યુદ્ધની ભરૂચ જિલ્લાના ઉદ્યોગો પર અસર

Spread the love

 

અમેરિકા અને ઇઝરાઇલે ઇરાન પર કરેલાં હુમલાની અસર ભરૂચ જિલ્લાના ઉદ્યોગો પર પડી શકે છે. ઇરાન સહિતના ખાડી દેશો વિશ્વની ખનીજતેલની જરૂરિયાત પૂર્ણ કરે છે ત્યારે આગામી દિવસોમાં ખનીજતેલના ભાવ વધવાની શકયતાઓ રહેલી છે.
આ યુધ્ધ લાંબુ ચાલશે તો ભરૂચ જિલ્લાના ઉદ્યોગોમાંથી આયાત અને નિકાસ 25 થી 30 ટકા જેટલી ઘટવાની સંભાવના છે. અમેરિકા સાથે ટ્રેડ ડિલ બાદ રશિયા અને વેનેઝુએલાથી આવતો ખનીજતેલનો જથ્થો ઓછો થઇ ગયો છે. આ ઉપરાંત ભારત ઇરાન પાસેથી પણ ખનીજતેલની ખરીદી કરે છે.
ઇરાને હવે હોમુર્ઝની ખાડીવાળો દરિયાઇ માર્ગ બંધ કરીને ઓઇલ ટેન્કરોને મધદરિયે રોકી દીધાં છે. ખનીજતેલની માગની સામે જથ્થો ઓછો થઇ જતાં આગામી દિવસોમાં તેના ભાવ વધવાની સંભાવના છે. જેના પગલે ભરૂચ જિલ્લામાં આવેલાં ફાર્મા, બલ્ક ડ્રગ્સ, એગ્રો તથા પેટ્રો કેમિકલના ઉદ્યોગો પર અસર થઇ શકે છે. ઇરાન અને ઇઝરાઇલ વચ્ચે યુધ્ધ લાંબુ ચાલશે તો ખનીજ તેલની સાથે તેની બાય પ્રોડકટના ભાવ પણ ભડકે બળશે.
રો- મટીરીયલ મોંધુ થવાથી કંપનીઓનો ઉત્પાદન ખર્ચ વધી જશે. જેની સીધી અસર ભરૂચ જિલ્લામાંથી થતી આયાત અને નિકાસ પર પડશે. ઉદ્યોગકારોના મતે આયાત અને નિકાસમાં 25 થી 30 ટકાનો ઘટાડો થવાની સંભાવના છે.
ઈરાન -અમેરિકાના યુદ્ધથી વૈશ્વિક બજાર પર મોટી અસર ઉભી થઇ રહી છે. ક્રૂડ ઓઇલમાંથી જ વિવિધ બાય પ્રોડક્ટ આવતી હોય છે.ઓઇલની કિંમતમાં યુદ્ધ ને લઇ વધારો થઇ શકે છે. જેને લઇ ઉદ્યોગોના ઓઇલ આધારિત રો- મટીરીયલ કિંમત વધી શકે છે જે ઉત્પાદિત ખર્ચમાં વધારો કરવા સાથે ઉત્પાદિત માલની કિંમત માં પણ વધારો કરશે. જેને લઇ આયાત નિકાસ પર ઉંચા ભાવને લઇ બ્રેક વાગશે. વધુમાં નવા ઓર્ડર આવતા અટકી પડશે . – રમેશ ગાબાણી , પૂર્વ પ્રમુખ એ.આઈ.એ અને આયાત નિકાસકર્તા.
રશિયા અને યુક્રેન બાદ હવે ખાડી દેશોમાં યુધ્ધ શરૂ થઇ જતાં ઉદ્યોગોની મુશ્કેલી વધી છે.ભારતને ઈરાન પાસે ક્રૂડ ઓઇલનો જથ્થો મળતો હતો. માલ સામાનની આયાત તથા નિકાસ માટે ઇરાનના ચાબહાર બંદરનો લાભ મળતો હતો જે બંધ થઇ ગયો છે. આ સ્થિતિમાં ઉદ્યોગોની આયાત અને નિકાસમાં 25 થી 30 ટકાનો ઘટાડો થવાની સંભાવના છે. – ડૉ. મહેશ પટેલ, ઉદ્યોગકાર
ભારતના આયાત નિકાસ વેપાર માર્ગ પર કંડલા અને ચાબહાર બંદર સીધું જોડાણ ચાબહાર બંદર ઈરાનનું સૌથી દક્ષિણનું શહેર છે અને એક મુક્ત વેપાર ઝોન છે. ભારતે ચાબહાર બંદરમાં કરોડો ડોલરનું રોકાણ કર્યું છે. 2016 થી તેના વિકાસમાં સામેલ છે.
ચાબહાર બંદર ગુજરાતના કંડલા બંદર સાથે દરિયાઈ માર્ગે જોડાયેલું છે જે વેપારને વેગ આપે છે. તાજેતરમાં ઈરાન પર અમેરિકા- ઇઝરાયેલના તણાવને કારણે આ પ્રોજેક્ટ પર જોખમ તોળાઈ રહ્યું છે. ભારત માટે તે ભૌગોલિક-રાજકીય રીતે અનિવાર્ય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *