
પાટનગર ગાંધીનગરમાં આજે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. સેક્ટર-26 ઓવરબ્રિજ નીચેથી પસાર થતા રેલવે ટ્રેક પર હરિદ્વાર તરફ જતી ટ્રેનની અડફેટે યુવતીનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. કેડી હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતા ગોમતીબેન દવા લેવાનું કહીને ઘરેથી નીકળ્યા બાદ ટ્રેનની અડફેટે મોતને ભેટ્યા હતા. આ ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં ભારે અરેરાટી ફેલાઈ ગઈ છે. પ્રાપ્ત વિગતો મુજબ, સેક્ટર-26 ઓવરબ્રિજ નીચેથી પસાર થતા રેલવે ટ્રેક પર હરિદ્વાર તરફ જતી ટ્રેનની અડફેટે આવતા એક અજાણી યુવતીનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. રેલવે ટ્રેક પર જ્યારે આ અકસ્માત સર્જાયો ત્યારે નજીકમાં જ આવેલી સરકારી પોલિટેકનિક કોલેજના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતા જ સેક્ટર-21 પોલીસ મથકની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી.આ કેસની તપાસ કરી રહેલા ASI દશરથભાઈએ જણાવ્યું હતું કે, અજાણી યુવતીની ઓળખ થઈ ચૂકી છે. સેક્ટર 3 એ પ્લોટ નંબર 1220/2 બેમાં રહેતા 25 વર્ષ વર્ષીય ગોમતીબેન જયરામ સંઘ ચૌધરીના સાતેક વર્ષ અગાઉ લગ્ન થયા હતા. તેમના પતિ BMS ડોકટર છે. જેઓ મૂળ સુઈના ભરડવા ગામના વતની છે. આજે સવારે 25 વર્ષીય ગોમતીબેન ઘરેથી દવા લેવાનું કહીને નીકળ્યા હતા. દરમિયાન ઉક્ત સ્થળે ટ્રેનની અડફેટે મોતને ભેટ્યા હતા. આ જાણીને તેમના પતિ સ્થળ પર દોડી આવ્યા હતા. કેમકે ગોમતીબેન ફોન પણ રીસીવ કરી રહ્યા ન હતા. ગોમતીબેન કેડી હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતા હતા. હાલમાં પતિની વધુ પૂછતાછ થઈ શકી નથી.જ્યારે પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી ચાલી રહી છે .