અમદાવાદ શહેર સહિતના મહાનગરોમાં ટ્રાફિકની સમસ્યાની સાથે સાથે અકસ્માતોની સંખ્યા વધી રહી છે. આ અકસ્માત નિવારવા માટે તંત્રએ રોડ રસ્તાના સુધારાત્મક કામો કરાવવાની જગ્યાએ સામાન્ય નાગરિકો પર કડકાઇ દાખવી છે. સ્ટેટ ટ્રાફિક બ્રાંચે સામાન્ય નાગરિકો પર દંડનો દંડો ફટકારીને સંતોષ માન્યો છે. રાજ્યભરની ટ્રાફિક પોલીસને નિયમો ન પાળતા લોકોને દંડ આપીને વાહનો જમા લેવાની ડ્રાઇવ આપવામાં આવી છે.
જેને લઇને ટ્રાફિક વિભાગને પણ કોર્પોરેટ કલ્ચરની માફક ટાર્ગેટ આપી દેવામાં આવ્યો છે. છાશવારે અકસ્માત સર્જાતા હોવા છતાં ડ્રાઇવના છ દિવસ દરમિયાન શહેરમાં સૌથી વધુ હેલમેટ ન પહેરતા લોકો ઝડપાયા છે. શહેર ટ્રાફિક વિભાગે 10 હજારથી વધુ હેલમેટ ન પહેરનાર અને 8500થી વધુ લોકોને ગેરકાયદે પાર્કિંગ કરતા દંડ ફટકાર્યો છે. શહેરમાં ટ્રાફિક નિયમોના લીરેલીરા ઉડાવતા વાહનચાલકોને કુલ ₹1.47 કરોડનો દંડ ફટકાર્યો છે. જોકે, હાલની શહેરની પરિસ્થિતિ પ્રમાણે ટ્રાફિક વિભાગે દંડની કાર્યવાહીથી એક કદમ આગળ વિચારીને લોકો નિયમ પાળે તે માટેની કોઇ કામગીરી કરવી અનિવાર્ય બની હોવાનું મનાઇ રહ્યું છે.
માર્ગ અકસ્માતો વધી રહ્યા છે. તેમાંય મહાનગરપાલિકાઓમાં ભ્રષ્ટાચારી તંત્રના વાંકે રોડ રસ્તાની ખરાબ ગુણવત્તા અને રોડની ફોલ્ટી ડિઝાઇનોના કારણે અકસ્માતો વધી રહ્યા છે. સુધારાત્મક કામો કરાવવાની જગ્યાએ અકસ્માત ઘટાડવાના નામે સ્ટેટ ટ્રાફિક બ્રાંચે રાજ્યભરમાં ડ્રાઇવ આપી છે. તા.25 ફેબ્રુઆરીથી 10 માર્ચ સુધી ડ્રાઇવ હેઠળ નંબર પ્લેટ વિનાની અને કાળા કાચ વાળી ગાડીઓ, ડ્રીંક એન્ડ ડ્રાઇવ, રોંગ સાઇડ અને હેલમેટ વગર વાહન ચલાવતા લોકો સામે લાલઆંખ કરવા સૂચના આપી છે. તેવામાં અમદાવાદ ટ્રાફિક વિભાગે ડ્રાઇવ દરમિયાન માત્ર છ દિવસમાં 10 હજારથી વધુ લોકોને હેલમેટ પહેર્યા વગર વાહન ચલાવવા બદલ પકડીને કુલ રૂ. 52 લાખથી વધુનો દંડ ફટકાર્યો છે. અનિઅધિકૃત રીતે વાહનો પાર્ક કરનાર 8500 લોકોને 48 લાખથી વધુનો દંડ ફટકાર્યો છે.
રહી રહીને પોલીસ એલઇડી લાઇટના કેસ કરવા લાગી
અત્યાર સુધી આંખો અંજાઇ જાય તેવી વાહનોની LED લાઇટ બાબતે ટ્રાફિક વિભાગને કાર્યવાહી કરવા સત્તા ન હોવાનું અધિકારીઓ ગણગણાટ કરતા હતા. જોકે આ ડ્રાઇવ યોજાતા જ ટ્રાફિક વિભાગે ગેરકાયદે એલઇડી સફેદ લાઇટ લગાવવાના 25 કેસ કરીને 80 હજારથી વધુનો દંડ ફટકાર્યો છે.
નિયમ ભંગ દંડ ડિટેન કેસ
- ડ્રીંક એન્ડ ડ્રાઇવ 73 – 32
- વધુ પેસેન્જરો બેસાડવા 488 2.91 લાખ 2
- રોંગ સાઇડ 1844 35.15 લાખ 23
- નંબર પ્લેટ વગર 1204 4.98 લાખ 155
- કાળા કાચ વાળી ગાડી 515 2.81 લાખ 6
- હેલમેટ પહેર્યા વગર વાહન ચલાવવું 10363 52.09 લાખ 7
- સફેદ એલઇડી લાઇટ લગાવવા 25 80 હજાર 2
- અનઅધિકૃત વાહન પાર્કિંગ 8500 48.33 લાખ 5