ સહિત સાત સાસરિયાં વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
પરિણીતાને પ્રેગ્નન્સી નથી કહી જબરદસ્તીથી ગોળીઓ ગળાવી દીધીઃ ગાંધીનગરના ધણપ ખાતે પિયરમાં રહેતી 36 વર્ષીય મહિલાએ ફરિયાદમાં આક્ષેપ કર્યો છે કે, લગ્નના 15 વર્ષ દરમિયાન સાસરિયાંઓએ દહેજની ભૂખ સંતોષવા માટે તેને નરક જેવી યાતનાઓ આપી છે. મહિલાનો આક્ષેપ છે કે, વર્ષ 2014માં ગર્ભવતી હતી ત્યારે પતિ વનરાજસિંહ દેવુસિંહ ચાવડા (રહે.ભોગીલાલની ચાલી, અમદાવાદ) અને સાસુએ તેને પ્રેગ્નન્સી નથી તેમ કહી જબરદસ્તીથી ગોળીઓ ગળાવી દીધી હતી. જેથી તબિયત બગડતા તેને હોસ્પિટલ લઈ જવામાં આવતા સાસુએ ધમકી આપી હતી કે જો દવા નહીં ગળે તો હાથપગ બાંધીને ગર્ભપાત કરાવીશું. આખરે એક ષડયંત્ર રચીને ઈચ્છા વિરુદ્ધ ગર્ભપાત કરાવી નાખતા પરિણીતાનું માતૃત્વ છીનવાઈ ગયું હતું.
પરિણીતા ના પાડે તો પતિ તેને હેલ્મેટથી ઢોર માર મારતોઃ વધુમાં પરણિતાનો દાવો છે કે, લગ્ન બાદથી જ પતિ, સાસુ અને ત્રણ નણંદો દ્વારા તું પિયરથી કંઈ લાવી નથી તેમ કહીને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. નણંદો દ્વારા અવારનવાર સોનાના દાગીના લઈ લેવા અને પિતાની જમીન વેચીને રોકડ રકમ લાવવા માટે દબાણ કરવામાં આવતું હતું. જો પરિણીતા ના પાડે તો પતિ તેને હેલ્મેટથી અને ઢોર માર મારતા હતા.
સાસરિયાંઓ વિરુદ્ધ દહેજ પ્રતિબંધક અધિનિયમ સહિતની કલમો હેઠળ ગુનોઃ વધુમાં ફરિયાદમાં એવો પણ આક્ષેપ છે કે, સાસરિયાંઓ દ્વારા પતિને દારૂ પીવા માટે ઉશ્કેરવામાં આવતો હતો. તહેવારોમાં સ્પેશિયલ દારૂ પીવા બોલાવીને પતિ-પત્ની વચ્ચે ઝઘડા કરાવાતા હતા. એટલું જ નહીં પિયરથી લાવેલા પલંગ પર સાસુ અને નણંદ સુતા અને પરિણીતાને 5 વર્ષ સુધી ગટરવાળા રૂમમાં નીચે સુવા માટે મજબૂર કરવામાં આવી હતી. આ મામલે ગાંધીનગર મહિલા પોલીસે પતિ વનરાજસિંહ દેવુંસિંહ ચાવડા, સાસુ સહિત 7 સાસરિયાંઓ વિરુદ્ધ દહેજ પ્રતિબંધક અધિનિયમ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.