
મહેસાણા આર.ટી.ઓ. કચેરીના અધિકારીઓ દ્વારા વાહન ચેકિંગ દરમિયાન એક લક્ઝરી બસમાં આચરવામાં આવેલી ગેરરીતિ પકડી પાડવામાં આવી છે. રાજસ્થાન પાસિંગની એક લક્ઝરી બસના માલિકે સરકારને ભરવાનો થતો ટેક્સ બચાવવા માટે બસ પર ખોટી નંબર પ્લેટ લગાવી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. આ મામલે મહેસાણા તાલુકા પોલીસ મથકે બસના માલિક વિરુદ્ધ છેતરપિંડી અને સરકારી દસ્તાવેજોના દુરુપયોગ અંગે ફરિયાદ નોંધાવવામાં આવી છે.
ગત 25 જાન્યુઆરી 2026ના રોજ મહેસાણા આર.ટી.ઓ.ના સહાયક મોટર વાહન નિરીક્ષક હિતેષ ઈશ્વરભાઈ ગુરુનાણી અને તેમની ટીમ મેવડ ટોલનાકા પાસે વાહન ચેકિંગમાં હતી. આ દરમિયાન મહેસાણાથી અમદાવાદ તરફ જતી એક પીળા કલરની સ્લીપર લક્ઝરી બસને અટકાવવામાં આવી હતી. તપાસ દરમિયાન બસ પર RJ-21-PB-1007 નંબરની પ્લેટ લાગેલી હતી. બસના ચાલક અયુબખાન મુબારકખાન પાસે ટેક્સની વિગતો ન હોવાથી અધિકારીઓએ પેસેન્જરોને અન્ય બસમાં શિફ્ટ કરી આ બસને ડિટેઈન કરી આર.ટી.ઓ. કચેરી ખાતે જમા લીધી હતી.
જોકે આ મામલે ચોંકાવનારો વળાંક ત્યારે આવ્યો જ્યારે રાજસ્થાનની ભીનમાલ ડી.ટી.ઓ. કચેરી તરફથી એક મેઈલ મળ્યો.આ મેઈલમાં જણાવાયું હતું કે જે બસ ડિટેઈન કરવામાં આવી છે તેનો અસલી રજીસ્ટ્રેશન નંબર RJ-46-PA-1527 છે. બસ માલિકે લાંબા સમયથી રાજસ્થાનનો આર.ટી.ઓ. ટેક્સ ભર્યો ન હોવાથી પકડાઈ જવાની બીકે બસ પર અન્ય વાહનનો ખોટો નંબર લગાવી દીધો હતો.
આર.ટી.ઓ. કચેરીની આંતરિક તપાસમાં પણ સ્પષ્ટ થયું કે બસના ચેસીસ નંબર સાથે તેની નંબર પ્લેટ મેચ થતી ન હતી. આમ ટેક્સ ચોરી કરવાના ઇરાદે ખોટી નંબર પ્લેટને સાચી તરીકે ઉપયોગ કરી સરકારને આર્થિક નુકસાન પહોંચાડવા બદલ મહેસાણા આર.ટી.ઓ. દ્વારા બસ માલિક અને તપાસમાં ખુલે તે તમામ શખ્સો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.