
અમદાવાદ
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યમાં પ્રમોલગેશન થયેલા ગામોમાં માપણી અંતર્ગત રહી ગયેલી ક્ષતિઓની સુધારણાની અરજીઓનો એકસમાન પદ્ધતિ અને આયોજનબદ્ધ ધોરણે નિકાલ હાથ ધરવા માટે ભૂમિ સીમાંકન માટેના દિશાનિર્દેશ મહેસુલ વિભાગની ઉચ્ચસ્તરીય બેઠકમાં આપ્યા છે.
આ સંદર્ભે ભારતીય જનતા પાર્ટી કિસાન મોરચા અધ્યક્ષ શ્રી હિરેન હિરપરા એ જણાવ્યું હતું કે, ખેતીની જમીનોની માપણીમાં પ્રમોલગેશન પછી ખેડૂતોની વાંધા અરજીઓનો નિકાલ પારદર્શક અને ચોકસાઈપૂર્વક રીતે કરીને ઈઝ ઓફ ડુંઈંગ બિઝનેસને વેગ આપવા સાથે ગ્રામીણ ખેડૂતોના હિતોની રક્ષા કરવાનો ખેડૂત કલ્યાણલક્ષી અભિગમ મુખ્યમંત્રીશ્રીએ આ નિર્ણયથી અપનાવ્યો છે.
મુખ્યમંત્રીશ્રીએ ભૂમિ સીમાંકન અંતર્ગત રાજ્યના જિલ્લાઓમાં કલેકટરની અધ્યક્ષતામાં ભૂમિ સીમાંકન સમિતિ કાર્યરત કરવા અને જિલ્લાની ભૂમિ સીમાંકન કામગીરીની સમીક્ષા કરવાની સૂચનાઓ આપી હતી.ભૂમિ સીમાંકન અંતર્ગત પ્રમોલગેશન બાદ માપણીની ક્ષતિ સુધારણા માટે આવેલી અરજીઓના આયોજનબદ્ધ અને સુચારૂં નિવારણ માટે મુખ્યમંત્રીશ્રીના દિશાનિર્દેશોને પગલે મહેસુલ વિભાગ દ્વારા સાત જેટલી અલગ-અલગ કેટેગરી નિયત કરવામાં આવી છે.
મુખ્યમંત્રીશ્રીએ ભૂમિ સીમાંકન અંતર્ગતના માપણી ક્ષતિ સુધારણાના જટિલ પ્રશ્નોનું ત્વરાએ નિવારણ થાય એટલું જ નહિ, રજૂઆતકર્તાને કચેરીએ જવું જ ન પડે તે માટે તાલુકા વિકાસ અધિકારી, મામલતદારોને વધુ સત્તાધિકારો આપીને મોબાઇલ મેજિસ્ટ્રેટ કોર્ટ સમિતિ દ્વારા ગુજરાત જમીન મહેસુલ અધિનિયમની કલમ 119, 120 તેમજ જમીન મહેસુલ નિયમ, 1972ના નિયમો 21(1), 21(2) અને 21(3) મુજબ કાર્યવાહી કરીને નિવારણ લાવવા પણ સૂચનાઓ આપી છે.
મુખ્યમંત્રીશ્રીએ આવા માપણી ક્ષતિ સુધારણાના મહત્તમ પ્રશ્નોનું નિરાકરણ ભૂમિ સીમાંકનમાં રાજ્યભરમાં એકસમાન કાર્યપદ્ધતિએ ઝડપી અને પારદર્શી રીતે લાવીને લોકોને સુશાસનની સચોટ અને અસરકારક અનુભૂતિ થાય તેવી કામગીરી માટે મહેસુલ વિભાગને સૂચનાઓ આપી છે. આ નિર્ણયથી ખેડૂતોને સમય બચશે અને ફાયદો થશે તેમ ગુજરાત પ્રદેશ ભાજપ કિસાન મોરચાના પ્રમુખ હિરેનભાઈ હિરપરા એ નિર્ણય આવકારી અભિનંદન રાજ્ય સરકારને પાઠવ્યા છે અને આભારની લાગણી વ્યક્ત કરી છે.