ઈરાન-ઈઝરાયેલ યુદ્ધમાં સૌથી મોટો ખતરો છે તેલ ભંડારનો. આ વચ્ચે ભારતના સ્ટ્રેટેજિક ઓઈલ રિઝર્વની ચર્ચાએ જોર પકડ્યું છે. ઘણા ઓછા લોકોને આ વાતની ખબર હશે કે ભારત પાસે તેલને લઈને પ્લાન B રેડી છે. ભારતે ક્યાંક પર્વતોની વચ્ચે વિશાળ ગુફાઓમા કાચા તેલનો ભંડાર તૈયાર કર્યો છે. વિશાખાપટ્ટનમ, મંગલુરુ અને પડૂરમાં બનેલા આ સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ દેશની ઊર્જા સુરક્ષા માટે ઇમરજન્સી સ્થિતિમાં ઉપયોગ માટે તૈયાર છે.
દેશની ઊર્જા સુરક્ષા મજબૂત કરવા પર ફોકસ
આ યોજનાની શરૂઆત 1991ના આર્થિક સંકટ સાથે જોડાયેલી છે, જ્યારે ગલ્ફ વોર દરમિયાન ભારત સામે ગંભીર ઊર્જા સંકટ ઉભું થયું હતું. એ સમયે કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું હતું કે, ભારત પાસે માત્ર 3 દિવસનો ઓઈલનો જથ્થો બચ્યો હતો, જ્યારે અન્ય કેટલાક રિપોર્ટ્સમાં 1 સપ્તાહ અથવા 10 દિવસ જણાવવામાં આવ્યા હતા. ખરેખર સમસ્યા એ હતી કે. ઓઈલ ખરીદવા માટે વિદેશી ચલણનો ભંડાર ઝડપથી ખતમ થઈ રહ્યો હતો. એ સંકટે ભારતને વિચારવા મજબૂર કર્યું કે, ભવિષ્યમાં આવી સ્થિતિથી બચવા માટે શું કરવું? ત્યારે વિચાર આવ્યો કે દેશની ઊર્જા સુરક્ષા મજબૂત કરવી જરૂરી છે.
સ્ટ્રેટેજિક ભંડાર અને કોમર્શિયલ ભંડાર વચ્ચે મોટો તફાવત. (ફાઈલ ફોટો PTI)
1991ના સંકટે કેમ બદલી ભારતની વિચારધારા
• 1991માં ભારત પાસે જે ઓઈલ સ્ટોક હતો, એ તેલ કંપનીઓનો કોમર્શિયલ ભંડાર હતો. એટલે કે એ રોજની સપ્લાય માટે રાખવામાં આવતો હતો. સરકાર પાસે અલગથી એવો કોઈ સ્ટ્રેટેજિક ભંડાર નહોતો, જે માત્ર ઇમરજન્સી માટે ઉપયોગ કરી શકાય. એ સમયે પણ તેલ કંપનીઓ સરકારના નિયંત્રણમાં હતી, પણ સંકટના સમયે અલગથી સુરક્ષિત રિઝર્વ હોવું જરૂરી માનવામાં આવ્યું હતું.
• દુનિયાના ઘણા મોટા દેશોએ પહેલેથી જ પોતાના સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ (SPR) બનાવ્યા હતા. એનો હેતુ માત્ર એ હતો કે જો યુદ્ધ, વૈશ્વિક સંકટ કે કુદરતી આપત્તિથી ઓઈલ સપ્લાય બંધ થઈ જાય તો દેશ થોડા સમય સુધી પોતાના ભંડારના આધાર પર ચાલી શકે. આ રીતે, જેમ જૂના સ્કૂટરમાં પેટ્રોલ ટેન્કમાં રિઝર્વ સિસ્ટમ હોય છે, એ રીતે આ સરકારી રિઝર્વ છે, જે માત્ર સંકટની સ્થિતિમાં જ ચાલુ કરવામાં આવે છે.
• તેલ કંપનીઓના કોમર્શિયલ ભંડાર મોટા ટેન્ક્સ કે ડેપોમાં રાખવામાં આવે છે, પણ સ્ટ્રેટેજિક ભંડાર માટે એવી જગ્યા જોઈએ જ્યાં યુદ્ધ કે હુમલાની અસર ઓછી થાય. જો દુશ્મન દેશ ઓઈલ ડેપોને નિશાન બનાવે કે કોઈ આપત્તિમાં ડેપો નષ્ટ થઈ જાય તો સંકટ વધી શકે. એટલે નક્કી થયું કે સ્ટ્રેટેજિક ભંડાર જમીન ઉપર નહીં, પણ ખડકની અંદર બનાવવામાં આવે.
• આ માટે ઘણા ભૂગોળીય માપદંડો પર વિચાર કરવામાં આવ્યો. પહેલી શરત એ હતી કે ત્યાં મજબૂત ખડક હોવી જોઈએ, જેમાં મોટી ગુફા બનાવી શકાય. બીજી શરત એ હતી કે ખડકમાંથી તેલ લીક ન થવું જોઈએ. ત્રીજી શરત એ હતી કે એ વિસ્તારમાં ભૂકંપનો ખતરો ઓછો હોવો જોઈએ. ચોથી શરત એ હતી કે દરિયાઈ પોર્ટ નજીક હોવો જોઈએ, જેથી જહાજથી તેલ લાવી શકાય, અને પાંચમી શરત એ હતી કે રિફાઈનરી પણ નજીક હોવી જોઈએ, જેથી પાઈપલાઈનથી તેલ પહોંચાડી શકાય.
ભારત પાસે તેલ ભંડારની સ્થિતિ
• ભારત પાસે લગભગ 5.33 મિલિયન મેટ્રિક ટન ક્ષમતા ધરાવતો સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ (SPR) છે.
• આ ભંડાર ઇમરજન્સી સ્થિતિમાં લગભગ 9 થી 10 દિવસની તેલ જરૂરિયાત પૂરી કરી શકે છે.
• ભારતે આ સ્ટ્રેટેજિક ઓઈલ રિઝર્વ ખડકની અંદર ગુફા જેવી રચનામાં બનાવ્યા છે.
• હાલમાં દેશમાં ત્રણ મુખ્ય સ્થળે આ ભંડાર છે- વિશાખાપટ્ટનમ, મંગલુરુ અને પડૂર.
• આ ભંડારનો ઉપયોગ યુદ્ધ, વૈશ્વિક ઓઈલ સંકટ, કુદરતી આપત્તિ કે સપ્લાય બંધ થવા જેવી સ્થિતિમાં થાય છે.
• ભારત સરકાર આને ઈન્ડિયન સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ લિમિટેડ (ISPRL) દ્વારા સંચાલિત કરે છે.
• હવે ભારત બીજા તબક્કામાં ઓડિશાના ચાંદીખોલ અને પડૂરના વિસ્તરણ દ્વારા આ ક્ષમતા વધારવાની યોજના પર કામ કરી રહ્યું છે.
પ્રથમ તબક્કામાં ત્રણ સ્થળે કુલ 5.33 મિલિયન મેટ્રિક ટન ક્ષમતા ધરાવતો ભંડાર બનાવવાનો નિર્ણય થયો. (ફાઈલ ફોટો PTI)
ભારતે ક્યાં બનાવ્યો સ્ટ્રેટેજિક ઓઈલ રિઝર્વ, ચાર પોઈન્ટમાં સમજો…
-
- બધા માપદંડો જોઈને દક્ષિણ ભારતના તટીય વિસ્તારો પસંદ કરવામાં આવ્યા. સરકારે આ કામ માટે અલગ કંપની બનાવી જેનું નામ રાખ્યું- ઈન્ડિયન સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ લિમિટેડ (ISPRL). આ કંપનીને જવાબદારી આપવામાં આવી કે દેશ માટે સ્ટ્રેટેજિક ઓઈલ રિઝર્વ તૈયાર કરે.
-
- પ્રથમ તબક્કામાં ત્રણ સ્થળે કુલ 5.33 મિલિયન મેટ્રિક ટન ક્ષમતા ધરાવતો ભંડાર બનાવવાનો નિર્ણય થયો. પ્રથમ ભંડાર આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં બનાવાયો, તેની ક્ષમતા 1.33 મિલિયન મેટ્રિક ટન છે. બીજું કર્નાટકના મંગલુરુમાં 1.5 મિલિયન મેટ્રિક ટન છે. ત્રીજું કર્નાટકના પડૂર (ઉડુપીને નજીક)માં 2.5 મિલિયન મેટ્રિક ટન છે.
-
- આ ત્રણેય ભંડાર પહાડના મજબૂત ખડકની અંદર ગુફા જેવા આકારે બનાવ્યા છે. વિશાખાપટ્ટનમમાં ગ્રેનાઈટ ખડકની અંદર ટનલ જેવા આકારે છે. આ સ્થળ પસંદ કરાયું કારણ કે અહીં ભૂકંપનો ખતરો ઓછો છે અને નજીકમાં પોર્ટ અને HPCLની રિફાઈનરી છે. આ ભંડાર 2015માં તૈયાર થયું અને તેમાં ઈરાકથી તેલ લાવવામાં આવ્યું.
-
- મંગલુરુમાં બનેલા ભંડારને બેસાલ્ટ ખડકની અંદર બનાવવામાં આવ્યું છે. આ 2016માં તૈયાર થયું અને તેમાં અબુ ધાબીથી તેલ લાવવામાં આવ્યું. ત્રીજું ભંડાર પડૂરમાં બનાવાયું, જે 2018માં પૂરું થયું. અહીં પણ બેસાલ્ટ ખડકનો ઉપયોગ થયો. આ તમામ ભંડારને એ રીતે ડિઝાઇન કરવામાં આવ્યા છે કે યુદ્ધ, હુમલો કે મોટી આપત્તિ દરમિયાન પણ તેમાં રાખેલું તેલ સુરક્ષિત રહે.
બીજા તબક્કામાં પણ વધારવામાં આવી રહ્યો છે તેલનો ભંડાર
હવે ભારત સ્ટ્રેટેજિક ઓઈલ રિઝર્વ વધારવાની દિશામાં કામ કરી રહ્યું છે. બીજા તબક્કામાં ઓડિશાના ચાંદીખોલમાં નવો ભંડાર બનાવવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત પડૂરના હાલના ભંડારની ક્ષમતા પણ વધારવામાં આવી રહી છે. સરકારનો હેતુ છે કે ભવિષ્યમાં ભારત પાસે વધુ દિવસો સુધી ચાલે તેવું સ્ટ્રેટેજિક ઓઈલ રિઝર્વ હોય.
ભારત પાસે લગભગ 5.33 મિલિયન મેટ્રિક ટન ક્ષમતા ધરાવતું સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ (SPR) છે. (ફાઈલ ફોટો PTI)
• સ્ટ્રેટેજિક ભંડાર અને કોમર્શિયલ ભંડાર વચ્ચે મોટો તફાવત છે. કોમર્શિયલ ભંડાર તેલ કંપનીઓ પાસે હોય છે અને તેનો ઉપયોગ રોજની સપ્લાય માટે થાય છે. જ્યારે સ્ટ્રેટેજિક ભંડાર માત્ર રાષ્ટ્રીય ઇમરજન્સી માટે હોય છે અને તેને સરકાર નિયંત્રિત કરે છે. સામાન્ય સ્થિતિમાં તેનો ઉપયોગ થતો નથી.
• ઈન્ટરનેશનલ એનર્જી એજન્સી (IEA)નું માનવું છે કે દરેક દેશે ઓછામાં ઓછા 90 દિવસની જરૂરિયાત જેટલું તેલ સ્ટ્રેટેજિક ભંડારમાં રાખવું જોઈએ, પણ ભારતના મામલે આ આંકડો હજુ ઘણો ઓછો છે. હાલમાં ભારત પાસે માત્ર લગભગ 9.5 દિવસનું સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ છે.
• જો તેલ કંપનીઓના કોમર્શિયલ ભંડાર પણ જોડીએ તો કુલ સ્ટોરેજ ક્ષમતા લગભગ 74 દિવસની જરૂરિયાત જેટલી થાય છે. છતાં, નિષ્ણાતોનું માનવું છે કે વૈશ્વિક સંકટની સ્થિતિમાં આ પૂરતું નથી.
• અન્ય દેશોની સાથે સરખામણી કરીએ તો ઘણા દેશો આ મામલે આગળ છે. અમેરિકા પાસે લગભગ 40 દિવસનું સ્ટ્રેટેજિક ઓઈલ રિઝર્વ છે. દક્ષિણ કોરિયા પાસે લગભગ 90 દિવસનું સ્ટ્રેટેજિક રિઝર્વ છે. ચીન તો 130 દિવસનું સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ તૈયાર કરી ચૂક્યું છે.
સૌથી રસપ્રદ ઉદાહરણ જાપાનનું છે. જાપાનને વારંવાર ભૂકંપ અને કુદરતી આપત્તિનો સામનો કરવો પડે છે. આ ઉપરાંત, તેને ઉત્તર કોરિયા અને ચીન જેવા પડોશી દેશોથી સુરક્ષા અંગે સતત ચિંતાઓ રહે છે. એટલે જાપાને લગભગ 8 મહિના જેટલી જરૂરિયાતનું સ્ટ્રેટેજિક તેલ ભંડાર તૈયાર કરી રાખ્યું છે. જો લાંબા સમય સુધી તેલ સપ્લાય બંધ થઈ જાય ત્યારે પણ જાપાન તેની અર્થવ્યવસ્થાને સામાન્ય રૂપથી ચલાવી શકે છે.
Also Read: ટ્રમ્પે માન્યો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો આભાર, 50 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર USમાં સ્થપાશે કોઈ રિફાઇનરી