સાયબર ફ્રોડના નાણા સગેવગે કરવા માટે ભાડે રાખેલા બેંક એકાઉન્ટ્સ પૂરા પાડતી એક ગેંગને અલથાણ પોલીસે ઝડપી પાડી છે. આ નેટવર્ક સુરતથી શરૂ થઈ રાજસ્થાનના અજમેર અને સરહદ પાર દુબઈ સુધી ફેલાયેલું હતું. આ કેસમાં કાપડ વેપારી, રત્નકલાકાર, ક્યું આર કોડ એક્સપર્ટ શામેલ છે. પોલીસે 5 રીઢા ગુનેગારોને દબોચી લીધા છે. આ ટોળકી સુરતના નિર્દોષ લોકોને લાલચ આપી તેમના દસ્તાવેજો પર એકાઉન્ટ ખોલાવતી અને તેની કીટ દુબઈમાં બેઠેલા સાયબર માફિયાઓને ઓપરેટ કરવા મોકલી આપતી હતી.
આ ગેંગને પકડી પાડવા પોલીસે ‘ડમી પાર્સલ’ મોકલી અજમેરમાં ફિલ્મી ઢબે રેડ કરી દબોચી લીધા હતાં.
‘સાયકોલોજી ઓફ મની’ અને ‘રામાયણ’ના પુસ્તકમાં સંતાડતા ATM પોલીસ તપાસમાં એક અત્યંત ચોંકાવનારી બાબત સામે આવી છે. આરોપીઓ પાસેથી બે પુસ્તકો મળી આવ્યા છે, જેમાં એક અંગ્રેજીમાં ‘સાયકોલોજી ઓફ મની’ અને બીજું ગુજરાતીમાં ‘રામાયણમાં સંસ્કૃતિનો સંદેશ’ છે. આ આરોપીઓ આ બંને પુસ્તકોનો ઉપયોગ જ્ઞાન મેળવવા નહીં, પરંતુ ગુનાઈત પુરાવા સાચવવા કરતા હતા. જે એટીએમ (ATM) કાર્ડનો વપરાશ થઈ ગયો હોય અથવા બ્લોક થઈ ગયા હોય, તેને આ પુસ્તકોની અંદર ચોંટાડીને રાખતા હતા, જેથી તેમને ખ્યાલ રહે કે હવે આ કાર્ડ કામના નથી. ધાર્મિક અને આર્થિક જ્ઞાન આપતા પુસ્તકોનો આવો દુરુપયોગ જોઈ પોલીસ પણ સ્તબ્ધ થઈ ગઈ હતી.
સુરતથી અજમેર અને વાયા અજમેરથી દુબઈનું કનેક્શન પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, સુરતમાં તૈયાર થયેલી બેંક કીટો (પાસબુક, એટીએમ, સીમકાર્ડ) તિરુપતિ કુરિયર મારફતે રાજસ્થાનના અજમેર મોકલવામાં આવતી હતી. અજમેરમાં જનાના હોસ્પિટલ પાસે ભાડાના મકાનમાં રહેતા સાગરીતો આ પાર્સલ મેળવતા હતા. અહીંથી આ ડેટા અને કીટોનો ઉપયોગ સાયબર ફ્રોડ માટે કરવામાં આવતો હતો. તપાસમાં એવું પણ ખૂલ્યું છે કે, આ ગેંગના તાર દુબઈ સાથે પણ જોડાયેલા છે, જ્યાં બેસીને મુખ્ય સાયબર માફિયાઓ આ એકાઉન્ટ્સ ઓપરેટ કરી કરોડો રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કરતા હતા.
મુખ્ય સૂત્રધાર ભાવિક અને લાજપોર જેલના આરોપીઓની ભૂમિકા આ સમગ્ર રેકેટમાં ભાવિક ઉર્ફે પ્રિન્સ શ્રીવાસ્તવ મુખ્ય કડી સાબિત થયો છે. ભાવિકે પોલીસ પૂછપરછમાં કબૂલાત કરી હતી કે, રવિ ગાબાણી અને તરુણ રાઠોડ નામના બે શખસ તેને બેંક એકાઉન્ટની કીટો પૂરી પાડતા હતા. નોંધનીય છે કે, રવિ અને તરુણ હાલમાં અન્ય ગુનામાં લાજપોર જેલમાં બંધ છે, જેમને પોલીસે ટ્રાન્સફર વોરંટથી કસ્ટડીમાં લઈ પૂછપરછ હાથ ધરી છે. આ આરોપીઓ જ પાયાના સ્તરે એકાઉન્ટ્સ એકત્ર કરવાનું કામ કરતા હતા.
પોલીસે ‘ડમી પાર્સલ’ મોકલી અજમેરમાં ફિલ્મી ઢબે રેડ કરી અલથાણ પોલીસની ટીમે આ ગેંગને પકડવા માટે એક ખાસ પ્લાન બનાવ્યો હતો. ભાવિક પાસેથી મળેલી માહિતીના આધારે પોલીસે એક ‘ડમી પાર્સલ’ તૈયાર કર્યું અને તેને અજમેરના એડ્રેસ પર કુરિયર કર્યું. જ્યારે અજમેરમાં સુરેન્દ્ર ઉર્ફે બાલકિશન આ પાર્સલ લેવા આવ્યો, ત્યારે પહેલેથી જ ગોઠવાયેલી સુરત પોલીસની ટીમે તેને ઝડપી પાડ્યો હતો. ત્યારબાદ તેના ભાડે રાખેલા મકાન પર દરોડા પાડતા અન્ય એક સાગરીત ગોવિંદ પણ પકડાઈ ગયો હતો.
તપાસમાં ચોંકાવનારો આંકડો: 11 કરોડના ટ્રાન્ઝેક્શન મળ્યા પોલીસે જ્યારે પકડાયેલા આરોપીઓના બેંક સ્ટેટમેન્ટ્સની તપાસ કરી ત્યારે અધિકારીઓ પણ ચોંકી ગયા હતા. અત્યાર સુધીમાં માત્ર 35 બેંક એકાઉન્ટ્સના સ્ટેટમેન્ટ ચેક કરવામાં આવ્યા છે, જેમાં કુલ 11 કરોડ રૂપિયાના ટ્રાન્ઝેક્શન મળી આવ્યા છે. પોલીસને આશંકા છે કે હજુ પણ સેંકડો એકાઉન્ટ્સ આવા હોઈ શકે છે અને ફ્રોડનો આ આંકડો આવનારા દિવસોમાં ઘણો વધી શકે છે.
ઝડપાયેલા આરોપીઓ પોલીસે આ કેસમાં જે પાંચ શખ્સોની ધરપકડ કરી છે, જેમાં ભાવિક ઉર્ફે પ્રિન્સ (ક્યુઆર કોડ એક્સપર્ટ), રવિ ગાબાણી (હીરા કારીગર), તરુણ રાઠોડ (કાપડ વેપારી) તેમજ રાજસ્થાનના સુરેન્દ્ર ઉર્ફે બાલકિશન અને ગોવિંદ સિદ્ધનો સમાવેશ થાય છે. ભાવિક ઉર્ફે પ્રિન્સ શ્રીવાસ્તવ (ઉ.વ.29)સુરતના કતારગામનો રહેવાસી અને ક્યુઆર કોડ બનાવવાનું કામ કરતો હતો. તે કુરિયર દ્વારા ડેટા અજમેર મોકલવાનું કામ કરતો હતો. રવિ ગાબાણી (ઉં.વ.41) સિંગણપોર રોડનો રહેવાસી અને હીરા કારીગર. તે 10 જેટલા એકાઉન્ટ કીટ મેનેજ કરી ભાવિકને આપતો હતો. તરુણ રાઠોડ (ઉં.વ.44) સિંગણપોર રોડનો કાપડનો વેપારી છે, તે પણ બેંક એકાઉન્ટ્સની ગોઠવણમાં રવિ સાથે સામેલ હતો. સુરેન્દ્ર ઉર્ફે બાલકિશન ગૌડ (ઉં.વ.25) રાજસ્થાનના બિકાનેરનો વતની છે અને અજમેરમાં રહીને પાર્સલ રિસીવ કરતો અને સાયકોલોજીના પુસ્તકમાં ATM સાચવતો હતો. ગોવિંદ ઓમનાથ સિદ્ધ (ઉં.વ.21) બિકાનેરનો વતની અને અજમેરમાં ભાડાના મકાનમાં રહીને સાયબર ફ્રોડના સાધનો સાચવતો હતો.