RSSના કાર્યક્રમનો વિરોધ કરનારા વિદ્યાર્થીઓનું એડમિશન રદ થશે

Spread the love

ગત 23 ફેબ્રુઆરી, 2026એ ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં આવેલા અટલ કલામ સેન્ટરમાં કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ NSUI દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. અટલ કલામ સેન્ટરમાં ભારત શોધ સંસ્થાન અને ભારતીય વિચાર મંચના સહયોગથી પ્રમાણભૂત સંશોધન દસ્તાવેજોના પેનલની એક પ્રદર્શની મૂકવામાં આવી હતી. જેનો વિરોધ દર્શાવી NSUIના કાર્યકર્તાઓએ અટલ કલામ સેન્ટરમાં પોસ્ટર ફાડ્યા હતા. જેથી ગુજરાત યુનિવર્સિટીએ NSUIના કાર્યકર્તાઓ સામે પોલીસ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે. તેમજ તોડફોડ કરનારા NSUIના કાર્યકર્તાઓની કેમ્પસમાં પ્રવેશબંધી અને એડમિશન રદ કરવાની કુલપતિએ સૂચના આપી છે.RSSના પ્રભાવથી વિદ્યાર્થીઓને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનો NSUIએ આક્ષેપ કર્યો હતો. જેને લઈને પોસ્ટર ફાડી વિરોધ નોંધાવતા પોલીસે અટકાયત પણ કરી હતી. પોસ્ટર ફાડી વિરોધ નોંધાવતા ગુજરાત યુનિવર્સિટીએ જ પોલીસ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે. વિરોધ પ્રદર્શનમાં દેખાતા અને તપાસમાં મળી આવતા તમામ લોકોને ગુજરાત યુનિવર્સિટીમાં પ્રવેશબંધીનો કુલપતિ દ્વારા આદેશ કરવામાં આવ્યો છે. તેમજ તમામ વિદ્યાર્થીઓનું એડમિશન રદ કરવાનો કુલપતિ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે.
ગુજરાત યુનિવર્સિટીએ એક પત્ર પણ જાહેર કર્યો છે. જેમાં લખ્યું છે કે ગત 23 તારીખે અટલ કલામ ખાતે ભારત માતા, ડૉ. બાબા સાહેબ આંબેડકર, મહાત્મા ગાંધી, સરદાર પટેલ તેમજ વીર સાવરકર વગેરે ભારતના વીર પુરુષોની પ્રદર્શની હતી. આ ઘટનાથી વીર પુરુષોનું અપમાન તથા હિન્દુઓની લાગણી દુભાય તેવી ઘટના હોવાથી તાકીદે વિરોધમાં સંડોવાયેલા તમામની અટકાયત સહિત જે પણ ગુનાનું આચરણ કરવામાં આવ્યું હોય તે તમામ સામે કડક કાર્યવાહી કરવા પણ કુલપતિએ જણાવ્યું છે.
ચિરાગ દરજી, નારાયણ ભરવાડ, યશરાજસિંહ ખેર, શિવરાજસિંહ બારડ, સંજય સોલંકી, મીત પનારા, કશિશ ડામોર, હર્ષ ચૌહાણ, પૃથ્વી દેસાઈ સહિત તપાસમાં મળી આવે એવા તમામ વિદ્યાર્થીઓને ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં પ્રવેશબંધીનો નિર્ણય ગુજરાત યુનિવર્સિટીએ લીધો છે. તેમજ હવે ગુજરાત યુનિવર્સિટીમાં આઇડેન્ટિકાર્ડ ચેક કર્યા સિવાય કોઈને પણ પ્રવેશ આપવામાં આવશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *