ભારતીયોને હાંકી કાઢવા માટે હવે ઓસ્ટ્રેલિયન કટ્ટરપંથી ઝુંબેશ

Spread the love

 

ગયા વર્ષના ડિસેમ્બરમાં ન્યૂઝીલેન્ડમાં ઓકલેન્ડમાં સ્થાનિક લોકોએ શીખો રસ્તા પર ફરીને નગર કીર્તન કરે તેનો વિરોધ કર્યો એ ઘટનાએ ભારે ચર્ચા જગાવી હતી. શીખોને કીર્તનનો સંકેલો કરી લેવો પડ્યો હતો. ઓકલેન્ડની ઘટનાની પાછળ ડેસ્ટિની ચર્ચ નામનું સંગઠન હતું અને ‘અપોસ્ટલ બિશપ’ બ્રાયન તામાકી તેના પ્રમુખ છે. છે. તામાકી સહિતના નેતાઓએ ખુલ્લી ધમકી આપેલી કે, ભારતીયો આ રીતે ધાર્મિક સરઘસો કાઢીને લોકોને પરેશાન કરે એવું નહીં ચાલે ને ન્યૂ ઝીલેન્ડને ભારત નહીં બનવા દેવાય.

ભારતીયોનાં લખ્ખણ નહીં બદલાય તો તેમને દેશ છોડીને જવાની ફરજ પડાશે.

આ ઘટનાના કારણે સવાલ પણ ઊભો થયો હતો કે, દુનિયાના બીજા દેશોમાં ભારતીયો અળખામણા બની રહ્યા છે કે શું? હવે ઓસ્ટ્રેલિયામાં આ પ્રકારની જ ઘટના બની છે. બલ્કે ન્યૂ ઝીલેન્ડ કરતાં પણ વધારે ગંભીર ઘટના બની છે કેમ કે ઓસ્ટ્રેલિયાના કટ્ટરપંથી નેતા થોમસ સેવેલે ખુલ્લી ધમકી આપી છે કે, ભારતીયો દેશ છોડીને જતા રહે. નહિતર તેમની હાલત બગડી જશે. સેવેલના કહેવા પ્રમાણે ઓસ્ટ્રેલિયા ફક્ત ગોરાઓનો દેશ છે અને અમે નથી ઈચ્છતા કે ઓસ્ટ્રેલિયા ભારત અને સુદાન બને. સેવેલે ભારતીયોને નીચ લોકો ગણાવીને ભયંકર ઝેર ઓક્યું છે.

સેવેલના કહેવા પ્રમાણે, ઓસ્ટ્રેલિયા ધડાધડ ભારતીયો અને ખાસ કરીને પંજાબીઓને વિઝા આપી રહ્યું છે તેના કારણે ઓસ્ટ્રેલિયામાં ભારતીયોનો ખડકલો થઈ રહ્યો છે. ભારતીયોના કારણે આપણા દેશની ઓળખ જ ખતમ થઈ જશે. સેવેલના કહેવા પ્રમાણે, ઓસ્ટ્રેલિયામાં પંજાબી 10મી સૌથી વધુ બોલાતી ભાષા બની ગઈ છે ને ભારતીયોને રોકવામાં નહીં આવે તો ભવિષ્યમાં અડધું ઓસ્ટ્રેલિયા પંજાબી બોલતું હશે. સેવેલે ઓસ્ટ્રેલિયામાંથી ભારત સહિતના દેશોનાં લોકોને તગેડી મૂકીને માત્ર ને માત્ર ગોરાઓને વસાવવાની તરફેણ પણ કરી છે. જો કે ઓસ્ટ્રેલિયન સરકારે ભારતીયોને સુરક્ષાની ખાતરી આપી છે, પણ એનાથી બહુ ફેર નહીં પડે. રસપ્રદ વાત એ છે કે, સેવેલ પોતે મૂળ ઓસ્ટ્રેલિયન નથી શ નથી પણ ન્યૂ ઝીલેન્ડમાં જન્મેલો છે.

આ કારણે જ ઓસ્ટ્રેલિયનોના બદલે ગોરાઓનો ઝંડો લઈને ઊભો થઈ ગયો છે. ઓસ્ટ્રેલિયામાં ફક્ત ગોરા જ રહેવા જોઈએ એવો લવારો કર્યા કરે છે. સેવેલનું સંગઠન 2020માં સ્થપાયેલું. સેવેલ પહેલેથી સંગઠનમાં છે અને હિંસક હુમલા, નફરત ફેલાવતાં ભાષણો અને શાંતિ ડહોળવાના કેસોમાં વારંવાર જેલ જઈ ચૂક્યો છે. સેવેલ ખુલ્લેઆમ હિટલરના વખાણ કરે છે અને સરકારના વિરોધમાં હિટલરના ઝંડા લહેરાવે છે. મીડિયા સેવેલને બહુ ગંભીરતાથી નથી લેતું તેથી સેવેલ મીડિયાને પણ ટાર્ગેટ કરતો રહે છે. ઓસ્ટ્રેલિયાનું મીડિયા સરકારનું પાલતુ હોવાનો ખુલ્લેઆમ આક્ષેપ કરનારા સેવેલે 2021માં મેલબોર્નમાં ચેનલ 9ની ઓફિસ બહાર ભારે ધમાલ કરી હતી અને એને રોકનારા સિક્યોરિટી ગાર્ડને ફટકાર્યો હતો. તેનો વીડિયો વાઈરલ થતાં તેને ઉઠાવીને જેલમાં ધકેલી દેવાયો હતો.

જેલમાંથી બહાર આવ્યા પછી થોડો સમય સેવેલ શાંત રહ્યો હતો પણ છેલ્લાં બે વર્ષથી તેણે ફરી ભારે ઉપાડો લીધો છે. 2025માં સેવેલે પોતાના સમર્થકો સાથે મળીને વિદેશીઓના કેમ્પ પર હુમલો કર્યો હતો. આ હુમલા બદલ સેવેલ સામે રમખાણો, હુમલા અને ચોરી સહિત લગભગ 25 કેસ નોંધવામાં આવ્યા હતા. સેવેલે એ પછી વિક્ટોરિયા સ્ટેટનાં પ્રીમિયર જેસિન્ટા એલનની લાઇવ પ્રેસ કોન્ફરન્સમાં ઘૂસીને તોડફોડ કરી ચહતી અને જેસિન્ટા એલનને ગાળો આપી હતી. આ ઘટના પછી સેવેલના સંગઠન પર પ્રતિબંધ મૂકી દેવાયો અને ઓસ્ટ્રેલિયાની બેંકોએ સેવેલ અને તેની સંસ્થાના ખાતા ફ્રીઝ કરી દીધાં પણ ઓસ્ટ્રેલિયામાં સેવેલની વિચારધારાને માનનારો વર્ગ મદદ કર્યા કરે છે તેથી સેવેલની દુકાન ચાલ્યા કરે છે.

સેવેલ લાંબા સમયથી સક્રિય છે તેથી ઓસ્ટ્રેલિયામાં રહેતા ભારતીયોને તેનાં લખ્ખણની ખબર જ હશે તેથી વધારે કહેવાની જરૂૂર નથી પણ આ ઘટનાને ભારતીયોએ પણ ગંભીરતાથી લેવી જરૂૂરી છે. અમેરિકા સહિતના ગોરાઓના ઘણા દેશોમાં સેવેલ જેવા ભારતીય વિરોધી માહોલ પેદા કરનારા નમૂના સક્રિય છે. તેમને એમ જ લાગે છે કે, ભારતીયો અહીં આવીને બધું કબજે કરી રહ્યા છે. એ લોકો આ ઝેર બીજાંના માનસમાં ભરવા માટે મથે જ છે ને તેમાં તેમને સફળતા પણ મળી રહી છે. એ જોતાં ભવિષ્યમાં આ બધા દેશોમાં માહોલ ખરાબ થશે તેથી ભારતીયો વિદેશનો મોહ છોડે એ જરૂૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *