ગુજરાતમાં ગેસની અછત બાદ હવે ઇન્ડક્શન-સગડીમાં વેઇટિંગ: સુરતમાં 10 દિવસનું વેઈટિંગ.જાણો વિગતવાર

Spread the love

 

રાજ્યભરમાં ગેસ સિલિન્ડરની સપ્લાય ખોરવાતા હવે લોકોએ વૈકલ્પિક વ્યવસ્થા તરીકે ઇન્ડક્શન સ્ટવ અને ઇલેક્ટ્રિક સગડી તરફ (Gas Shortage in Gujarat) દોટ મૂકી છે. અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરા જેવા મુખ્ય શહેરોમાં ઇન્ડક્શનની માગમાં અભૂતપૂર્વ ઉછાળો આવ્યો છે. પરિસ્થિતિ એવી સર્જાઈ છે કે મોટાભાગના વેપારીઓ પાસે સ્ટોક શૂન્ય થઈ ગયો છે અને દુકાનોમાં ‘આઉટ ઓફ સ્ટોક’ના બોર્ડ લાગી રહ્યા છે.

જે ઇન્ડક્શન મહિનામાં માંડ 10 થી 15 વેચાતા હતા, તેની ડિમાન્ડ હવે રોજના 100 સુધી પહોંચી ગઈ છે.

શહેરોમાં વેઇટિંગ અને ભાવવધારાનો માર
બજારમાં અત્યારે હાજર સ્ટોક ન હોવાથી ગ્રાહકોએ એડવાન્સ બુકિંગ કરાવવું પડી રહ્યું છે. સુરતમાં ઇન્ડક્શન લેવા માટે ગ્રાહકોએ 10 દિવસની રાહ જોવી પડી રહી છે, જ્યારે રાજકોટમાં કોલસાથી ચાલતી સગડીઓ મેળવવા માટે 15 દિવસનું વેઇટિંગ ચાલી રહ્યું છે. આ ભારે ડિમાન્ડ વચ્ચે ઇન્ડક્શનના ભાવમાં પણ 15% થી 30% સુધીનો તોતિંગ વધારો ઝીંકાયો છે. મેન્યુફેક્ચરિંગ યુનિટોએ ભાવ વધારી દેતા વેપારીઓ પણ મૂંઝવણમાં છે કે નવો માલ મંગાવવો કે નહીં.

વેપારીઓ પાસે માલ ખૂટ્યો
વેપારીના જણાવ્યા અનુસાર, પહેલા માત્ર પીજી કે હોસ્ટેલમાં રહેતા લોકો જ ઇન્ડક્શન વાપરતા હતા, પરંતુ હવે સામાન્ય પરિવારો પણ ઘરે-ઘરેથી ઇન્ડક્શન લેવા આવી રહ્યા છે. વેપારીઓએ પોતાનો જૂનો સ્ટોક ખાલી કરી દીધો છે. યુદ્ધ જેવી સ્થિતિને કારણે ગેસની અનિશ્ચિતતા વધતા લોકો મોંઘા ભાવે પણ (₹2000 થી ₹6000 સુધી) ઇલેક્ટ્રિક સગડી ખરીદવા મજબૂર બન્યા છે.

રાજકોટ અને વડોદરામાં અભૂતપૂર્વ ડિમાન્ડ
રાજકોટમાં ઇલેક્ટ્રિક સગડીનું વેચાણ રોજના 15 નંગથી વધીને 80 નંગ સુધી પહોંચ્યું છે. ગ્રાહકોના મતે ગેસ ક્યારે બંધ થઈ જાય તે નક્કી ન હોવાથી સલામતી માટે ઇલેક્ટ્રિક વિકલ્પ વસાવવો જરૂરી બન્યો છે. વડોદરામાં પણ પરિસ્થિતિ ગંભીર છે; વેપારીના જણાવ્યા મુજબ, ઓનલાઇન કે ઓફલાઇન ક્યાંય મટીરિયલ ઉપલબ્ધ નથી અને કંપનીઓ સપ્લાય પૂરી કરી શકતી નથી.

મેસ સંચાલકો અને વિદ્યાર્થીઓની હાલત કફોડી
ગેસ સિલિન્ડરના કાળાબજારમાં ₹4000 સુધીના ભાવ બોલાઈ રહ્યા છે, ત્યારે હોસ્ટેલની મેસ ચલાવતા સંચાલકો સૌથી વધુ ભીંસમાં છે. અમદાવાદની L.D. એન્જિનિયરિંગ કોલેજમાં વિદ્યાર્થીઓને ભૂખ્યા ન રાખવા માટે મેસમાં પરંપરાગત દેશી ચૂલા શરૂ કરી દેવાયા છે.

લાકડા અને કોલસાના ધુમાડા વચ્ચે રસોઈ બનાવીને વિદ્યાર્થીઓને જમાડવામાં આવી રહ્યા છે. જો આગામી દિવસોમાં ગેસની સપ્લાય રાબેતા મુજબ નહીં થાય, તો વિદ્યાર્થીઓના અભ્યાસ અને ખિસ્સા પર મોટો આર્થિક બોજ આવવાની શક્યતા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *