ગૌ-હત્યા સામે ઝીરો ટોલરન્સ: 18થી વધુને આજીવન કેદ, હર્ષ સંઘવીએ દુધરેજમાં યાત્રાધામના વિકાસ માટે વધારાના ભંડોળની જાહેરાત કરી

Spread the love

 

 

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સુરેન્દ્રનગરના દુધરેજ ધામ સ્થિત શ્રી વડવાળા મંદિર ખાતે આયોજિત ‘હોળી મહોત્સવ’માં સહભાગી થયા હતા. આ પ્રસંગે તેમણે ગૌ-હત્યારાઓ સામે રાજ્ય સરકારની ઝીરો ટોલરન્સ નીતિ પર ભાર મૂક્યો હતો અને યાત્રાધામના વિકાસ માટે વધારાના ભંડોળની જાહેરાત કરી હતી.
નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર ગૌ-હત્યા કરનારા તત્વો પ્રત્યે અત્યંત કઠોર છે. સરકારના મક્કમ નિર્ધાર અને નક્કર કામગીરીના કારણે છેલ્લા એક વર્ષમાં 18થી વધુ ગૌ-હત્યારાઓને 7 વર્ષથી લઈને આજીવન કેદ સુધીની સજા ફટકારવામાં આવી છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં ગૌ-હત્યા વિરોધી કડક કાયદો લાવીને ગૌભક્તોની લાગણીનું સન્માન કરાયું હોવાનું પણ ઉમેર્યું હતું.
દુધરેજ યાત્રાધામના વિકાસ અંગે મહત્ત્વની જાહેરાત કરતા સંઘવીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ દુધરેજ ધામના વિકાસ માટે અગાઉ મંજૂર થયેલા સાડા ચાર કરોડ રૂપિયા ઉપરાંત, બીજા બે કરોડ રૂપિયા એમ કુલ 6.50 કરોડના વિકાસકામો સરકાર દ્વારા કરવામાં આવશે. આ ભંડોળ યાત્રાધામને વધુ સુવિધાઓથી સજ્જ બનાવવામાં મદદ કરશે.
આ મહોત્સવ દરમિયાન, નાયબ મુખ્યમંત્રીએ હરિદ્વાર કુંભ મેળામાં મહામંડળેશ્વર અને તાજેતરમાં શંકરાચાર્યની પદવીથી વિભૂષિત થયેલા કનીરામ બાપુ તેમજ લઘુ મહંત નાગરદાસ બાપુના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. તેમણે મંત્રી તરીકે પદભાર સંભાળ્યાના બીજા જ દિવસે ભગવાન વડવાળાના આશીર્વાદ લઈ ગૌમાતા અને ગૌભક્તોની રક્ષાનો સંકલ્પ કર્યો હોવાનું પણ યાદ અપાવ્યું હતું. તેમણે ઉપસ્થિત માલધારી ભાઈ-બહેનો અને ભક્તોને સનાતન શક્તિને મજબૂત કરવા અને ગૌરક્ષાની નૈતિક જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવવા આહવાન કર્યું હતું.
આ પ્રસંગે નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, સાંસદ બાબુભાઈ દેસાઈ, ધારાસભ્ય પી.કે.પરમાર, અગ્રણી હિતેન્દ્રસિંહ ચૌહાણ, હાર્દિકભાઈ ટમાલીયા, જિલ્લા કલેક્ટર કે.એસ.યાજ્ઞિક, મ્યુનિસિપલ કમિશનર નવનાથ ગ્વહાણે, જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ તેમજ મોટી સંખ્યામાં સાધુ-સંતો અને ભક્તો ઉપસ્થિત રહ્યા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *