ભરતી વગર ટેકનિકલ શાખાઓ ધીમે ધીમે નિષ્ક્રિય, સરકારની કાર્યશૈલી પર ઉઠ્યા સવાલ

Spread the love

 

રાજ્ય વિધાનસભામાં સત્ર ચાલી રહ્યું છે અને 25 માર્ચ સુધી કાર્યવાહી નિર્ધારિત છે, ત્યારે અંદરની ટેકનિકલ શાખાઓની હાલત ચિંતાજનક બની છે. વિધાનસભામાં મુખ્યત્વે ચારથી પાંચ ટેકનિકલ શાખાઓ કાર્યરત છે—રિપોર્ટિંગ (સ્ટેનો ગ્રેડ-1), સંશોધન, ભાષાંતર, ગ્રંથાલય અને સંસદીય બ્યુરો—પરંતુ મોટા પાયે જગ્યાઓ ખાલી હોવા છતાં ભરતી પ્રક્રિયા હાથ ધરાતી નથી. રિપોર્ટિંગ શાખા વિધાનસભાની કાર્યવાહીનું સચોટ અને અધિકૃત દસ્તાવેજીકરણ કરતી મુખ્ય શાખા છે. સ્ટેનો ગ્રેડ-1 કર્મચારીઓ દ્વારા સત્ર દરમિયાન બોલાયેલા દરેક શબ્દનું રેકોર્ડિંગ અને રિપોર્ટિંગ થાય છે. હાલ અહીં ઘણી જગ્યાઓ ખાલી પડી છે, છતાં લાંબા સમયથી નવી ભરતી કરવામાં આવી નથી. પરિણામે કામનો બોજ વર્તમાન કર્મચારીઓ પર વધી રહ્યો છે. સંશોધન શાખાનું કાર્ય ધારાસભ્યોને પ્રશ્નોત્તરી, ચર્ચા અને કાયદાકીય મુદ્દાઓ માટે જરૂરી માહિતી શોધીને પૂરી પાડવાનું છે. નિષ્ણાત કર્મચારીઓ રિટાયર થતા તેમની જગ્યાએ ભરતી કરવાને બદલે શાખાને જ લગભગ બંધ જેવી સ્થિતિમાં મૂકવામાં આવી હોવાનું સૂત્રો જણાવે છે. આથી ધારાસભ્યોને ત્વરિત અને ગુણવત્તાસભર માહિતી મેળવવામાં મુશ્કેલીઓ ઊભી થવાની શક્યતા છે.
અંગ્રેજીમાંથી ગુજરાતી ભાષાંતર કરતી શાખા પણ ગંભીર સંકટમાંથી પસાર થઈ રહી છે. કુલ પાંચમાંથી ચાર જગ્યાઓ ખાલી છે. હાલ માત્ર એક કર્મચારી કાર્યરત છે અને તે પણ નિવૃત્તિની નજીક હોવાનું જાણવા મળે છે. જો છેલ્લો કર્મચારી પણ રિટાયર થશે તો ભાષાંતર શાખા સંપૂર્ણપણે બંધ થવાની ભીતિ છે. વિધાનસભાની ગ્રંથાલય શાખા હાલ ચાલુ છે, પરંતુ અહીં પણ લાંબા સમયથી ભરતી થઈ નથી. ગ્રંથાલય ધારાસભ્યો માટે માહિતી અને સંદર્ભ સામગ્રીનું મહત્વપૂર્ણ કેન્દ્ર છે, છતાં માનવબળની અછત સ્પષ્ટ દેખાઈ રહી છે. સંસદીય બ્યુરો શાખામાં પણ નિયમિત ભરતીને બદલે વહીવટી કેડરના કર્મચારીઓને મૂકીને કામ ચલાવાતું હોવાનું સામે આવ્યું છે. નિષ્ણાત ટેકનિકલ સ્ટાફના અભાવે કાર્યક્ષમતા અને ગુણવત્તા પર અસર થવાની શક્યતા નકારી શકાય નહીં.
વિધાનસભાની કાર્યક્ષમતા પર શું અસર?
વિધાનસભા રાજ્યની સર્વોચ્ચ લોકતંત્રની સંસ્થા છે. અહીંની ટેકનિકલ શાખાઓ માત્ર વહીવટી નહીં, પરંતુ ધારાસભ્યોના કાર્યને મજબૂત બનાવતી આધારશિલા છે. રિપોર્ટિંગમાં ખાલી જગ્યાઓ રહેશે તો કાર્યવાહીનું સચોટ દસ્તાવેજીકરણ પ્રભાવિત થઈ શકે.સંશોધન શાખા નબળી પડશે તો ધારાસભ્યોની તૈયારી અને ચર્ચાની ગુણવત્તા ઘટી શકે. ભાષાંતર શાખા બંધ થવાની સ્થિતિમાં દ્વિભાષીય દસ્તાવેજીકરણ મુશ્કેલ બનશે. હાલ સત્ર 25 માર્ચ સુધી ચાલવાનું હોવાથી તાત્કાલિક ભરતી કે આંતરિક વ્યવસ્થા અંગે નિર્ણય લેવાય છે કે નહીં તે જોવાનું રહેશે. પ્રશ્ન એ ઊભો થાય છે કે લોકશાહીનું કેન્દ્ર ગણાતી વિધાનસભાની ટેકનિકલ શાખાઓને મજબૂત બનાવવા માટે સરકાર ક્યારે પગલાં ભરશે?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *